પેટ્રોલ-ડીઝલના ભાવવધારાના વિરોધમાં 20 જુલાઇની


ટ્રક હડતાળ સજ્જડ બનાવવા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સક્રિય
 
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, સુરત, તા. 10 જુલાઈ
પેટ્રોલ-ડિઝલના ભાવવધારા તેમ જ જીએસટી સહિતના મુદ્દે દેશભરના ટ્રાન્સપોર્ટર્સ 20મી જુલાઇથી અનિશ્ચિત હડતાળ ઉપર ઉતરવાના છે. હડતાળને સજ્જડ બનાવવા માટે  અૉલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કૉંગ્રેસ દ્વારા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ ઍસોસિયેશનના સેક્રેટરી હસુભાઇ ભગદેવ કહે છે, ગુજરાતમાં 30 હજાર કરતા વધારે ટ્રક ટ્રાન્સપોર્ટર્સ કે ટેન્કરની અૉફિસો અને માલ હેરફેર કરનારા ટ્રકોની ગતિ અટકી જવાની છે. હડતાળ સફળ રહે તે માટે દરેક ગામ, શહેર અને જિલ્લા કક્ષાએ બેઠકો યોજીને બંધ પાળવા માટે સમજાવવામાં આવી રહ્યા છે.
20મી જુલાઇએ અૉલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કૉંગ્રેસની દિલ્હી ખાતેની અૉફિસે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગના દેશભરમાંથી આવેલા પ્રતિનિધિઓ ઉદ્યોગની માગણી બુલંદ અવાજે કરશે. જો સરકાર ન માને તો એ જ દિવસથી અનિશ્ચિત મુદ્દતની હડતાળના મંડાણ થઇ જશે તેમ તેમણે ઉમેર્યું હતું. 
ટેકસટાઇલ ગુડ્ઝ ટ્રાન્સપોર્ટર્સ ઍસોસિયેશનના પ્રમુખ યુવરાજ દેશલેએ જણાવ્યું હતું કે, પેટ્રોલ-ડિઝલની સતત વધતી કિંમત, જીએસટીની તકલીફરૂપ જોગવાઇઓ, થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સમાં ઊંચા પ્રીમિયમ, ઇન્સ્યોરન્સ પ્રીમિયમમાં જીએસટી, ઇ-વે બિલની આકરી જોગવાઇ સહિતના મુદ્દાઓનાં કારણે હડતાળ પાડવામાં આવી રહી છે. અમે સરકાર પાસે તમામ મુદ્દે તાકીદે રાહત આપવાની માગ કરી રહ્યા છીએ. 
હડતાળનું બે મહિના પૂર્વે એલાન કરી દેવામાં આવ્યું છે. છતાં સરકારે અત્યાર સુધી આ મામલે કોઈ જ વાતચીત કરવાનું વલણ અપનાવ્યું નહી હોવાથી કેન્દ્રીય સ્તરે હડતાળ પાડવાનું નક્કી કરાયું છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer