વિશ્વની અડધી સંપત્તિ પર મુઠ્ઠીભર ધનકુબેરોની માલિકી

વિશ્વની અડધી સંપત્તિ પર મુઠ્ઠીભર ધનકુબેરોની માલિકી

વૉશિંગ્ટન, તા. 15 જૂન
ધનવાનો વધુ ધનવાન બની રહ્યા છે અને તે પણ વધારે ઝડપથી. વિશ્વની વ્યક્તિગત માલિકી હેઠળની સંપત્તિ ગયે વર્ષે 201.9 લાખ કરોડ ડૉલર થઈ હતી, જે 2016 કરતાં 12 ટકા વધુ  છે અને છેલ્લાં પાંચ વર્ષમાં સૌથી ઝડપી વધારો દર્શાવે છે, એમ બોસ્ટન કન્સલ્ટન્સી ગ્રુપનો અહેવાલ જણાવે છે. શૅરબજારમાં તેજી આવતાં વ્યક્તિગત સંપત્તિમાં વધારો થયો હતો અને અમેરિકા બહારના રોકાણકારોને ડૉલરની નબળાઇનો લાભ મળ્યો હતો.
વિશ્વની કુલ વ્યક્તિગત સંપત્તિમાં મુઠ્ઠીભર ધનકુબેરો (દસ લાખ ડૉલરથી વધુ સંપત્તિ ધરાવનારાઓ)નો હિસ્સો 2016ના 45 ટકાથી વધીને 2017માં પચાસ ટકા જેટલો થઈ ગયો છે. ઉત્તર અમેરિકામાં કુલ વ્યક્તિગત સંપત્તિ 86.1 લાખ કરોડ ડૉલર છે, જેમાંથી 42 ટકા રોકાણપાત્ર અસ્કયામતો 50 લાખ ડૉલરથી મોટા આસામીઓ પાસે છે. રોકાણપાત્ર અસ્કયામતોમાં ઇક્વિટી શૅરો, ઇન્વેસ્ટમેન્ટ ફંડ્ઝ, રોકડ અને બોન્ડ્ઝનો સમાવેશ થાય છે.
`વ્યક્તિગત સંપત્તિમાં ધનકુબેરોનો હિસ્સો વધતો જાય છે એનો અર્થ એવો નથી કે ગરીબો વધુ ગરીબ બની રહ્યા છે. તેનો અર્થ એ કે પ્રત્યેક વ્યક્તિ સમૃદ્ધ બની રહી છે. પરંતુ ચોકસાઇથી કહીએ તો ધનવાનો વધુ ઝડપથી નવી સંપત્તિ પ્રાપ્ત કરી રહ્યા છે,' એમ અહેવાલનાં મુખ્ય લેખિકા અન્ના ઝકરઝેવ્સ્કીએ કહ્યું હતું.
વ્યક્તિગત સંપત્તિમાં છેલ્લાં પાંચ વરસથી જપાનને પાછળ રાખીને ચીન બીજા ક્રમે પહોંચી ગયું છે. વાસ્તવમાં લાખોપતિઓ અને અબજોપતિઓની સંખ્યામાં ચીન હવે માત્ર અમેરિકાથી જ પાછળ છે. ચીનમાં 2.5 લાખથી 10 લાખ ડૉલરની સંપત્તિ ધરાવનારા લોકોની વ્યક્તિગત સંપત્તિમાં સૌથી ઝડપી વધારો નોંધાયો હતો.
ચીનની સંપત્તિ આ જ રીતે વધતી રહેશે અને આવતાં વર્ષમાં અમેરિકા કરતાં ચીનમાં વધુ સંપત્તિ પેદા થશે, એમ ઝકરઝેવ્સ્કીએ જણાવ્યું હતું.
જો ડૉલર નબળો જ પડયો હોત તો દુનિયાની વ્યક્તિગત સંપત્તિમાં 12 ટકાને બદલે 7 ટકાનો વધારો થયો હોત. અમેરિકન ડૉલરનું મૂલ્ય ઘટવાથી સૌથી વધુ લાભ પશ્ચિમ યુરોપને થયો હતો. ડૉલરનું અવમૂલ્યન બાજુએ રાખીએ તો પશ્ચિમ યુરોપની વ્યક્તિગત સંપત્તિમાં 3 ટકાનો ઘટાડો થયો છે.
સંપત્તિનું સૌથી વધુ કેન્દ્રીકરણ પૂર્વ યુરોપ અને મધ્ય એશિયામાં જોવા મળે છે, જ્યાં કુલ રોકાણપાત્ર અસ્કયામતોનો 25 ટકા હિસ્સો અબજોપતિઓ પાસે છે. પૂર્વ યુરોપના 28 અબજોપતિઓ કુલ 294 અબજ ડૉલરની સંપત્તિ ધરાવે છે, જેમાં 2018માં અત્યાર સુધીમાં 3.4 અબજ ડૉલરનો વધારો થયો છે. હૉંગકૉંગમાં પણ સંપત્તિની તીવ્ર અસમાનતા પ્રવર્તે છે. ત્યાં બે કરોડ ડૉલરથી મોટા આસામીઓ 47 ટકા રોકાણપાત્ર સંપત્તિના માલિક છે.
2017માં ઇન્વેસ્ટમેન્ટ ફંડ્ઝ અને ઇક્વિટી શૅરોના મૂલ્યમાં સૌથી મોટો વધારો નોંધાયો હતો, જ્યારે બોન્ડ્ઝના મૂલ્યમાં સાત ટકાનો ઘટાડો થયો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer