અનાજનો પાક ગયા વર્ષથી મોટો ઊતરવાની ધારણા


નવી દિલ્હી, તા. 10 જુલાઈ
આ વર્ષે અનાજનો પાક ગયા વર્ષ કરતાં પણ વધુ ઊતરવાની સરકારને આશા છે. સાનુકૂળ ચોમાસું, ટેકાના ભાવમાં વધારો અને પાકની ઊપજમાં વધારો થવાની ધારણાને કારણે આ વર્ષે અનાજનું ઉત્પાદન ગયા વર્ષના 2795.1 લાખ ટનની વિક્રમ સપાટીને ઓળંગી જાય તેવી સંભાવના છે, એમ કૃષિ સચિવ શોભના પટનાયકે કહ્યું હતું.
તેમણે કહ્યું કે હવે વરસાદે દેશના તમામ વિસ્તારોને આવરી લીધા હોવાથી અત્યાર સુધી મંદ રહેલું વાવેતર વેગ પકડે તેવી શક્યતા છે. વળી મહત્ત્વના 14 ખરીફ પાકના ટેકાના ભાવમાં મોટો વધારો કરાયો હોવાથી ખેડૂતોને વધુ જમીન વાવેતર હેઠળ લાવવા માટે પ્રોત્સાહન મળશે. દેશના કેટલાક ભાગોમાં વરસાદની અછતને લીધે ચોખાનું વાવેતર ગયા વર્ષના મુકાબલે ઓછું થયું છે. ખરીફ પાકનું વાવેતર જૂન મહિનામાં નૈઋત્યના ચોમાસાના આગમનની સાથે શરૂ થાય છે અને લણણી અૉક્ટોબર પછી થાય છે.
વાવેતરનો ઘટાડો આગામી સપ્તાહોમાં સરભર થઈ જશે, એમ તેમણે કહ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer