ભારત અને ચીનની સંયુક્ત માગણી : ધનિક દેશો કૃષિ સબસિડી ઘટાડે


નવી દિલ્હી, તા. 10 જુલાઈ
કૃષિ પેદાશો માટે ટેકાના ભાવ જાહેર કરવાની ભારતની રસમ વિશે સવાલ ઉઠાવનારા વિશ્વ વ્યાપાર સંસ્થાના અમેરિકા અને યુરોપીય સંઘ સહિતના સભ્ય દેશોની ટીકા કરીને ભારતે ધનિક દેશો દ્વારા અપાતી સબસિડીઓનો વિરોધ કરવા ચીન સાથે હાથ મિલાવ્યા છે. ખેતપેદાશો પર વિશ્વ વ્યાપાર સંસ્થાએ ઠરાવેલી મર્યાદા કરતાં વધુ સબસિડીઓ આપનારા ધનિક દેશો તે ક્રમશ : દૂર કરે તેવો પ્રસ્તાવ બંનેએ દેશો ઘડી કાઢયો છે.
વિશ્વ વ્યાપાર સંસ્થાને સુપરત કરેલા એક સંયુક્ત પ્રસ્તાવમાં ચીન અને ભારતે કહ્યું છે કે આંતરરાષ્ટ્રીય વેપારમાં પ્રવેશેલી વિકૃતિઓ અને વિશ્વવ્યાપાર સંસ્થાના કૃષિ સંબંધી કરારની અસમતુલા દૂર કરવા માટે ધનિક દેશોએ 2019થી જ કૃષિ સબસિડીઓ ઘટાડવાનું શરૂ કરવું જોઈએ.
વિકસિત દેશો વેપારને વિકૃત કરનારી સબસિડીઓ ઘટાડે ત્યાર પછી જ ખેતીને અપાતા સ્થાનિક પ્રોત્સાહન પર અંકુશ મૂકવા સંબંધી મંત્રણાઓ શરૂ થઈ શકે એમ પ્રસ્તાવમાં જણાવાયું છે.
અમેરિકાએ તાજેતરમાં યુરોપી સંઘ અને અૉસ્ટ્રેલિયા સાથે મળીને ભારત સામે ઘઉં અને ચોખાના ટેકાના ભાવ વિશે મોરચો માંડયો હતો. અમેરિકાનો આક્ષેપ છે કે ભારત આ સબસિડીઓ છે તેના કરતાં ઓછી બતાવે છે. ભારતે આ આક્ષેપ નકારી કાઢ્યો છે.
ભારત અને ચીને રજૂ કરેલો નવો પ્રસ્તાવ તેમણે ગયે વર્ષે રજૂ કરેલા પ્રસ્તાવનું અનુસંધાન છે. એ પ્રસ્તાવમાં તેમણે કહ્યું હતું કે વિકાસશીલ દેશો માટે કૃષિ સબસિડીની જે મર્યાદા નક્કી કરાઈ છે તેના કરતાં ક્યાંય સબસિડીઓ વિકસિત દેશો તેમના ખેડૂતોને આપે છે અને એ રીતે આંતરરાષ્ટ્રીય વેપારને વિકૃત બનાવે છે.
વિશ્વમાં અપાતી 160 અબજ ડૉલરની કૃષિ સબસિડીના 90 ટકા તો વિકસિત દેશોમાં અપાય છે, એમ તેમણે કહ્યું હતું.
ભારત અને ચીનના પ્રથમ પ્રસ્તાવમાં જણાવાયું હતું કે વિશ્વ વ્યાપાર સંસ્થાના નિયમોમાં મુઠ્ઠીભર દેશોને અપવાદરૂપ સવલતો આપવામાં આવી છે જેનો ઉપયોગ કરીને એ ધનવાન દેશો ઘણી ચીજો પર તેના ઉત્પાદિત મૂલ્યના 50થી 100 ટકા જેટલી સબસિડીઓ આપે છે. જ્યારે વિકાસશીલ દેશોને તેમની સબસિડી ઉત્પાદિત મૂલ્યના 10 ટકા સુધી સીમિત રાખવા અથવા શિક્ષા સહન કરવાનું જણાવાય છે.
નવા પ્રસ્તાવ અનુસાર વ્યક્તિગત ખેતપેદાશો પર વિશ્વ વ્યાપાર સંસ્થાના કરાર અનુસાર ઠરાવાયેલી ટોચમર્યાદા કરતા વધુ સબસિડી આપવા પર નિયંત્રણો મૂકવા અને આવી સબસિડીમાં કાપ મૂકવો તે ખેતપેદાશો માટે ન્યાયી અને બજારલક્ષી વેપાર વ્યવસ્થા રચવાનું પ્રથમ પગથિયું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer