મરીની આયાતમાં મોટાપાયે ઓવર ઈન્વોઇસિંગ થતું હોવાની ઉદ્યોગની ફરિયાદ

મરીની આયાતમાં મોટાપાયે ઓવર ઈન્વોઇસિંગ થતું હોવાની ઉદ્યોગની ફરિયાદ

કોચીન, તા. 10 જુલાઈ
કાળા મરીની મ્યાનમાર, બાંગ્લાદેશ અને નેપાળની સીમાઓ ઉપરથી થતી બેફામ આયાતના કારણે જીએસટી અને આયાત ડયૂટીની ભારે માત્રામાં કરચોરી થતી હોવાની રજૂઆત `ઈન્ડિયન પેપર એન્ડ સ્પાઈસ ટ્રેડર્સ, ગ્રોઅર્સ, પ્લાન્ટર્સ કન્સોર્ટિયમ' કેરળ ચેપ્ટરે કેન્દ્રીય નાણાં સચિવ હસમુખ અઢિયા સમક્ષ કરી છે.
આ સંગઠનના કો-ઓર્ડિનેટર કિશોર શામજીએ એક આવેદનપત્રમાં જણાવ્યું છે કે ડિરેકટર જનરલ અૉફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી) દ્વારા સ્પાઈસ બોર્ડની ભલામણના આધારે મિનિમમ ઈમ્પોર્ટ પ્રાઈસનો અમલ થતા જ નેપાળ, મ્યાનમાર અને બાંગ્લાદેશની ભારત સાથેની સીમાઓ પરથી કાળા મરીની આયાતમાં ભારે ઉછાળો આવ્યો છે અને આ રાષ્ટ્રોએ વિયેટનામથી કાળા મરીની આયાત વધારી દીધી છે તે પણ નોંધપાત્ર બાબત છે.
ભારતે શ્રીલંકા સાથે `આઈએસએફટીએ' અને `એસએએફટીએ' દ્વિપક્ષી કરાર કર્યા છે અને તે હેઠળ 2500 ટન કાળા મરીની આયાત કોઈ પણ ડયૂટી વગર કરી શકાય છે અને ત્યાર બાદ માત્ર આઠ ટકા ડયૂટી ભરીને ગમે તેટલા જથ્થાની આયાત કરી શકાય છે. કાળા મરીની આયાત ઉપર સામાન્ય રીતે 70 ટકા અને `એશિયન' સમૂહનાં રાષ્ટ્રોમાંથી થતી આયાત ઉપર 52 ટકા ડયૂટી ભરવી પડે છે.
કાળા મરીનો પાક લેતા ભારતીય ખેડૂતોનાં હિતોની સુરક્ષા કરવા માટે સરકારે આટલી ઊંચી ઈમ્પોર્ટ ડયૂટી રાખી છે, પણ શ્રીલંકાને દ્વિપક્ષી કરાર હેઠળ અપાયેલી રાહતોનો ઘોર દુરુપયોગ થઈ રહ્યો છે અને તે કારણે શ્રીલંકામાં કાળા મરીના પાકમાં 10 હજાર ટનથી સીધો 28 હજારથી 30 હજાર ટન સુધીનો ઉછાળો નોંધાયો છે.
કાળા મરીની લઘુતમ કિંમત કિલો દીઠ રૂા.  500 રાખવામાં આવી છે, જ્યારે સ્થાનિક બજારમાં તે રૂા.  300થી રૂા. 350ના ભાવે મળે છે. ઊંચી એમઆઈપીનો લાભ લઈ અનેક આયાતકારો સ્થાનિક મરીને આયાતી મરીમાં ખપાવી પ્રતિ કિલો રૂા.  200નો ગાળો દેશ બહાર મોકલે છે. આવા બનાવટી આયાતકારોને કસ્ટમ્સ વિભાગ દ્વારા કોઈ સવાલ પૂછવામાં આવતા નથી, એમ કિશોર શામજીએ તેમના આવેદનપત્રમાં જણાવ્યું છે.
તેમનો આક્ષેપ છે કે આ રીતે  બનાવટી આયાતકારો દેશના નાણાં બહાર મોકલી આપે છે અને તેનો ઉપયોગ હવાલા તેમ જ આતંકવાદી ગતિવિધિઓ માટે થઈ રહ્યો છે.
બીજું મેઇક ઈન ઈન્ડિયા હેઠળ વાણિજય મંત્રાલય દ્વારા અમલમાં મૂકવામાં આવેલી મર્ચન્ડાઈઝ એકસપોર્ટ ઈન્ડિયા સ્કીમ (એમઈઆઈએસ)નો પણ મોટા પ્રમાણમાં દુરુપયોગ થઈ રહ્યો છે. આ સ્કીમ હેઠળ કાળા મરીની આયાત પ્રક્રિયા કરવાના હેતુથી થાય છે અને તેની પુન: નિકાસ થાય છે. આ સમગ્ર ચક્રમાં ભારતીય નાણાં વિદેશમાં ઠલવાતાં હોવાથી આ યોજના તત્કાળ બંધ કરવાની માગણી પણ તેમણે કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer