એશિયાના સૌપ્રથમ આર્થિક ક્ષેત્રની સાડા પાંચ દાયકા પછીની અનેક પીડા

એશિયાના સૌપ્રથમ આર્થિક ક્ષેત્રની સાડા પાંચ દાયકા પછીની અનેક પીડા

કંડલા સેઝના ઉદ્યોગો મરવાના વાંકે જીવે છે
 
ઉદય અંતાણી
ગાંધીધામ, તા. 15 જૂન
ગાંધીધામ - કંડલા માર્ગ પર વિશાળ ફલકમાં પથરાયેલા અને સાડા પાંચ દાયકાની સફર પૂરી કરનારા કંડલા સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં પ્રસ્થાપિત ઉદ્યોગો હવે મરવાના વાંકે જીવી રહ્યા હોવાની પરિસ્થિતિ સર્જાઇ છે. પ્રશાસનની વ્યાપારીકરણની નીતિ, ધરખમ કરવેરા માળખું, મળવાપાત્ર લાભો ન મળવા, પાણી સહિતની માળખાકીય સુવિધાનો અભાવ સહિતના પ્રશ્ને ઉદ્યોગકારો મુશ્કેલીમાં છે.
કંડલા સેઝમાં સ્થાપિત સેંકડો ઉદ્યોગોમાં નોંધપાત્ર મહિલા કર્મચારી સહિત હજારો લોકો રોજગારી મેળવી રહ્યા છે. ઝોનના  નિકાસના આંકડામાં પણ સાડા પાંચ દાયકાના ગાળામાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે પરંતુ સમગ્ર દેશના સેઝના નિકાસના આંકડામાં ટોપટેનમાં સમાવિષ્ટ નથી. 
ભારતને વિદેશી હૂંડિયામણની કમાણી થાય તેવા મુખ્ય હેતુથી વર્ષ 1965માં તત્કાલીન વડા પ્રધાન લાલબહાદુર શાત્રી દ્વારા કંડલા ફ્રી ટ્રેડ ઝોનની સ્થાપના કરવામાં આવી હતી. ભાગલા બાદ કરાચી બંદરની અવેજીમાં ઊભા કરાયેલા દીનદયાલ પોર્ટ અગાઉના કેપીટીને વિકસાવવા તેમ જ સ્થાનિકોને રોજગારી આપવાનો હેતુ પણ મુક્ત વ્યાપાર ક્ષેત્ર સ્થાપના પાછળનો હતો.
એસ.ઈ.ઝેડ.ની સ્કીમમાં કોઈ મિનિમમ વેલ્યુએડિશન કમાવી  આપવાનું ન હતું. માત્ર પાંચ વર્ષના ગાળા માટે આપવામાં આવેલા લાઈસન્સમાં નેટ ફોરેન એકસચેન્જ અર્નિંગ પોઝિટિવ હોવી જોઈએ તેટલું જ જરૂરી છે. આ નવી યોજનાથી મંદગતિએ પડેલા ઉદ્યોગોને નવું જીવતદાન  મળ્યું અને સેઝની પ્રગતિ થઈ, તેમ છતાં હાલની પ્રવર્તમાન પરિસ્થિતિ  મુજબ અમુક જટિલ પ્રશ્નોના કારણે ધારણા મુજબની સફળતા સેઝની થઈ શકી નથી. સેઝના વિકાસમાં  અવરોધરૂપ પરિબળોમાં  ભાડાપટ્ટામાં અનેકગણો વધારો, મોંઘુ પાણી, લોન માટે પ્રશાસનની એનઓસી પર પ્રતિબંધ સહિતની બાબતો કારણભૂત છ
ઝોનમાં 1965માં 50 પૈસા પ્રતિ સ્કવેર મીટર વાર્ષિક ભાડાંમાં 30 વર્ષના ભાડાપટ્ટા પર સેડ અપાતા હતા. તે હવે છેલ્લાં દાયકામાં 225 રૂપિયા પર સ્કવેર મીટર પહોંચી ગયા છે. 16 રૂપિયા પર સ્કવેર મીટરના હિસાબે વાર્ષિક ધોરણે વધારાનો વપરાશ કર ઝીંકવામાં આવ્યો છે.
પ્રશાસન તરફથી મોંઘાભાવે અપાતું પાણી પણ ઉદ્યોગકારો માટે માથાનો દુ:ખાવો છે. ઝોન પ્રશાસન દ્વારા ઉદ્યોગગૃહોને 55 રૂપિયા પ્રતિ કિલો લિટર પાણી આપવામાં આવે છે. જોકે, પાણી પુરવઠા બોર્ડ પાસેથી ઓછી કિંમતે પ્રશાસન પાણી મેળવતું હોવાનો આક્ષેપ ઉદ્યોગકારો કરી રહ્યા છે. 55 રૂપિયા પ્રતિ કિલો લિટર પાણી જોઈએ તેટલી માત્રામાં મળતું નથી. પરિણામે ઉદ્યોગકારોને પ્રાઈવેટ ટેન્કરોનો સહારો લેવો પડે છે. જે મોંઘું તો છે જ પણ ઉદ્યોગોના વપરાશ માટે  પણ અયોગ્ય હોવાનું જાણકારો જણાવી રહ્યા છે. સેઝના ઉદ્યોગકારોને પ્રથમ 10 વર્ષમાં થનારા નફાને આવકવેરામાંથી મુક્તિ આપવામાં આવશે, તેવી જાહેરાત કરાઈ હતી, પરંતુ સરકારો 18 ટકા મિનિમમ અલટરનેટ ટૅકસ લાગુ પાડી દીધો જેથી ઉદ્યોગકારો છેતરાયાની  લાગણી અનુભવી રહ્યા છે. 
સેઝના ઉદ્યોગો સ્થાપવા વિવિધ બૅન્કોમાંની લોન મેળવવા માટે સ્થાનિક પ્રશાસન દ્વારા એનઓસી અપાતી હતી. પરંતુ એક બે ઉદ્યોગગૃહો બૅન્કમાં લોન ચુકવવામાં નિષ્ફળ જતાં તેમના એકાઉન્ટ એનપીએ થયા હતા. આ બાબતે સ્થાનિક પ્રશાસન દ્વારા 20 સપ્ટેમ્બર 2017ની બૅન્ક લોન માટે એનઓસી આપવાનું બંધ કરી દીધું છે. આ કારણોથી સેઝના બીજા તબક્કામાં પણ નવા ઉદ્યોગો આવી શકતા નથી અને જે કાર્યરત ઉદ્યોગો છે તેઓ ઉદ્યોગનું વિસ્તૃતિકરણ પણ કરી શકતા નથી.
સેઝમાં 210માંથી 60 યુનિટો મૃત:પ્રાય સ્થિતિમાં
100 એકર જેટલા ફલકમાં  વિસ્તરેલા ઝોનમાં 210 યુનિટ સ્થાપાયા છે. જે પૈકી 60 જેટલા યુનિટો મૃત હાલતમાં છે. બાકીના બીજા તબક્કા સહિતના 150 જેટલા એકમો આ બધા પ્રશ્નોના કારણે મરવાના વાંકે જીવી રહ્યા છે. હાલ ઝોનમાં 25 હજાર જેટલા કામદારો રોજગારી મેળવી રહ્યા છે. જેમાં 36 ટકા મહિલા કામદારો છે.  ઝોનમાં  કાર્યરત એકમોમાં 80 ટકા એકમો પ્લાસ્ટિક અને  યૂઝ ગારમેન્ટના રિસાઈલિંગ યુનિટ જ છે, બાકી ગારમેન્ટ, વેરહાઉસ, ફાર્માસ્યુટિકલ્સ એકમો જ કાર્યરત છે. કેમિકલ એન્જિનિયરિંગ ઉત્પાદિત વસ્તુઓ,  કોસ્મેટિક ફાર્માસ્યુટિકલ વસ્તુઓ, ફૂડ, ખેતી ઉત્પાદિત વસ્તુ, તૈયાર કપડાં, લાઈટ એન્જિનિયરિંગ ગુડસ, અનેક પ્લાસ્ટિકની વસ્તુઓ એકસપોર્ટ થાય છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer