ચાઈનીઝ પોલીએસ્ટર યાર્ન પર એન્ટિ ડમ્પિંગ ડયૂટી લાદતું ભારત

ચાઈનીઝ પોલીએસ્ટર યાર્ન પર એન્ટિ ડમ્પિંગ ડયૂટી લાદતું ભારત

એજન્સીસ
નવી દિલ્હી, તા. 10 જુલાઈ
અૉટોમોબાઇલ અને અન્ય ઉદ્યોગમાં વપરાતા ચાઈનીઝ પોલીએસ્ટર યાર્ન પર ભારતે ટન દીઠ 528 યુએસ ડૉલરની એન્ટિ ડમ્પિંગ ડયૂટી પાંચ વર્ષ માટે લાદી છે. આ હિલચાલથી સ્થાનિક ઉત્પાદકોને લેવલ પ્લેઇંગ ફિલ્ડ મળી રહેશે અને પડતરથી નીચા ભાવે થતી આયાત સામે તેમને રક્ષણ મળશે.
વાણિજ્ય મંત્રાલયની તપાસ શાખા ડિરેક્ટોરેટ જનરલ અૉફ એન્ટિ ડમ્પિંગ એન્ડ એલાઇડ ડયૂટીસ (ડીજીએડી)એ ચીનથી `હાઈ ટેનાસીટી પોલીએસ્ટર યાર્ન'ના ડમ્પિંગની ફરિયાદ મળ્યા પછી તપાસ હાથ ધરી હતી.
સ્થાનિક ઉત્પાદકોએ ફરિયાદ કરી હતી કે ચીનથી પડતરથી નીચા ભાવે યાર્નની આયાત થતી હોવાથી ભારતના ઉદ્યોગને ફટકો પડયો છે.
ડીજીએડીની ભલામણના આધારે નાણાં મંત્રાલયે પાંચ વર્ષ માટે એન્ટિ ડમ્પિંગ ડયૂટી લાદી છે જે ભારતીય ચલણમાં ચૂકવવાની રહેશે.
ટનદીઠ 174થી 528 ડૉલરની રેન્જમાં ડયૂટી લાદવામાં આવી છે. હાઈ ટેનાસીટી પોલીએસ્ટર યાર્ન જે `ઇન્ડસ્ટ્રીયલ યાર્ન' તરીકે ઓળખાય છે તે ટાયર કોર્ડ ફેબ્રીક, સીટ બેલ્ટ વેબીંગ, રોપ્સ, કોટેડ કાપડ, કન્વેયર બેલ્ટ ફેબ્રિક્સ અને ઓટોમોટીવ હોસના ઉત્પાદનમાં વપરાય છે.
ચીન જોડેના વેપારમાં ભારતની વેપારી ખાધ વધી છે. 2017-18માં ખાધ વધી 63.12 અબજ યુએસ ડૉલરની થઈ ગઈ છે. વધતી વેપારી ખાધથી ચિંતિત ભારતે ચીન સહિત કેટલાક દેશોમાંથી થતી સસ્તી આયાત પર એન્ટિ ડમ્પિંગ ડયૂટી આ પૂર્વે લાદી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer