ડૉલરની તેજી સાથે સોના-ચાંદી ફરી પટકાયાં


અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 10 જુલાઈ
સોના-ચાંદીમાં આવેલો ઉછાળો ક્ષણિક નીવડયો હતો. ચલણ બજારમાં ડૉલરનું મૂલ્ય ઊછળવાની સાથે ફરીથી બન્ને ધાતુઓ પટકાઇ હતી. ન્યૂ યોર્કમાં સોનાનો ભાવ 1249 ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ હતો. આ સાથે ફરીથી સોનું સાત મહિનાના તળિયે જવાની શક્યતા વધી ગઇ છે.
ડૉલરની તેજી ચાલુ રહે તો સોનું 1240 સુધી જશે તેવી આગાહી કોમર્સ બૅન્ક દ્વારા કરવામાં આવી હતી. છેલ્લે 11 એપ્રિલના દિવસે સોનામાં 1365 ડૉલરની ટોચ જોવા મળી ત્યાર પછી સતત મંદી ચાલી રહી છે.
ડૉલરના મૂલ્યમાં સોમવારે મંદી હતી પણ મંગળવારે વળતો ઉછાળો આવવાને લીધે સોનામાં ભારે વેચવાલી નીકળી હતી. સોમવારે 1265 થયા પછી સોનું 1250ની અંદર આજે ઘૂસી ગયું હતુ.
ચીન અને અમેરિકા વચ્ચે વેપાર યુદ્ધનો મામલો હજુ ગરમ છે પણ હવે કોઇ નવી બાબત ઊપસી આવે તો સોનામાં નવી લેવાલી વધશે. હાલ તો ગભરાટનો માહોલ ફરીથી સર્જાઇ ગયો છે.
બ્રિટન હવે યુરોપિયન યુનિયનમાંથી નીકળી જાય તેવો ભય છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે એવો આક્ષેપ કર્યો હતો કે ઉત્તર કોરિયા સાથે અમેરિકા ડિન્યૂક્લિઅરાઇઝીંગ કરાવવા ઇચ્છે છે તેના પ્રયાસો ચીન ખોરવવાના પ્રયાસ કરી રહ્યો છે. એ કારણ ઉપર સોમવારે સોનાને થોડી હૂંફ મળી હતી. જોકે હેજ ફંડો અને મની મેનેજરોએ આજે સોનું વેંચ્યું હતું. એસપીડીઆર ગોલ્ડ ફંડે સોમવારે મોટો જથ્થો વેંચી દીધો હતો. 
રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ શુદ્ધતા ધરાવતું સોનું 10 ગ્રામદીઠ રૂા. 70ના ઘટાડામાં રૂા. 31,380 હતું. મુંબઇમાં રૂા. 240ના ઘટાડે રૂા. 30,520 હતું. ચાંદી ન્યૂ યોર્કમાં 15.90 ડૉલર સુધી ગબડી પડી હતી.રાજકોટમાં એક કિલોએ રૂા. 350 તૂટી જતાં રૂા. 39,900 હતી. મુંબઇ ચાંદી રૂા. 555 તૂટતાં રૂા. 39,105 હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer