ખાંડ બની કારખાનાઓ માટે મીઠી, ગ્રાહકો માટે કડવી

ખાંડ બની કારખાનાઓ માટે મીઠી, ગ્રાહકો માટે કડવી

ખાંડમાં 2013ની ક્વૉટા પદ્ધતિ ફરીથી અમલમાં
 
મણિલાલ ગાલા
મુંબઈ, તા. 15 જૂન
ચાલુ સિઝનમાં સાકરના બમ્પર ઉત્પાદનને કારણે સાકરના ભાવ તળિયે જતાં કેન્દ્રના અન્ન મંત્રાલયે ખાંડ મિલો માટે લઘુતમ ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂા. 2900ના બાંધ્યા હતા. એ સાથે ફરી માસિક સુગર સેલ્સ ક્વોટાની પદ્ધતિ શરૂ કરતાં છેલ્લા એક સપ્તાહમાં સાકરના ભાવમાં રૂા. પાંચથી સાત રૂપિયા પ્રતિ કિલો ઉછાળો આવતાં સરકાર વિમાસણમાં મુકાઈ છે.
ચાલુ સિઝનમાં સાકરનું ઉત્પાદન લગભગ 315 લાખ ટન થયું હતું અને કેરી ફોરવર્ડ સ્ટોક 40 લાખ ટન હતું. આમ સાકરનો કુલ ઉપલબ્ધ પુરવઠો 355 લાખ ટન હતો અને દેશની વાર્ષિક ખપત 250થી 255 લાખ ટન છે. એ જોતાં દેશમાં 100 લાખ ટન વધુ સાકર ઉપલબ્ધ છે. માગ કરતાં પુરવઠો વધી જતાં તાજેતરમાં સાકરના એક્સ મિલ ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂા. 2400થી 2500ના તળિયે આવી ગયા. આના કારણે ખેડૂતો સહિત આર્થિક સંકડાશ ભોગવી રહેલી સાકર મિલો વધુ મુશ્કેલીમાં મુકાઈ. આથી સરકારે મિલો અને ખેડૂતોની વહારે આવવા રૂા. 2900ની લઘુતમ ભાવબાંધણી કરી. બીજી તરફ સરકારનું લક્ષ્ય એ પણ હતું કે વપરાશકારોને છૂટકમાં સાકર મહત્તમ 40 રૂપિયે પ્રતિ કિલો મળવી જોઈએ. એનાથી ભાવ વધવા જોઈએ નહીં.
બીજી તરફ 2013માં નાબૂદ કરેલી સુગર રિલીઝ ક્વોટાની પદ્ધતિ ફરી અમલમાં લાવવાનો નિર્ણય કર્યો. દેશની બધી જ 528 સાકર મિલોને દર મહિને વેચાણના આંકડા રજૂ કરવા જણાવ્યું. ભૂતકાળમાં સાકરનાં વેચાણ પર નિયંત્રણ મૂકવા ક્વોટા રિલીઝની યંત્રણા અમલમાં હતી તે ફરી શરૂ કરાઈ. આ દ્વંદ્વમાં સાકરના ભાવ છેલ્લા સપ્તાહમાં પ્રતિ ક્વિન્ટલ રૂા. 600થી 700 વધી ગયા.
બૉમ્બે સુગર મર્ચન્ટ્સ ઍસોસિયેશનના પ્રમુખ અશોકકુમાર યુ. જૈન અને મંત્રી મુકેશ એચ. કુવાડિયાએ જણાવ્યું હતું કે આગામી તહેવારોની સિઝનમાં સાકરના બમ્પર પાકનો લાભ આમજનતાને મળે અને ભાવ વાજબી સપાટીએ જળવાઈ રહે એ માટે સરકારે વિશેષ ધ્યાન આપવું જોઈએ. ક્વોટા રિલીઝ યંત્રણા ફરી ભલે અમલમાં લવાઈ પરંતુ જરૂર પડયે સરકારે રિલીઝ ક્વોટા વધારી દેવો જોઈએ. જેથી સાકરના ભાવ રૂા. 40ને આંબી ન જાય.
હાલ નવી મુંબઈમાં સાકરના જથ્થાબંધ ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂા. 3152થી 3460ની આસપાસ છે. જે સપ્તાહ પહેલાં રૂા. 2700થી 2900ની રેન્જમાં હતા. સરકારે સાકર ઉદ્યોગ, ખેડૂતો, વેપારીઓ અને વપરાશકારો દરેકના હિતને ધ્યાનમાં લઈને આ રિલીઝ મેકેનિઝમનું યોગ્ય મોનિટરિંગ કરવું પડશે.
અશોક જૈને જણાવ્યું હતું કે આવતી સિઝનમાં પણ સાકરનું બમ્પર ઉત્પાદન થાય એવા પ્રાથમિક ચિહ્ન જણાય છે. આથી સરકારે સમયસર તેની નીતિ જાહેર કરવી પડશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer