આક્ષેપબાજીનું રાજકારણ

રાષ્ટ્રની કઈ સમસ્યાઓની ચિંતા અને ચર્ચા રાજકીય નેતાઓ કરી રહ્યા છે? મીડિયામાં એકમાત્ર કૉંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધીનાં ભાષણો અને આક્ષેપોના અહેવાલ આવી રહ્યા છે. અન્ય કોઈ નેતાના નામ `પ્રકાશ'માં નથી! કાશ્મીરમાં પાકિસ્તાની આતંક-સિનિયર તંત્રીની હત્યા-ના સમાચાર પછી નેતાઓએ નીંદા કરી. હવે કાશ્મીરમાં આપણી સેના `યુદ્ધવિરામ' - અર્થાત્ આતંક સામેના આક્રમક પગલાં બંધ રાખશે કે કાર્યવાહી ચાલુ રાખશે? આતંકવાદીઓની તાલીમી છાવણીઓ ઉપર ત્રાટકશે? અને વિપક્ષી નેતાઓ સરકારને સમર્થન આપશે? કે પછી ટીકા અને આક્ષેપબાજી ચાલુ રાખશે?
લોકસભાની ચૂંટણી જ્યારે થાય ત્યારે - પણ અત્યારે રાહુલ ગાંધીએ આક્ષેપબાજીનું આક્રમણ શરૂ કરી દીધું છે ત્યારે બીજી બાજુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્રામ્ય વિકાસ અને કલ્યાણની યોજનાઓના લાભ ગ્રામીણ જનતા સુધી પહોંચે છે કે નહીં તેની સમીક્ષા શરૂ કરી છે.
રાહુલ ગાંધીના પ્રચારમાં બે મુખ્ય પાત્રો છે - આરએસએસ અને અટલ બિહારી વાજપેયી. પ્રણવ મુખરજીએ નાગપુરની મુલાકાત લીધી અને પ્રવચન કર્યું તે પછી આરએસએસ અને કૉંગ્રેસ બન્ને પોતપોતાની દૃષ્ટિએ લાભ થયાનો દાવો કરતા હતા. કૉંગ્રેસના પ્રવકતા તો એટલા ખુશ હતા કે પ્રણવદાએ સંઘને અરીસો બતાવી દીધો છે! આમ છતાં રાહુલ ગાંધી અને એમના સલાહકારોને ચિંતા છે કે ભાજપ પ્રણવદાના ફોટાનો ઉપયોગ ચૂંટણીમાં કરશે!
આથી નાગપુર મુલાકાત અને ફોટાની અસર ધોઈ-ભૂંસી નાખવાના આક્રમક પ્રયાસ શરૂ થયા છે. કૉંગ્રેસી કાર્યકરોને પણ સ્પષ્ટ સંદેશ છે કે સંઘ-ભાજપ ઉપર આક્રમક બનો. રાહુલ ગાંધી મુંબઈ નજીક ભિવંડીની અદાલતમાં હાજર થયા. ચાર વર્ષ અગાઉ - 2014માં મહારાષ્ટ્રની એક જાહેરસભામાં એમણે કહ્યું હતું કે ``આરએસએસ કે લોગોને ગાંધીજી કો ગોલી મારી હૈ''! આ પછી સંઘના એક કાર્યકર રાજેશ કુંટેએ રાહુલ ગાંધી ઉપર બદનક્ષીનો કેસ દાખલ કર્યો છે. આગલી તારીખ 10મી અૉગસ્ટ છે. કૉંગ્રેસનો વ્યૂહ આ કેસની સુનાવણી ચાલુ જ રાખવાનો છે. જેથી 1950ના સમયગાળાના દસ્તાવેજો - કપૂર કમિશનના રિપોર્ટ - (સંસદમાં રજૂ થયા હતા તે) અદાલતમાં પેશ કરીને આરએસએસ ઉપર ટીકાપ્રહાર જારી રખાય. લોકસભાની ચૂંટણી સુધી કેસ ચાલ્યા કરે. આ સુનાવણી દરમિયાન મીડિયામાં ચર્ચા થાય. તેથી સંઘ અને ભાજપ સામે પ્રચાર થઈ શકે.
મુંબઈમાં કૉંગ્રેસપ્રમુખે એક વાત ઉપર વારંવાર ભાર મૂક્યો કે `બે-ત્રણ વ્યક્તિઓએ ભારત દેશને ગુલામ બનાવી દીધો છે. નરેન્દ્ર મોદી, અમિત શાહ અને મોહન ભાગવતની ત્રિપુટીનો અંકુશ આખા દેશ ઉપર છે.' ભૂતકાળમાં ઇન્દિરાજી સંઘ ઉપર નિશાન લેતાં હતાં, પણ સંસદમાં સીધો - ડાયરેકટ - આક્ષેપ કરવાથી દૂર રહ્યાં હતાં. રાહુલ ગાંધી પહેલા કૉંગ્રેસપ્રમુખ છે, જે સીધો આક્ષેપ કરી રહ્યા છે: ``આ ત્રિપુટી 15-20 ઉદ્યોગપતિઓ માટે જ કામ કરે છે અને આ ઉદ્યોગપતિઓ મોદીના પ્રચાર માટે હજારો - કરોડો રૂપિયા ખર્ચે છે, પણ નાના માણસો - યુવાનો અને કિસાનોને કોડી મળતી નથી, જ્યારે ઉદ્યોગપતિઓની અબજો રૂપિયાની લોનો માફ કરી દેવાય છે...'' એમ કહીને ઉમેર્યું કે ``નીરવ મોદી, લલિત મોદી અને વિજય માલ્યાની જેમ આ મોદી પણ દેશ છોડીને - ભાગી છૂટશે...''
વડા પ્રધાન મોદી આવા આક્ષેપોનો જવાબ નક્કર માહિતી - પુરાવાઓ સાથે આપશે. બ્રિટિશ કાયદાઓનો ગેરલાભ ભાગેડુઓને મળે છે, છતાં આપણને પરિણામ મળશે...!
રાહુલ ગાંધી કર્ણાટકનાં પરિનાણ પછી આક્રમક બન્યા છે અને નરેન્દ્ર મોદીની નકલ - ચેનચાળા કરી રહ્યા છે. મોદીએ એક વખત ભજિયાંવાળા (પકોડાવાલા)ની પીઠ થાબડીને કહ્યું હતું કે આ `કૌશલ્ય' છે. હવે રાહુલ ગાંધી પકોડાવાલા સામે શિકંજી (કાંજી)વાલાને મૂકી રહ્યા છે! અન્ય પછાત વર્ગોના કાર્યકરોની સભામાં એમણે `કોકાકોલા' શરૂ કરનારે શિકંજીથી શરૂઆત કરી હતી એમ કહ્યું (હકીકતમાં 8મી મે, 1886ના દિને એટલાન્ટામાં એક ફાર્મસીના માલિકે કોકા-કોલા શરબત બનાવ્યું તે લોકપ્રિય બની ગયું) રાહુલ ગાંધીએ મેકડોનાલ્ડ પિત્ઝાની સરખામણી ઢાબા સાથે કરી. (મોરીસ અને રિચાર્ડ મેકડોનાલ્ડે કેલિફોર્નિયામાં નાની રેસ્ટોરાં ખોલી હતી) આ પછી કૉંગ્રેસપ્રમુખે ફોર્ડ, હોન્ડા, મર્સીડીઝ કારની વાત કરી કે નાની શરૂઆતથી મોટા થયા. એમનો મુદ્દો એ છે કે મોદીના રાજમાં આવી શક્યતા નથી!
વિદેશી કંપનીઓનાં નામ આપ્યાં પણ રાહુલ ગાંધી એમના કાકા સંજય ગાંધીની મારુતિ કારનું સ્વપ્ન કેમ ભૂલી ગયા! પિતા રાજીવ ગાંધી પાઈલટ હતા અને ટેક્નિકલ જ્ઞાનમાંથી વડા પ્રધાન બની ગયા - તે કેમ ભૂલી ગયા? 1977માં જનતા સરકાર વખતે કોકા-કોલા બંધી કરીને (77) ડબલ સેવન પીણું મોડર્ન બેકરીએ બનાવ્યું હતું - તે કેમ ભૂલી ગયા? સરકાર બદલાયા પછી મોડર્ન બેકરી જ બંધ કરી દેવામાં આવી!
કૉંગ્રેસપ્રમુખ પ્રણવ મુખરજીની નાગપુર મુલાકાતને ભુલાવી દેવા માટે આક્રમક આક્ષેપો કરી રહ્યા છે ત્યારે નોંધપાત્ર માહિતી એવી છે કે પ્રણવદાએ આત્મકથાના ત્રણ ભાગ પ્રસિદ્ધ કર્યા છે. હવે ચોથો ભાગ બહાર પડશે, જેમાં 2012થી 2017 દરમિયાન રાષ્ટ્રપતિ ભવનમાં પાંચ વર્ષની માહિતી - નોટબંધીથી લઈને સર્જિકલ સ્ટ્રાઈક તથા વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેના સંબંધના પ્રસંગોની વાતો હશે - કોને `મસાલો' મળશે? કૉંગ્રેસને કે ભાજપને?
ભાજપના - અને દેશના વરિષ્ઠ નેતા અટલ બિહારી વાજપેયીની સ્વાસ્થ્યની પૂછપરછ કરવા રાહુલ ગાંધી હૉસ્પિટલમાં સૌથી પહેલા પહોંચ્યા એવો દાવો છે : પણ ફોટો પડાવવા, પ્રચારનો લાભ લેવા ગયા હતા કે ખબર પૂછવા? હિન્દુ ધર્મમાં ગુરુનું મહત્ત્વ રાહુલ ગાંધી સમજાવે છે - તો આ ધર્મનું મહત્ત્વ `જનોઈધારી બ્રાહ્મણ' તરીકે કેમ ભૂલી ગયા? નરસિંહરાવનો મૃતદેહ બંગલામાંથી બહાર જાહેર માર્ગ ઉપર મુકાયો, ડૉ. મનમોહન સિંઘના વટહુકમનો કાગળ ભરી પત્રકારસભામાં ફાડી-ફેંકી દેવાયો - હતો કે નહીં ?

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer