કરદાતાઓની મુશ્કેલીઓ હળવી કરવા કવાયત શરૂ


આક્રમક માગ કરનાર વેરા અધિકારીઓનો ખુલાસો લેવામાં આવશે

એજન્સીસ
મુંબઇ, તા. 10 જુલાઇ 
 વર્ષ 2014માં ભાજપને સત્તા સ્થાને લાવવામાં જે મુદ્દાઓ મદદરૂપ થયા હતા તેમાં એક મુદ્દો હતો વેરાના આતંકનો અંત લાવવાનો અને હવે વર્ષ 2019ની સામાન્ય ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે આ મુદ્દો વિસારે પડે નહીં તેની કાળજી સરકાર લઇ રહી છે. 
નાણાં મંત્રાલયના નેજા હેઠળ આવતા સેન્ટ્રલ બોર્ડ અૉફ ડિરેક્ટ ટૅકસિસ (સીબીડીટી)ના વડાએ તમામ આઇટી કમિશનર્સને સૂચના આપી હતી કે બિન વ્યવહારુ વેરાની માગણી ધરાવતા અથવા ભારે વિવાદ ધરાવતા કેસિસનો ત્વરાથી નિવેડો લાવે અને તેમાં કરદાતાઓનાં હિતો જળવાય તેની ખાસ તકેદારી રાખવાનું જણાવવામાં આવ્યું હતું. 
વેરા વસૂલીના ઊંચા લક્ષ્યને ગમે તે રીતે પહોંચી વળવા માટે એસેસિંગ ઓફિસર્સ (એઓ) દ્વારા બિન વ્યવહારુ રીતે થતી ટૅક્સ વસૂલી, કુદરતી ન્યાયના ધોરણોથી વિપરીત થયેલી વસૂલી, બેદરકારી અને નિષ્કાળજીના કારણે કરવેરાની વસૂલી વગેરે કારણો હેઠળ કરદાતાઓને પરેશાની વેઠવી પડતી હોવાથી આ પ્રકારના કેસિસ ઉપર વિશેષ ધ્યાન આપી તેનો સત્વરે નિવેડો લાવવાની સૂચના આપવામાં આવી છે.   
આવા કેસમાં તેઓ દ્વારા શા માટે કડકાઇ દર્શાવવામાં આવી હતી તેનો જવાબ માગવામાં આવશે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer