પ્રોસેસર્સને મળશે આઈટી રિફંડ : કાપડ સસ્તું થશે


અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા.15 જૂન
કેન્દ્ર સરકારે કાપડના વેપારીઓની એક મહત્ત્વપૂર્ણ માગને માન્ય કરી ડાઈંગ-પ્રિન્ટિંગ-પ્રોસેસિંગ યુનિટ પર ઈનપુટ ટૅક્સ ક્રેડિટ (આઈટીસી)ને મંજૂર કરી છે. અગાઉ પ્રોસેસિંગ યુનિટ ધરાવતા 18 ટકા કેમિકલ ઉપર જીએસટી ચૂકવતા હતા. પરંતુ કાપડના જોબ વર્ક ઉપર પાંચ ટકા જીએસટી રિફંડ મળતું હતું. તેથી સરકાર પાસે લાખો રૂપિયાનું ક્રેડિટ રહેતું હતું. પરંતુ તે પાછું મળતું નહોતું અને તે ફક્ત કાગળ ઉપર જ રહેતું હતું. કાપડઉદ્યોગ છેલ્લા અમુક સમયથી માગ કરતું હતું કે તેમને આ ક્રેડિટનું રિફન્ડ મળે. આ માગ 14 જૂનના નોટિફિકેશન દ્વારા મંજૂર કરવામાં આવી છે. હવે દરેક પ્રકારના કપડા ઉપર જોબ વર્ક કરાવનારા યુનિટને હવે આ ક્રેડિટ પાછી મળશે. 
નોંધનીય વાત એ છે કે વેપારીઓને ક્રેડિટ જુલાઈ 2017થી મળશે, આથી જોબ વર્ક કરવું સસ્તું પડશે, પરિણામે બજારમાં કપડાં સસ્તાં થશે. 
આ બાબતે મહારાષ્ટ્ર-ગુજરાતના કાપડના વેપારી અને પ્રોસેસર્સના પ્રતિનિધિમંડળ 5 જૂનના રોજ નાણાસચિવ હસમુખ અઢિયા સાથે દિલ્હીમાં સુરતના સંસદસભ્ય સી.આર. પાટીલે મુલાકાત લીધી હતી અને વેપારીઓની સમસ્યાને સમજાવી હતી. આ પ્રતિનિધિમંડળમાં મહારાષ્ટ્રના ટેક્સ્ટાઈલ પ્રોસેસર્સ ઍસોસિયેશનના અધ્યક્ષ રાજીવ જાલાન, સેક્રેટરી નરેન્દ્ર પોદ્દાર, ભારત મર્ચન્ટ ચૅમ્બરના મનોજ જાલાન અને સુરતના સાઉથ ગુજરાત ટેક્સ્ટાઈલ પ્રોસેસર્સ ઍસોસિયેશનના અધ્યક્ષ જીતુભાઈ વખારિયા હતા, એમ ભારત મર્ચન્ટ ચૅમ્બરના સેક્રેટરી વિનોદ ગુપ્તાએ જણાવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer