ચિદમ્બરમ, કાર્તિના વચગાળાના જામીન 7 અૉગસ્ટ સુધી લંબાવાયા

ચિદમ્બરમ, કાર્તિના વચગાળાના જામીન 7 અૉગસ્ટ સુધી લંબાવાયા

નવી દિલ્હી, તા. 10 જુલાઈ
એરસેલ-મેક્સિસ મની લોન્ડરિંગ કેસમાં ભૂતપૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમને મળેલી વચગાળાની રાહત 7 અૉગસ્ટ સુધી લંબાવવામાં આવી છે. અગાઉ કોર્ટે તેમને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ધરપકડ સામે 10 જુલાઈ સુધી રક્ષણ આપ્યું હતું.
ચિદમ્બરમે 30 મેના રોજ અદાલતમાં ધરપકડથી બચવા માટે અરજી કરી હતી. તેમની દલીલ હતી કે તેમની સામેના પુરાવા દસ્તાવેજોના સ્વરૂપમાં છે જે હાલની સરકારના કબજામાં છે અને તેમની પાસેથી તેણે કશું મેળવવાનું નથી. આજે ચિદમ્બરમ વકીલનો ઝભ્ભો પહેરીને કોર્ટમાં આવ્યા હતા.
આ કેસ એરસેલમાં રોકાણ કરવા માટે ગ્લોબલ કોમ્યુનિકેશન હોલ્ડિંગ્ઝને એફઆઈપીબીની મંજૂરી મેળવી આપવા વિશેનો છે.
ઈડીએ તેની ફરિયાદમાં કહ્યું છે કે કાર્તિ ચિદમ્બરમની બે કંપનીઓને લાંચ તરીકે રૂા. 1.16 કરોડ મળ્યા હતા. આ કિસ્સામાં પી. ચિદમ્બરમની  સીબીઆઈ તેમ જ ઈડી દ્વારા પૂછપરછ કરાઈ હતી, પરંતુ ફરિયાદમાં તેમને આરોપી બનાવાયા નથી.
આ કેસમાં તપાસ સંસ્થાઓ દ્વારા વધુ તહોમતનામાં નોંધાવાય તેવી શક્યતા છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer