સુરતના 13 અગ્રણીઓને બિટકોઈન મામલે આવકવેરાની નોટિસ

સુરતના 13 અગ્રણીઓને બિટકોઈન મામલે આવકવેરાની નોટિસ

નોટબંધીના સમયે રોકાણ થયું હતું
 
ભાર્ગવ પરીખ
અમદાવાદ, તા. 15 જૂન
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી શરૂ થયેલો બિટકોઈનનો મામલો હવે રાજકીય રંગ પકડશે. ભાજપ રાજસ્થાન અને મધ્યપ્રદેશની ચૂંટણી કાળાં નાણાંના કારોબાર માટે નરેન્દ્ર મોદીનું ગુજરાત સેફ અને મૉડેલ સ્ટેટ છે તેવો પ્રચાર કરવાની રણનીતિ કૉંગ્રેસ બનાવી રહી છે.  નોટબંધીના સમયે સુરતમાંથી મોટા પાયે બિટકોઇનમાં રોકાણ થયું હતું અને કાળું નાણું ડિજિટાઇઝ થઇ ગયું એવી દલીલ કરીને ફરીથી નોટબંધીનો મુદ્દો ગજવશે. 
ગુજરાતના ભૂતપૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાનું નામ બિટકોઈનની ગેરકાયદે હેરાફેરીમાં બહાર આવતાં ઈન્ક્મ ટૅક્સ વિભાગે તપાસ શરૂ કરી છે. ઈન્ક્મ ટૅક્સના અધિકારીઓને બિટકોઈનમાં સુરતના વિવિધ વ્યવસાયના 13 અગ્રણીઓએ કાળાં નાણાં રોક્યાં હોવાની માહિતી મળતાં એમને નોટિસો આપીને આ પૈસા ક્યાંથી અને કેવી રીતે આવ્યાં એનો ખુલાસો માગ્યો છે. ઈન્ક્મ ટૅક્સની નોટિસના પગલે સીબીઆઈ ટીમ સુરત બિટકોઈનમાં પૈસા રોકનારાની વિગતો એકઠી કરી રહી છે.
સીબીઆઈ તપાસ શરૂ કરતા કૉંગ્રેસે રાજકીય રંગ આપવાનું નક્કી કર્યું છે. કૉંગ્રેસ હાઇકમાન્ડે ગુજરાત કૉંગ્રેસના નેતાઓને જવાબદારી સોંપી છે કે જેમને ઈન્ક્મ ટૅક્સની નોટિસ મળી છે તેમાંના કેટલાકનો ભાજપ સાથે સીધો કે આડકતરો સંબંધ છે એની તપાસ કરવી.
ઈન્ક્મ ટૅક્સની આ નોટિસમાં મોટા ભાગના લોકો સૌરાષ્ટ્રના પટેલ હોવાનું બહાર આવ્યું છે, જેમાં કેટલાક લોકોએ મહિલાઓના નામે બિટકોઈનમાં રોકાણ કર્યું હોવાનું દેખાયું છે. કૉંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ આ પ્રતિભાવ સાથેની વાતચીતમાં કહ્યું કે અમે આ ચૂંટણીમાં ભાજપના હથિયાર ભાજપ સામે જ વાપરીશું. અમે આ લોકોના ભાજપના નેતા સાથેના સંબંધો ચકાસી રહ્યા છીએ. એટલું જ નહિ જે મહિલાના નામે પૈસા રોકાયા છે એના સગાંના સંબંધો ભાજપના નેતા સાથે છે કે કેમ એની તપાસ કરી રહ્યા છીએ. પુરાવા મળતાંની સાથે જ અમે મધ્યપ્રદેશ અને રાજસ્થાનની ચૂંટણીમાં મોદીનું ગુજરાત કાળું નાણું રોકવા માટેનું મૉડેલ સ્ટેટ હોવાનો પ્રચાર કરીશું. કાળું નાણું રોકવાની વાત કરતા મોદીના કાર્યકર્તા કેવી રીતે કાળાં નાણાંનો વહીવટ કરે છે એની વાત કરીશું, કારણ કે મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં આ મુદ્દો અસરકારક સાબિત થશે, કારણ કે અહીં મોટો વેપારી વર્ગ છે.
અલબત્ત અમારા પ્રચારમાં સરકારની નિષ્ફળતા મહત્ત્વનો મુદ્દો તો હશે જ, પરંતુ સ્વચ્છ હોવાની વાત કરતા ભાજપના ખેલને પણ ઉઘાડો પાડીશું. આ મુદ્દાની કેવી અસર થશે એની ચકાસણી કરવા માટે પ્રયોગો  થઇ રહ્યા છે એટલું જ નહીં ગુજરાતમાં મૉડેલ સ્ટેટની કેટલી ખામીઓ છે તેનો સોશિયલ મીડિયા પર પ્રચાર કરવામાં આવશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer