ભારે વરસાદથી અમદાવાદ-મુંબઈ રેલવે વ્યવહાર ખોરવાયો


અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.10 જુલાઈ
મુંબઈમાં છેલ્લા પાંચ દિવસથી  વરસતો વરસાદ આજે પણ યથાવત છે. ગઇકાલે રાતભર વરસેલા વરસાદે લોકોની મુશ્કેલી વધારી દીધી છે. નાલાસોપારા અને પાલઘર વચ્ચે પાણી ભરાયેલા હોવાથી રેલ ટ્રેક પાણીમાં ડૂબી જતાં  અમદાવાદ અને મુંબઈ વચ્ચેની રેલ સેવા ખોરવાઇ ચૂકી છે. મુંબઇ જતી તમામ ટ્રેનોને આગામી સૂચના ન મળે ત્યાં સુધી ઉમરગામ પાસે રોકી દેવામાં આવી છે.
દરમિયાન વડોદરા એક્સ્પ્રેસ નાલાસોપારા અને વિરાર વચ્ચે ફસાતા ટ્રેનમાં અટવાયેલા મુસાફરોને બચાવવા માટે એનડીઆરએફ અને કોસ્ટગાર્ડ દ્વારા બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મુંબઈમાં વસતા ગુજરાતી અને સ્થાનિક લોકો મદદ માટે આગળ આવ્યા છે અને અંધેરીમાંથી ફૂડ પેકેટ મોકલવામાં આવ્યા હતા.
મુંબઈમાં પડેલા ભારે વરસાદને કારણે વલસાડમાં પણ સેકડો મુસાફરો અટવાયા હતા. મુંબઈથી આવતી મહત્તમ ટ્રેન રદ્દ કરાઇ છે તો મુંબઇ તરફ જતી ટ્રેનોને ઉમરગામ સુધી અલગ અલગ સ્ટેશનો પર અટકાવાઇ હતી. ગરીબ રથને પાચ કલાકથી વધુ સમય માટે રોકી રખાયો હતો. જ્યારે અગસ્ત ક્રાંતિને વલસાડ સ્ટેશન પર અટવાઇ હતી. આ સિવાય મુંબઈ-અમદાવાદ વચ્ચેના અન્ય ટ્રેનના શિડયુલ પણ ખોરવાઇ ગયા છે. 10થી 12 ટ્રેનોને અલગ અલગ રેલવે પ્લેટફોર્મ પર રોકી રખાઇ છે. ભારે વરસાદના કારણે કચ્છને મુંબઈથી જોડતો રેલવે વ્યવહાર પણ ખોરવાયો છે. કચ્છથી ઉપડેલી ચાર ટ્રેનો વરસાદને પગલે વચ્ચે વલસાડ પાસે અટવાતા પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા, જેમાં કચ્છ એક્સ્પ્રેસ, ભુજ દાદર એક્સ્પ્રેસ (વાયા પાલનપુર), ભુજ બાન્દ્રા એસી.સુપરફાસ્ટ એક્સ્પ્રેસ, સયાજી નગરી એક્સ્પ્રેસનો સમાવેશ થાય છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer