ભટનાગર બંધુઓની કંપનીના કર્મચારીઓને પગારનાં ફાંફાં


અમારા પ્રતિનિધિ તરફથી
વડોદરા, તા.10 જુલાઈ
વડોદરાની ડાયમંડ પાવર ઈન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડના માલિકોએ 19 બૅન્કો સાથે કરેલી રૂા.2,654કરોડની છેતરપિંડી મુદ્દે સીબીઆઈના અધિકારીઓ દ્વારા વડોદરાની બૅન્ક અૉફ ઇન્ડિયાના એજીએમ વી.વી.અગ્નિહોત્રી અને નિવૃત્ત ડીજીએમ પી.કે.શ્રીવાસ્તવની ધરપકડ ગયા સપ્તાહે થઇ છે. હજુ આ કાંડમાં સંડોવાયેલા અન્ય બૅન્કોના ભ્રષ્ટ ડાયરેકટરો તેમ જ અધિકારીઓ પણ જેલમાં ધકેલાય તેવી પણ ચર્ચા છે. જોકે, આ ઘટના વચ્ચે ભટનાગરની કંપનીઓમાં કામ કરનારા કર્મચારીઓને ત્રણ મહિનાથી પગાર ન મળતા કફોડી સ્થિતિ છે.
કરોડોના બૅન્કલોન કૌભાંડો આચરનારા અમિત ભટનાગર અને સુમિત ભટનાગરની સાવલીના સમલયા ખાતેની ડાયમન્ડ પાવર કેબલ પ્રા.લિ. હાલ બંધ હાલતમાં છે. નાદારી નોંધાવી એ પછી ફરી વખત શરૂ કરેલી ડાયટ્રોન પાવર લિ.કંપની પણ બંધ છે. કર્મચારીઓને પગાર તો ઠીક પીએફ-ગ્રેજયુઈટી મેળવવામાં પણ તકલીફો પડી રહી છે. ઉપરાંત કેટલાક કર્મચારીઓને છૂટા કરી દેવાયા છે.
ડીપીઆઈએલનું ટર્ન ઓવર 2012માં 2,197.60 કરોડ હતું. જે 2011માં 1,267.60 કરોડ હતું. 2011માં ટર્નઓવર સામે ક્રેડિટ ફેસિલિટી 285 કરોડ મળે તે હતી. તેમ છતાં 480 કરોડની મેળવી હતી. 2011માં જે ટર્નઓવર બતાવ્યું હતું. તે હકીકતમાં ઓછું બતાવ્યું હતું. 2012માં ખોટું ટર્નઓવર બતાવીને 2011થી 2015 સુધી સીસી લિમિટનો દુરુપયોગ કરાયો હતો. 
વડોદરાની કેટલીક ખાનગી તેમ જ સરકારી બૅન્કોના ઉચ્ચ અધિકારીઓ અને ડાયરેકટરો પોતે માલામાલ થવા આરબીઆઈના આદેશને પણ ધોળીને પી ગયા હતા. આરબીઆઈની સ્પષ્ટ ચેતવણી હતી કે, ડિફોલ્ડરોને લોન આપવી નહીં તેમ છતાં અમિત ભટનાગરને ખોબલે ખોબલે રૂપિયા આપ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer