કૉફીની નિકાસ 2018ના પ્રથમાર્ધમાં 12 ટકા વધી


બેંગલુરુ, તા. 10 જુલાઈ
કૉફીની નિકાસમાં 2018ના પ્રથમ 6 માસમાં જથ્થામાં 12 ટકાનો અને મૂલ્યમાં 7 ટકાનો વધારો થયો હતો. પુનર્વિકાસને કારણે એકંદર નિકાસને વેગ મળ્યો હતો. પુનર્વિકાસ 70 ટકા વધીને 48,005 ટન થઈ હતી, જ્યારે તાજી કૉફીની નિકાસ 2.21 ટકા વધીને 170,856 ટન થઈ હતી. ભારત કૉફીનાં બીની આયાત કરીને એની મૂલ્યવર્ધિત ઇન્સ્ટન્ટ કૉફી સ્વરૂપે પુનર્નિકાસ કરે છે.
જોકે ડૉલર સામે રૂપિયાના મૂલ્યમાં થયેલા આઠ ટકા જેવા નોંધપાત્ર ઘટાડાની નિકાસ પર ખાસ સાનુકૂળ અસર પડી નથી. ``કૉફીના આંતરરાષ્ટ્રીય ભાવમાં થયેલા ઘટાડાએ રૂપિયાના અવમૂલ્યનના લાભને અંશત: ધોઈ નાખ્યો હતો,'' એમ કૉફી એક્ષ્પોર્ટર્સ ઍસોસિયેશનના પ્રમુખ રમેશ રાજાએ જણાવ્યું હતું.
આંતરરાષ્ટ્રીય કૉફી બજારમાં 2014થી માલભરાવાને કારણે ભાવ નરમ રહ્યા છે. એને લઈને નિકાસકારોને મળતો ભાવ પણ નીચે આવી ગયો છે. આ વર્ષે જાન્યુઆરી-જૂન દરમિયાન કૉફીનું ટનદીઠ નિકાસમૂલ્ય રૂા. 1,61,208 હતું, જે ગયા વર્ષે એ જ સમયગાળામાં રૂા. 1,68,090 હતું. રાજાએ કહ્યું કે ગયા વર્ષની બાકી ખેંચાયેલી પુરાંતને લીધે પ્રથમાર્ધમાં કૉફીની નિકાસને બળ મળ્યું હતું. જોકે તેમણે ઉમેર્યું હતું કે વર્ષના ઉત્તરાર્ધમાં ખાસ કરીને અૉક્ટોબર-ડિસેમ્બરમાં આ તરાહ જળવાઈ રહેવા વિશે શંકા છે, કેમ કે 2018-'19ની મોસમમાં કૉફીનો પાક ઘટવાની ધારણા છે. કર્ણાટકના કૉફી ઉગાડતા મુખ્ય વિસ્તારો ચિકમગલૂર, કોડાગુ અને હસનમાં વધુપડતા વરસાદથી કૉફીના આગામી પાકને નુકસાન થવાનો સંભવ છે એમ રાજાએ કહ્યું હતું.
ભારતમાં કૉફીનું ઉત્પાદન 2015-'16માં 3.48 લાખ ટનની વિક્રમ સપાટીને આંબ્યા પછી પ્રતિકૂળ હવામાનને લીધે ઘટતું ગયું છે. 2017-'18માં એ 3.16 લાખ ટન હતું. ઇટાલી, જર્મની અને બેલ્જિયમ ભારતીય કૉફીના સૌથી મોટા ગ્રાહકો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer