સિન્થેટિક હીરાના ઝવેરાતને લીધે હીરાઉદ્યોગ ચિંતિત

સિન્થેટિક હીરાના ઝવેરાતને લીધે હીરાઉદ્યોગ ચિંતિત

મુંબઈ, તા. 15 જૂન
વિશ્વની સૌથી મોટી હીરા ઉત્પાદક કંપની ડી બિયર્સે સિન્થેટિક હીરાના ઝવેરાતની વેચાણની જાહેરાત કરતા હીરાના વેપારીઓની ચિંતા વધી ગઈ છે. તેમનું કહેવું છે કે આની પ્રતિકૂળ અસર હીરાઉદ્યોગ ઉપર થશે. તેમને ચિંતા છે કે 20મી સદીની શરૂઆતમાં કલ્ચર્ડ મોતીની શોધ થયા બાદ મોતી ઉદ્યોગ ઉપર જે રીતની પ્રતિકૂળ અસર પડી એવી જ રીતે લેબમાં બનતા આ સસ્તા હીરાથી ડાયમંડ ઉદ્યોગ ઉપર પણ માઠી અસર પડશે.  
લેબમાં હીરા બનાવવાની ટેકનૉલૉજી પ0 વર્ષ જૂની છે. હીરાનો ઉપયોગ એન્જિનિયરિંગ ઉદ્યોગમાં તેમ જ કાપવા માટેનું સાધન, લેન્સિસ તેમ જ અંતરિક્ષ ક્ષેત્રમાં થાય છે. પરંતુ ડી બિયર્સે દુર્લભ અને `અલૌકિક' હીરો બનાવ્યો છે, જેનો ઉપયોગ લાઈટબોક્સ નામની બ્રાન્ડમાં થશે. લાઈટબોક્સ હીરાના ઝવેરાત આ વર્ષના સપ્ટેમ્બરથી વેચશે. 
બુધવારે કંપનીએ મુંબઈમાં હીરાના વેપારીઓ સાથે મિટિંગ યોજી હતી અને આશ્વાસન આપ્યું હતું કે લાઈટબોક્સનો બિઝનેસ ડી બિયર્સના એકંદર બિઝનેસમાં આંશિક ભાગ જ ધરાવશે. હીરાનું વેચાણ ઝવેરાતમાં જ થશે, છૂટક વેચવામાં આવશે નહીં. 
જોકે, હીરાના વેપારીઓ ડી બિયર્સના આશ્વાસનથી સંતુષ્ટ નથી. ડાયમંડ ટ્રેડર્સ ઍસોસિયેશનના પ્રેસિડેન્ટ મહેન્દ્ર ગાંધીએ કહ્યું કે, અગાઉ ડી બિયર્સનું કહેવું હતું કે તેઓ ક્યારે પણ સિન્થેટિક હીરાના વેપારમાં પ્રવેશ કરશે નહીં. હવે તેઓ આ વેપારમાં સામેલ થયા છે આથી તેમના ઉપર વિશ્વાસ મૂકી શકાય નહીં. 
હાલમાં કુદરતી હીરા અને સિન્થેટિક હીરા વચ્ચેનો ફરક 40 ટકાનો છે. ગાંધીએ ઉમેર્યું કે, અમને ભય છે કે સિન્થેટિક હીરાના વધુ વપરાશથી કુદરતી હીરાનો ભાવ ઘટશે, પરિણામે અમારા માર્જિન ઉપર પ્રતિકૂળ અસર પડશે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer