રિઝર્વ બૅન્કના ક્રિપ્ટોકરન્સી સક્છઍયુલર સામે સીધો પડકાર : પીટુપી

રિઝર્વ બૅન્કના ક્રિપ્ટોકરન્સી સક્છઍયુલર સામે સીધો પડકાર : પીટુપી

વર્ચ્યુઅલ કરન્સી એક્સચેન્જ કહે છે કે ભારત હવે બ્લોક્ચેઈન ક્રાંતિનો એક હિસ્સો છે 
 
ઇબ્રાહિમ પટેલ 
મુંબઈ, તા. 10 જુલાઈ 
અસ્તિત્વમાં રહેલા કુલ જાગતિક બિટકોઇનમાંથી 20 ટકાનું અસ્તિત્વ અલોપ થઈ ગયાના સમાચાર સાથે રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયાની ભારતમાં વર્ચ્યુઅલ કરન્સીની ડેડલાઈનનો અંત આવ્યાના બીજા જ દિવસે ગત શુક્રવારે ક્રિપ્ટોકરન્સીના કામકાજમાં ઝડપી ઘટાડો નોંધાયો હતો. શુક્રવારે બિટકોઇન ટ્રેડિંગ, આગલા દિવસના 4.6 અબજ ડૉલરથી 15 ટકા ઘટી 3.9 અબજ ડૉલરનું થયું હતું. જ્યારે ઈથેરિયમનું 31 ટકા ઘટ્યું હતું. ગત સપ્તાહે ભારતના નાણામંત્રાલય અને આરબીઆઈએ સ્પષ્ટતા કરી હતી કે ભારતમાં વર્ચ્યુઅલ કરન્સી હવે લિગલ ટેન્ડર નથી રહી અને તેને કોઈ સરકારી રક્ષણ નથી મળવાનું. એક રિસર્ચ પેઢી ચાઈનાલીસીસે કહ્યું હતું કે વર્ચ્યુઅલ કરન્સીના પાસવર્ડ સ્ટોરેજની કોઈ મજબૂત વ્યવસ્થા સ્થાપિત કરવાની નિષ્ફળતાને લીધે 20 અબજ ડૉલરના બિટકોઇન તેના ધારકની પહોંચ બહાર જતા રહ્યા છે. 
આરબીઆઈની પાંચ જુલાઈની વર્ચ્યુઅલ કરન્સી ડેડલાઈનના અંત પહેલા જ વજીરેક્સ અને કોઈનેક્સ લુપ જેવા કેટલાંક ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જોએ સામાન્ય બૅન્કિંગ ચેનલનો ઉપયોગ કર્યા વગર જ પોતાના ગ્રાહકો માટે પેર ટુ પેર (પીટુપી) સગવડતા સ્થાપિત કરીને નવેસરથી કામકાજ શરૂ કરી દીધા હતા. વજીરેક્સના સીઈઓ નિશ્ચલ શેટ્ટીએ એક ટ્વીટર દ્વારા કહ્યું હતું કે `વજીરેક્સ પીટુપી ટૂંકમાં આવી રહ્યું છે, ચિંતા નહિ કરશો. તમે એક બીજા સાથે નાણાંની લેવડ દેવડ સીધે સીધા કરી શકશો અને ક્રિપ્ટોકરન્સી વેપારમાં અમે તમને મદદ કરીશું. ભારત હવે બ્લોક્ચીન ક્રાંતિનો એક ભાગ છે'. આ રીતે જોઈએ તો રિઝર્વ બૅન્કનાં સર્ક્યુલર સામે આ એક સીધો પડકાર છે.
પેર ટુ પેર પદ્ધતિ કઈ રીતે કામ કરે છે? આ સવાલનો જવાબ આપતા મુંબઈસ્થિત એક ક્રિપ્ટોકરન્સી ડીલરે કહ્યું કે એક્સચેન્જ સૌ પ્રથમ એવા રોકાણકારને એક બીજા સાથે જોડાણ કરાવી આપે છે જે રૂપિયાની અવેજમાં ક્રિપ્ટોકરન્સી વેચવા માગતો હોય, તે સાથે જ આ વર્ચ્યુઅલ કરન્સી રૂપિયા આપીને ખરીદવા માગતા હોય. વેચનારે વર્ચ્યુઅલ કરન્સી એક્સચેન્જમાં જમા કરાવાની હોય છે. ત્યાર પછી બાયર સીધો જ સેલરને રૂપિયામાં ચુકવણી કરે છે. એક વખત વેચનારને નાણાં મળી ગયાનું સત્તાવાર એક્ચેન્જને જણાવે કે તુરંત ક્રિપ્ટો કરન્સી એક્સચેન્જ બાયરના ખાતામાં કરન્સી જમા કરાવી દે છે. 
રિઝર્વ બૅન્કના પ્રતિબંધ અગાઉ રોકાણકાર આવી ડિજિટલ કરન્સીના બાય અને સેલ સોદા એક્સચેન્જ મારફતે રૂપિયામાં કરી શકતા હતા. કોટક મહિન્દ્ર બૅન્કે આરબીઆઈના સર્ક્યુલરને ટાંકીને તેના તમામ ગ્રાહકોને કહ્યું હતું કે અમે બૅન્ક મારફતે કહેવા માગીએ છીએ કે તમે વર્ચ્યુઅલ કરન્સીના સોદા તમારા બૅન્ક એકાઉન્ટ મારફત કરશો નહિ. આમ છતાં તો જો કરશો તો, રેગ્યુલેટરી ગાઇડન્સ હેઠળ તમને અગાઉથી જાણકારી આપ્યા વગર જ ખાતું બંધ કરી દેવામાં આવશે. આથી હવે ભારતમાં વર્ચ્યુઅલ કરન્સી નથી નાણું રહ્યું કે નથી કોઈન રહ્યા.     
કોઈન ડેસ્ક બિટકોઇન ઇન્ડેક્સનાં અહેવાલ મુજબ ગત સપ્તાહે પૂરા થયેલા બીજા ત્રિમાસિકમાં બિટકોઇનનાં ભાવ સતત સાત વર્ષ સુધી આ ત્રિમાસિકમાં વધ્યા પછી, 8 ટકાનું ગાબડું ઉપડ્યું હતું. બીજા ત્રિમાસિકમાં બિટકોઈને હંમેશા સારી તેજી દાખવી છે. ઉદાહરણ તરીકે જોઈએ તો 2011ના બીજા ત્રિમાસિકમાં બિટકોઇનના ભાવ ઐતિહાસિક રીતે 1964 ટકા વધ્યા હતા. 2 જુલાઈ પછી બિટકોઇનનાં ભાવ 6300 અને 6700 ડૉલરની વચ્ચે અથડાઈ પ્રમાણમાં સ્થિર થઇ ગયા છે. બિટકોઇનનો વર્તમાન ભાવ 6762 ડૉલર છે. 
પણ જો છેલ્લાં પાંચથી છ દિવસની મુવમેન્ટ જોઈએ તો અત્યંત ઓછા કામકાજ વચ્ચે બંને તરફ સાંકડી વધઘટે ભાવ સંઘર્ષ કરી રહ્યા છે. ટૂંકાગાળામાં બિટકોઇનનાં ભાવ 7000 ડૉલરની ઉપર જવાને બદલે 6000 ડૉલરની નીચે જવાની સંભાવના વધુ છે. મજબૂત કરેક્ટિવ તેજીઓ જોયા પછી બિટકોઇન અને ઈથેરિયમે ઉપર જવાના મોમેન્ટમ સ્થાપિત કરવામાં નિષ્ફળતા જોઈ છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer