સુરતને અમૃતસરની ફ્લાઇટ મળવાની સંભાવના

સુરતને અમૃતસરની ફ્લાઇટ મળવાની સંભાવના

ઍર એશિયાએ રસ દાખવ્યો : ફ્લાઈટ મળે તો કાપડઉદ્યોગને સીધો ફાયદો 
સુરત, તા. 15 જૂન
અમારા પ્રતિનિધિ તરફથી 
 ડાયમંડ સિટી સુરત માટે વધુ એક ખુશીના સમાચાર છે. તાજેતરમાં જ સુરત એરપોર્ટને કસ્ટમ નોટિફિકેશન મળ્યા બાદ આંતરરાષ્ટ્રીય એર કનેકિટવિટીનો માર્ગ મોકળો બન્યો છે. એવામાં હવે શહેરને અમૃતસર સાથે જોડતી ફ્લાઈટ શરૂ કરવાના સંકેતો  એર એશિયાએ આપ્યા છે. 
સુરત એરપોર્ટ એકશન કમિટીના સંજય ઈઝાવા કહે છે કે, અમે એર એશિયા પાસે અમૃતસર ઉપરાંત હૈદરાબાદને જોડતી ફ્લાઈટની માગ કરી છે. અમૃતસર માટે હકારાત્મક ઉત્તર આવ્યો છે. જો આ ફ્લાઈટ મળે તો સુરતના કાપડઉદ્યોગને તેનો સીધો ફાયદો થશે. 
ચેમ્બર ઓફ કોમર્સની એવીએશન કમિટીએ પણ આ બાબતે એર એશિયાને પત્ર લખીને અમૃતસરની ફ્લાઈટ શરૂ કરવાની રજૂઆત કરી હતી. તો બીજી તરફ અમૃતસર ઈન્ડસ્ટ્રીઝ ઍસોસિયેશન દ્વારા પણ એર એશિયાને સુરતને જોડતી સીધી ફ્લાઈટ શરૂ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. 
દક્ષિણ ગુજરાતમાં કાપડનો મોટો ઉદ્યોગ છે. પંજાબી શૂટનો મુખ્ય વેપાર અમૃતસર અને આજુબાજુનાં શહેરો સાથે વધુ થાય છે. કાપડ ઉદ્યોગકારો અને સ્થાનિક ઍસોસિયેશન દ્વારા અમૃતસરની સીધી ફ્લાઈટ માટે ઘણી ક્વાયતો કરાઇ હતી. ખાનગી કંપનીઓમાં હવે એર એશિયાએ રસ દાખવ્યો છે. એટલે વેપારીઓ આશાવાદી બન્યા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer