વાવેતરની ખાધ હળવી થઇ છતાં સૌરાષ્ટ્રમાં વરસાદની તાતી જરૂર

વાવેતરની ખાધ હળવી થઇ છતાં સૌરાષ્ટ્રમાં વરસાદની તાતી જરૂર

સૌરાષ્ટ્ર-ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓ વરસાદથી વંચિત : વાવેતર 29 ટકા ઓછું

અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 10 જુલાઇ
સૌરાષ્ટ્રના સોરઠ-બરડા પંથક, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં છૂટોછવાયો પરંતુ વાવણીલાયક વરસાદ થઇ જતાં ખરીફ વાવણીમાં વેગ આવ્યો છે. ગયા અઠવાડિયે વાવણીની ખાધ 74 ટકા જેટલી હતી તે ઘટીને હવે 49 ટકા સુધીની રહી છે. બધા જ ચોમાસું પાકોના વાવણી વિસ્તારમાં વધારો નોંધાયો છે.
ગુજરાતના કૃષિ ખાતાએ 10 જુલાઇના જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે 23.67 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. પાછલા વર્ષના સમાન દિવસે 45.74 લાખ હેક્ટરમાં હતું. મગફળી અને કપાસ સહિતના પાકોનો વાવેતર વિસ્તાર વધી ગયો છે. અલબત્ત સૌરાષ્ટ્રના હજુ મોટા ભાગના જિલ્લાઓ કોરા ધાકોર  છે એટલે વાવણી અર્ધી જ થઇ છે. સૌરાષ્ટ્રભરમાં આગામી બે દિવસ સુધી ભારે વરસાદની આગાહી થઇ છે. આગાહી સાચી ઠરે તો વાવણીનું ચિત્ર તત્કાલ પલટાઇ જવાની શક્યતા છે.
સૌરાષ્ટ્રના મગફળી અને કપાસના ખેડૂતો ભારે ચિંતામાં છે. કારણકે હવે વાવેતર કરવું કે કેમ અને કદાચ વાવણી કર્યા પછી ફરી વરસાદ ખેંચાઇ જશે તો શું થશે તેવી અસમંજસ સર્જાઇ ચૂકી છે. કપાસ અને મગફળી બન્ને પાકો માટે ઘણું મોડું થઇ ગયું છે. હવે ચૂક થાય તો સિઝન ગુમાવવી પડે તેમ છે.
કપાસની વાવણી ગુજરાતમાં ગયા વર્ષે 26 લાખ હેક્ટરમાં હતી. આ વખતે વિસ્તાર જળવાશે કે કેમ તે કહેવું હવે કઠિન થઇ ગયું છે. મગફળીનું વાવેતર પણ 15.12 લાખ હેક્ટર સામે ફક્ત 5.17 લાખ હેક્ટર છે. તલમાં ભારે તેજી છતાં ખેડૂતો વાવેતર કરી શકતા નથી. બીજા પાકોનું વાવેતર પણ ઓછું છે. હવે સૌરાષ્ટ્રમાં વરસાદની તાતી આવશ્યકતા છે.
ગુજરાતમાં માત્ર 17.68 ટકા જ વરસાદ 
 છેલ્લા ત્રણ દિવસથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારોમાં પડી રહેલા વરસાદે ખેડૂતોની સારા ચોમાસાની આશા જીવંત રાખી છે. છતાં જુલાઇ મહિનો અર્ધો પૂરો થવા આવ્યો છે. સાર્વત્રિક ભારે વરસાદ પડયો નથી. રાજ્યમાં હજુ માત્ર સિઝનનો 17.68 ટકા જ વરસાદ થયો છે. કેટલાય તાલુકાઓ કોરા છે. હજુ 6 તાલુકાઓમાં તો છાંટોય વરસાદ પડયો નથી. 
ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના વરસાદના આંકડાઓ મુજબ રાજ્યના વિવિધ વિસ્તારોમાં દક્ષિણ ગુજરાતમાં 29.44 ટકા, સૌરાષ્ટ્રમાં 10 ટકા, મધ્ય ગુજરાતમાં 8 ટકા, ઉત્તર ગુજરાતમાં 11.41 ટકા અને કચ્છમાં સિઝનનો માત્ર 1.25 ટકા વરસાદ પડયો છે. 
છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 17 જિલ્લાના 81 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ગીર-સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં હજુ છ તાલુકાઓમાં છાંટોય વરસાદ પડયો નથી.
ગુજરાત પાસે વરસાદી સિસ્ટમ મજબૂત 
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ગુજરાતની આસપાસ વરસાદી સિસ્ટમ ખૂબ જ મજબૂત બની છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે આગામી બે દિવસમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદ પડશે.
વાવેતરની સ્થિતિ
પાક               2017           2017
ડાંગર             1.26            0.82
બાજરી           0.84            0.33
જુવાર            0.17            0.15
મકાઇ             2.11            1.69
તુવેર             1.49            0.89
મગ               0.32            0.05
અડદ             0.45            0.18
મગફળી        12.87           5.17
તલ               0.39            0.09
સોયાબીન       0.88            0.59
કપાસ            19.90          11.44
(વાવેતર લાખ હેક્ટર)

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer