નવી કાપડ નીતિ પૂર્વે ઉદ્યોગ કમિશનર સાથે મેરેથોન બેઠક

નવી કાપડ નીતિ પૂર્વે ઉદ્યોગ કમિશનર સાથે મેરેથોન બેઠક

મહારાષ્ટ્ર અને તેલંગણાની માફક ગુજરાતની નીતિ બને તેવો ઉદ્યોગકારોનો મત

અમારા પ્રતિનિધિ તરફથી
સુરત તા. 10 જુલાઈ
નવી કાપડનીતિ બનાવતાં પહેલા રાજ્યના ઉદ્યોગ કમિશનરે તાજેતરમાં સુરતનાં તમામ સંગઠનો સાથે બેઠક કરીને કાપડના ઉદ્યોગકારોની રજૂઆત સાંભળી હતી. કાપડઉદ્યોગકારોની ટોચની માગણીઓમાં મહારાષ્ટ્ર અને તેલંગણની તર્જ પર નવી કાપડ નીતિ બને તે દિશામાં રહી હતી. 
ઉદ્યોગ કમિશનર મમતા વર્માએ દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કૉમર્સના હોલમાં આયોજિત બેઠકમાં કહ્યું હતું કે, ઉદ્યોગકારોના પ્રશ્નો સાંભળી, સમજી તેનો ઉકેલ મળે તે પ્રકારની નીતિ બનાવવામાં આવશે. નવી નીતિ ઓક્ટોબર 2018માં આવશે. હજુ સુધારાને અવકાશ છે. જૂની નીતિ પણ ચાલુ છે. તેમાં વેટના લાભ મળવાપાત્ર હતા તે હવે એસજીએસટી હેઠળ મળશે. નવી નીતિ માટેનું પોર્ટલ શરૂ થઈ ચૂક્યું છે. ઓનલાઈન અરજીઓ કરી શકાશે. તેમણે કહ્યુyં હતું કે, જો સુરતનાં ઉદ્યોગકારો ગાર્મેન્ટ પોલિસીમાં રસ ધરાવશે તો તેઓને ઘણા પ્રોત્સાહક લાભ મળી શકે તેમ છે. 
રાજ્યની ગાર્મેન્ટ અને એપરેલ યોજનામાં 150 સોઇંગ મશીન સાથે કારખાનું શરૂ કરનાર કારખાનેદારને ત્યાં જો 300 કારીગરો હોય તો રાજ્ય સરકાર મહિલા કારીગરને રૂા. ચારહજાર અને પુરુષ કારીગરને રૂા. 3200 સબસિડી આપશે. આ ઉપરાંત સરકાર પાંચ ટકા વ્યાજ સબસિડી પણ આ પ્રોજેક્ટ માટે આપશે. પ્રોજેક્ટમાં જમીન, બિલ્ડીંગ બાંધકામ, પ્લાન્ટ અને મશીનરોનો સમાવેશ થાય છે. 
ગાર્મેન્ટ અને એપરેલ ઉદ્યોગને 150 સોઈંગ મશીનનું કારખાનું નાખવાનું રહેશે. કુલ મૂડીરોકાણ રૂા. 5 થી 5.50 કરોડ સુધીનું રહેશે. 60 મહિનાના 75 ટકા લેખે રૂા. 4.75 કરોડ સબસિડી ચૂકવાશે. વ્યાજ પેટેની સબસિડીનાં રૂા. 65 લાખ સરકાર ચૂકવશે. 
દક્ષિણ ગુજરાત ચેમ્બરનાં પ્રમુખ હેતલ મહેતાએ કહ્યું હતું કે, ટેક્સટાઈલ નીતિ નીતિમાં પાવર ટેરીફ સબસિડી, કામદારો માટે આવાસ, નિકાસ કરનારા યુનિટ્સને વધારાની પાવર સબસિડી, કેશ વ્યવહાર કરનારે પ્રોત્સાહક લાભ તથા વ્યાજ સબસિડી જેવી બાબતો પર ધ્યાન આપવું પડશે. 
ચેમ્બરનાં કમિટી ચૅરમૅન હેમંત દેસાઈએ કહ્યું હતું કે, ઉદ્યોગને માત્ર સબસિડીમાં રસ નથી. પરંતુ, અન્ય રાજ્યોની સરખામણીની વીજળીનાં દરોમાં રાહત મળવી જોઈએ. કામદાર વર્ગ માટે આવાસ યોજનાની આવશ્યકતા છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer