પર્યાવરણ માટે પ્લાસ્ટિકબંધી એ ઉપાય નથી, રિસાઈકલિંગ પદ્ધતિ સુદૃઢ બનાવો : વેપારીઓ

પર્યાવરણ માટે પ્લાસ્ટિકબંધી એ ઉપાય નથી, રિસાઈકલિંગ પદ્ધતિ સુદૃઢ બનાવો : વેપારીઓ

20 ગ્રામ પ્લાસ્ટિક કૅરી બૅગને પ્રતિબંધમાંથી છૂટ આપવાની પીબીએમએઆઈની માગણી

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 10 જુલાઈ
સરકારે કરેલી પ્લાસ્ટિકબંધી બાદ વેપારી વર્ગમાં રોષની લાગણી ફેલાઈ હતી. વેપારીઓને રાહત આપવા માટે સરકારે થોડીક બાંધછોડ કરી છે. પરંતુ બીજી જુલાઈએ સરકારે જાહેર કરેલા જાહેરનામામાં કોઈ રાહત ન મળતા ઉશ્કેરાયેલા પ્લાસ્ટિક બેગ ઉત્પાદકો અને વેપારીઓએ ભેગા થઈને `પ્લાસ્ટિક બેગ મેન્યુફેક્ચુરર્સ અૉફ ઇન્ડિયા' (પીબીએમએઆઈ)ના પદાધિકારીઓની મદદથી  મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને અરજી કરી હતી કે, 20 ગ્રામથી વધુ વજનવાળી પ્લાસ્ટિકની કેરી બેગ વાપરવાની મંજુરી આપવામાં આવે.
પીબીએમએઆઈના જનરલ સેક્રેટરી નિમિત્ત પૂનમિયાએ આક્ષેપ કર્યો હતો કે, સરકારનું જાહેરનામું બહુરાષ્ટ્રીય કંપનીઓના હિતમાં છે. 
મલ્ટિ લેયરર્ડ પ્લાસ્ટિક રિસાઈકલેબલ નથી છતાં સરકારે તેના પર પ્રતિબંધ નથી લગાડયો. તેમ જ પ્લાસ્ટિક બોટલ અને એકસ્ટેન્ડેડ પ્રોડયુસર્સ રિસ્પોન્સિબિલિટિ (ઈપીઆર) ને ત્રણ મહિનાની મુદત આપીને સરકારે બહુરાષ્ટ્રીય કંપનીઓ વતી વિદેશી કંપનીઓને પ્રોત્સાહન આપ્યું છે. વેપારીઓ બાય-બેક માટે તૈયાર છે છતાં સરકારે પ્રતિબંધ કર્યો એ નવાઈની વાત છે. 
પીબીએમએઆઈના અધ્યક્ષ હરપાલ સિંગે દાવો કર્યો હતો કે, આંકડાની દૃષ્ટિએ જોવા જઈએ તો મહારાષ્ટ્રમાં એક વ્યક્તિ વાર્ષિક 650 પ્લાસ્ટિક બેગ વાપરે છે. જેમાંથી 350 નો ઉપયોગ ખાદ્યપદાર્થોના પેકેજિંગ માટે થાય છે. તેમાંથી ફક્ત એક ટકા જ કેરી બેગ્સ હોય છે. જ્યારે કાગળની બેગનું ઓછું આયુષ્ય, ભારવહન ક્ષમતા અને પ્લાસ્ટિકની કેરી બેગ કરતા ચાર ગણી વધુ ખર્ચાળ હોવાથી પર્યાવરણ માટે વધુ હાનિકારક સાબિત થાય છે. 
50 માઈક્રોન કરતા વધુ જાડાઈની થેલી વાપરવાની છુટ આપવા માટે બૉમ્બે ગ્રેન ડીલર્સ ઍસોસિયેશનના પ્રમુખ રમણિક છેડાએ મહારાષ્ટ્રના પર્યાવરણ પ્રધાન રામદાસ કદમનો આભાર માન્યો હતો અને કહ્યંy હતું કે, બે ગ્રામની જગ્યાએ જો પાતળી થેલીની મંજુરી મળશે તો અનાજ, ડ્રાયફ્રૂટ અને કરિયાણાના ધંધામાં વધુ રાહત થશે. 
ફેડરેશન અૉફ રિટેલ ટ્રેડર્સ વેલફેર ઍસોસિયેશન અૉફ ઇન્ડિયા (એફઆરટીડબ્લ્યુએ) પ્રમુખ વિરેન શાહે કહ્યું હતું કે, પ્લાસ્ટિક કેરી બેગ પર પ્રતિબંધ એ ભેદભાવભર્યો અને ભૂલભરેલો નિર્ણય છે. બંધીએ કોઈપણ સમસ્યાનો ઉકેલ નથી. બંધી કરવાને બદલે રિસાઈકલના પર્યાયો પર વધુ ધ્યાન આપવું જોઈએ. તેમ જ સ્વચ્છતા અને શૌચાલય અભિયાનની જેમ કોઈ અભિયાન શરૂ કરીને સેલિબ્રિટિ પાસે પ્લાસ્ટિક રિસાઈકલ વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવી જોઈએ. કેરી બેગનો વિવેકપૂર્ણ વપરાશ સાથે રિસાઈકલિંગની અસરકારક વ્યવસ્થા જ એકમાત્ર નિવારણ છે. 
પીબીએમએઆઈએ અરજી કરી છે કે પ્લાસ્ટિક બેગ પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવે અને પ્લાસ્ટિક બેગ ઉદ્યોગને પણ મલ્ટિ લેયર પેકેજિંગ તથા પ્લાસ્ટિક બોટલની સમકક્ષ 90 દિવસની મુદત પૂરી પાડવામાં આવે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer