રોલિંગ લોખંડના ભાવમાં ધીમો પ્રત્યાઘાતી ઘટાડો

રોલિંગ લોખંડના ભાવમાં ધીમો પ્રત્યાઘાતી ઘટાડો

સરકારી પ્રોજેક્ટોમાં રોલિંગ મિલોના સ્ટીલનો ઉપયોગ કરવા અનુરોધ
 
મુંબઈ, તા. 15 જૂન
લોખંડની રોલિંગ મિલોના ઉત્પાદનોના અગાઉ ઊંચા ઉછળેલ ભાવ પર દબાણ આવ્યું હતું. બજાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે ખનિજ લોખંડ, ભંગાર અને કોલસાની કિંમત વધવા સાથે થોડી માગ સુધરવાના બેવડા કારણે રોલિંગના માલના ભાવ પખવાડિયા અગાઉ 8 ટકા સુધીનો ઝડપી વધારો આવી ગયો હતો. જોકે બજારના અગ્રણી સ્ટોકિસ્ટોએ જણાવ્યું છે કે ઊંચા મથાળેથી ભાવ પાછા ફરી રહ્યા છે. `અત્યારે રોલિંગના ટીએમટી બારનો ભાવ રૂા. 41,500થી 41,575 ક્વોટ થઈ રહ્યો છે. અગાઉ ભાવ વધીને રૂા. 43,000 સુધી ક્વોટ થઈ ચૂક્યો હતો.'
સ્થાનિક બજારનાં સૂત્રોએ જણાવ્યું છે કે ચોમાસાની શરૂઆત થઈ ગઈ હોવાથી હવે જૂનના ત્રીજા અઠવાડિયા પછી બાંધકામ ક્ષેત્રની માગ ધીમી પડતી જશે. હવે રહેઠાણ અથવા બાંધકામના પ્રોજેક્ટોમાં આંતરિક કામ જ થઈ શકશે.
સળિયા-રીબારનો વપરાશ તદ્દન ઓછો થઈ જવાથી જે રોલિંગ મિલો અથવા સ્ટોકિસ્ટો પાસે સ્ટોક પડયો છે તેઓ થોડા ઓછા- વત્તા ભાવે વેચીને હળવા થવા માગતા હોઈ ભાવ પર હવે દબાણ શરૂ થયું હોવાનું જણાય છે.
બીજી તરફ કેન્દ્રના પોલાદ પ્રધાનને મહારાષ્ટ્ર રોલિંગ મિલના અગ્રણી ઍસોસિયેશને અપીલ કરી છે કે સરકારી અને પીપીપી પ્રોજેક્ટોમાં ઉચ્ચ ગુણવત્તાના રોલિંગ સળિયા- રીબારનો ઉપયોગ શરૂ કરવો જોઈએ. જો કેન્દ્ર સરકાર આ માગ પ્રત્યે ધ્યાન આપશે તો આગામી વર્ષ 2019માં એક તરફ માંદી રોલિંગ મિલો ધીમે ધીમે બેઠી થવાની સંભાવના બની શકે છે. જ્યારે બીજી તરફ અગ્રણી ઉત્પાદકોના કોર્ટલનો ભોગ બનીને ઊંચા ભાવ ચૂકવવા મજબૂર બનેલા ગ્રાહકોને પણ ભાવના સંતુલનને લીધે રાહત થશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer