દરિયાપારની મજબૂતી અને સ્થાનિક આશાવાદથી શૅરોમાં વધુ સુધારો

દરિયાપારની મજબૂતી અને સ્થાનિક આશાવાદથી શૅરોમાં વધુ સુધારો

નિફટીના અગ્રણી 33 શૅરમાં નોંધપાત્ર લેવાલીથી સુધારો
 
વ્યાપાર ટીમ
મુંબઈ, તા. 10 જુલાઈ  
શૅરબજારમાં આજે સુધારો વધુ બળવાન બન્યો હતો. ગઈકાલે 80 પૉઈન્ટ સુધરેલ નિફટી આજે વધુ ઊંચી ટોચે પહોંચવા મથતો હોય તેમ જણાયું હતું. જપાનમાં યેનની મૂલ્ય કમજોરી અને ચીનનો કન્ઝયુમર્સ પ્રાઈસ ઈન્ડેક્સ જૂન ત્રિમાસિક અંતે 1.9 ટકા સુધરવાથી વૈશ્વિક બજારનો તેજીને સાથ મળ્યો હતો. જ્યારે સ્થાનિકમાં આરબીઆઈના તાજા આંકડા પ્રમાણે 2017-18માં ખાનગી ક્ષેત્રે કોર્પોરેટ વેચાણ સુપેરે વધીને રૂા. 9.25 લાખ કરોડ થયું હતું, જે 2016-17 દરમિયાન રૂા. 8.41 લાખ કરોડ હતું. જેથી નોટબંધી-જીએસટીની અસર નાબૂદ થવાનો સંકેત હોવાના ઈશારે મુખ્ય (ઈન્ડેકસ) આધારિત કંપનીઓમાં મોટી સટ્ટાકીય લેવાલીથી એનએસઈ ખાતે નિફટી 94 પૉઈન્ટ વધીને 10947ના પાંચ મહિનાના ટૂંકા ગાળાની નવી ઊંચાઈએ બંધ રહ્યો હતો. જેથી બીએસઈ સેન્સેક્ષ 304 પૉઈન્ટ વધીને 36239 બંધ હતો.
છેલ્લા બે દિવસની લેવાલીથી પોરસાતા ચાર્ટવ્યૂ ઈન્ડિયાના વ્યૂહકાર મઝહર મોહંમદે જણાવ્યું છે કે હવે અમને ટેક્નિકલી અગાઉ ફેબ્રુઆરીની ટોચ 11171 તરફ નિફટી જશે એમ જણાય છે. આજે બજારમાં શરૂઆતથી જ સુધાર ચાલુ રહેવા સાથે એચડીએફસી - એચડીએફસી બૅન્ક અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં તેજીની ગાડી પૂરપાટ દોડવાથી અન્ય તેલ-ગૅસ, ખાનગી બૅન્ક, રીઅલ્ટી ક્ષેત્ર સાથે મેટલ શૅરના ઈન્ડેક્સ શૅરોમાં નવા પ્રાણ ફુંકાયા હતા. જેથી નિફટી અૉટો ઈન્ડેક્સ 0.51 ટકા, રીઅલ્ટી 1.8 ટકા, ફાર્મા 0.77 ટકા વધ્યા હતા. નિફટી મેટલ 1.6 ટકા વધ્યા હતા, જેમાં તાતા સ્ટીલ રૂા. 13 અને હિન્દાલ્કો રૂા. 7 સુધર્યા હતા.
આજે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં રૂા. 28નો નોંધપાત્ર સુધારો હતો. જ્યારે એચડીએફસી અને એચડીએફસી બૅન્ક અનુક્રમે રૂા. 38 અને રૂા. 18 વધ્યા હતા. અૉટો અગ્રણી બજાજ અૉટો રૂા. 76 અને કાર મેકર મારુતિ સુઝુકીનો ભાવ રૂા. 156 સુધારે હતો. જાહેર ક્ષેત્રનો કોલ ઈન્ડિયા રૂા. 7, અલ્ટ્રાટેક રૂા. 60, સામે ખાનગી બૅન્કોમાં યસ બૅન્ક રૂા. 8 અને એક્સિસ બૅન્કમાં રૂા. 7 સુધારો હતો. જ્યારે સિપ્લામાં રૂા. 9નો વધારો નોંધાયો હતો. ડીએલએફ રૂા. 7 અને યુનિટેક રૂા. 4 સુધર્યા હતા.
આજની લેવાલીની પ્રબળ અસર તળે નિફટીના કુલ 33 શૅરના ભાવ નોંધપાત્ર વધવા સાથે 17 શૅરોમાં થોડો ઘટાડો થયો હતો. જેમાં હીરો હોન્ડા રૂા. 28, કોટક બૅન્ક રૂા. 12, ઈન્ડસઈન્ડ રૂા. 23 અને ડૉ. રેડ્ડીસ રૂા. 8 ઘટયા હતા. અન્ય સ્થાનિક એનલિસ્ટે જણાવ્યું છે કે માત્ર વાયદાના ખેલાડીઓ માટે હવે નિફટી 10800 નીચે બંધ આવે તો જ મંદી (વેચવાલી) કરવાનું હિતાવહ રહેશે. ચાર્ટ પર નવી `હેન્ગિંગ મેન' પેટર્ન તૈયાર થઈ ચૂકી છે, જે નિફટીને સટ્ટાકીય દૃષ્ટિએ આગળ ધકેલશે. જેમાં સામા પૂરે વેચવાલી જોખમી બની શકે છે. જોકે, બજારના અનુભવી બ્રોકરો માને છે કે અગાઉના ઊંચા ભાવે લીધેલ શૅરોમાં અટવાયેલા સાચા રિટેલ રોકાણકારોએ મનગમતા ભાવે નાણાં છૂટા કરવામાં શાણપણ રહેશે. આમેય શૅરબજાર જ્યારે તેજીમય હોય અને લાવ લાવ હોય ત્યારે જ `મનગમતા' ભાવે વેચવા મળે છે. જેથી ભૂલ કરવી નહીં.
વૈશ્વિક બજારો
અમેરિકાની ટ્રેડવૉરને લીધે ત્યાંની અર્થવ્યવસ્થા મજબૂત બનશે એવો આશાવાદ જાહેર થાય છે. આજે ચીન અને જપાનનાં બજારો વધવાના સકારાત્મક સંકેતથી વૈશ્વિક બજારોમાં ચેતના આગળ વધી હતી. જેથી યુરોપનાં બજારો બે અઠવાડિયાની ઊંચાઈએ સ્પર્શ્યાં હતાં. જ્યારે ચીનમાં શૅરો આખરે નકારાત્મક બંધ રહેવા છતાં એમએસસીઆઈ ઈન્ડેક્સ ત્રણ અઠવાડિયાના ટોચે હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer