16 રાજ્યોનાં જળાશયોનાં પાણી યુરેનિયમથી દૂષિત

16 રાજ્યોનાં જળાશયોનાં પાણી યુરેનિયમથી દૂષિત

નવી દિલ્હી, તા. 15 જૂન
દેશમાં 16 જેટલાં રાજ્યોનાં જળાશયોનાં પાણી યુરેનિયમથી દૂષિત જણાયાં છે. અનેક અભ્યાસ અનુસાર પીવાના પાણીમાં યુરેનિયમની હાજરી કિડનીના અસાધ્ય રોગ પ્રતિ દોરી જાય છે. વધુ મહત્ત્વની વાત એ છે કે બ્યૂરો અૉફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડઝે પીવાનાં પાણી માટે જે અશુદ્ધિઓ પર નજર રાખવા કહ્યું તેમાં યુરેનિયમનો સમાવેશ થયો જ નથી.
આ પ્રદૂષણનું મૂળ કારણ કુદરત છે, પરંતુ સિંચાઈ માટે વ્યાપક પ્રમાણમાં પાણી ખેંચવાથી જમીનનાં પાણી ઊંડા ઊતરી જાય છે તેની અને નાઇટ્રોજન યુક્ત ખાતરના બેફામ વપરાશથી આ સમસ્યા વધુ ઉગ્ર બને છે એમ અહેવાલમાં જણાવ્યું છે.
અમેરિકામાં ડયૂક યુનિવર્સિટી ખાતે નિકોલસ સ્કૂલ અૉફ ધ એન્વાયર્નમેન્ટના ભૂરસાયણશાત્ર અને પાણીની ગુણવત્તાના પ્રોફેસર અવનેર વેન્ગોશની આગેવાની  હેઠળની રિસર્ચ ટીમ દ્વારા આ અભ્યાસ હાથ ધરાયો હતો.
સેન્ટ્રલ ગ્રાઉન્ડ વૉટર બોર્ડ ધ રાજસ્થાન ગવર્મેન્ટ્સ ગ્રાઉન્ડ વૉટર ડિપાર્ટમેન્ટ અને ગુજરાત વોટર રિસોર્સિસ ડેવલપમેન્ટ કૉર્પોરેશનની ટીમના નિષ્ણાતો પણ અભ્યાસમાં સહભાગી હતાં તેમણે રાજસ્થાનનાં 226 તથા ગુજરાતનાં 98 સ્થળોએથી ભૂગર્ભ જળના નમૂનાઓનું પરીક્ષણ કર્યું હતું.
રાજસ્થાનમાં પરીક્ષણ કરાયેલાં લગભગ ત્રીજા ભાગના કૂવાઓનાં પાણીમાં યુરેનિયમનું પ્રમાણ પીવાલાયક પાણી માટેના વર્લ્ડ હેલ્થ અૉર્ગેનાઇઝેશનનાં ધોરણ કરતાં વધારે જણાયું હતું એમ વેન્ગોશે કહ્યું હતું.
વિશ્વ આરોગ્ય સંસ્થાના મતે સુરક્ષિત પીવાલાયક પાણીમાં યુરેનિયમનું પ્રમાણ એક અબજ ભાગમાં ત્રીસ ભાગ કરતાં વધારે હોવું જોઈએ નહીં. ગુજરાત રાજસ્થાનમાં અને અન્ય 14 રાજ્યોમાં અગાઉ હાથ ધરાયેલા 68 અભ્યાસોની માહિતીનું પૃથકકરણ કરતાં ઉત્તરમાં પંજાબ અને હરિયાણા તેમજ દક્ષિણ અને પૂર્વનાં રાજ્યોના કેટલાક જિલ્લાઓનાં 26 જેટલાં જળાશયોમાં પણ આ સમસ્યા વ્યાપક હોવાનું જણાયું હતું.
આ અભ્યાસમાંથી સમજવા જેવું એ છે કે માનવ પ્રવૃત્તિઓ ખરાબ સ્થિતિને વકરાવે છે એમ વેનગોશે જણાવ્યું હતું.
આ અભ્યાસનું પરિણામ મક્કમપણે એવું સૂચવે છે કે દેશમાં પાણીની ગુણવત્તાની દેખરેખમાં સુધારો કરવાની અને યુરેનિયમનો ઊંચો વ્યાપ ધરાવતાંવિસ્તારમાં માનવીના સ્વાસ્થ્ય સામેનાં જોખમોનું પુન: મૂલ્યાંકન કરવાની જરૂર છે એમ વેનગોશનું કહેવું છે.
વેનગોશ લેબોરેટરીના પીએચડીના વિદ્યાર્થી રાશેલ કોકટેના જણાવવા મુજબ સિંચાઈ માટે ભૂગર્ભ જળનું વધુપડતું શોષણ કરવાથી સમસ્યા સર્જાઈ શકે છે, જ્યારે આ જળાશયોમાંથી વધુ પડતું પાણી ખેંચાય અને પાણીનું સ્તર ઘટે ત્યારે ઓક્સિડેશનની સ્થિતિ સર્જાય છે, પરિણામે બાકી રહેલાં છીછરાં ભૂગર્ભ જળમાં યુરેનિયમનું સંવર્ધન ઝડપી બને છે એમ કોપ્ટેએ જણાવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer