વૈશ્વિક માગના ટેકે ઍલ્યુમિનિયમની નિકાસમાં 36 ટકાનો ઉછાળો

વૈશ્વિક માગના ટેકે ઍલ્યુમિનિયમની નિકાસમાં 36 ટકાનો ઉછાળો

ભુવનેશ્વર, તા. 10 જુલાઈ
આંતરરાષ્ટ્રીય બજારમાં એલ્યુમિનિયમની માગ, પુરવઠા કરતાં વધી જવાથી, ભારતની એલ્યુમિનિયમની નિકાસને લાભ થયો છે અને તેમાં 36 ટકાનો પ્રભાવશાળી વધારો નોંધાયો છે.
લંડન મેટલ એક્સચેન્જ (એલએમઈ) પર એલ્યુમિનિયમના ભાવમાં 21 ટકાનો ઉછાળો, એલ્યુમિનિયમના મોટા ઉત્પાદક યુસી રુસાલ પર અમેરિકાનાં નિયંત્રણો અને ઘરઆંગણેની સ્થાનિક બજારમાં માલ ભરાવાથી નિકાસને વેગ મળ્યો હતો. વર્તમાન નાણાકીય વર્ષ 2018-19માં પણ નિકાસની ગતિ જળવાઈ રહેવાની અપેક્ષા છે.
એલ્યુમિનિયમની નિકાસ 2016-17માં 12.2 લાખ ટનની હતી તે વધીને 2017-18માં 16.6 લાખ ટનની થઈ હતી.
તુલનાત્મક દૃષ્ટિએ જોઈએ તો એલ્યુમિનિયમની આયાત 14.7 ટકા ઘટીને 3,60,000 ટન થઈ હતી.
ભારતીય એલ્યુમિનિયમની સૌથી વધુ નિકાસ દક્ષિણ કોરિયા (31 ટકા), ત્યાર પછી મલયેશિયા (30 ટકા) અને પછી અમેરિકા (11 ટકા) ખાતે થાય છે.
આ ઉદ્યોગના વિશ્લેષકનું જણાવવું છે કે આ વર્ષે પણ એલ્યુમિનિયમની નિકાસ વધવા તરફી જ રહેશે. ભારતીય એલ્યુમિનિયમના ઉત્પાદકો એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમની નિકાસ માટે અમેરિકા ઉપરાંત અન્ય બજારો તરફ મીટ માંડી શકે છે. પ્રવર્તમાન ભૂરાજકીય સ્થિતિને લીધે એલ્યુમિનિયમની વૈશ્વિક બજારોને પુરવઠાની અછતનો સામનો કરવો પડી શકે છે જ્યાં ચીન પછી ધાતુના અગ્રણી ઉત્પાદક રશિયાની યુસી રુસાલ પરના પ્રતિબંધો જળવાઈ રહી શકે છે, એમ તેમણે જણાવ્યું હતું.
દેશમાં એલ્યુમિનિયમનું પ્રાથમિક ઉત્પાદન ગયા વર્ષે વાર્ષિક ધોરણે 21 ટકાના દરે રહ્યું છે. જે 2016-17માં 15.5 ટકાના દરે રહ્યું હતું. દેશમાં 2017-18માં પ્રાથમિક એલ્યુમિનિયમનું ઉત્પાદન 33.9 લાખ ટન હતું જ્યારે વપરાશ 20.8 લાખ ટનનો નોંધાયો હતો. કેર રેટિંગ એજન્સીના અહેવાલ મુજબ આ વર્ષે ભારતમાં એલ્યુમિનિયમનું ઉત્પાદન 34.2 લાખ ટનના સ્તરે જળવાઈ રહેશે.
એલએમઈ પર ભાવમાં અપવાદ રૂપ ભાવ વધારાથી એલ્યુમિનિયમના પ્રાથમિક ઉત્પાદકો ઉત્સાહિત થયા હતા. અમેરિકાની સરકારે યુએસ રુસેલ પર પ્રતિબંધો મૂક્યાં બાદ તરત જ એપ્રિલમાં એલએમઈ ભાવ સાત વર્ષની ટોચે ર્સ્પશ્યા હતાં. એલએમઈ પર એલ્યુમિનિયમના ભાવ 2017-18માં 21 ટકા વધીને ટન દીઠ 2045 ડૉલર થયા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer