કચ્છના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગના `લાખના બાર હજાર'' !


પ્રફુલ્લ ગજરા
ભુજ, તા. 17 જુલાઈ
કાળા સોનાની ઉપમા પામેલા કચ્છના લિગ્નાઇટ ખનિજ થકી એક જમાનામાં સોનેરી અને ભારે જાહોજલાલીભર્યા દૃશ્યો નિહાળી ચૂકેલો કચ્છનો ટ્રક-ટ્રાન્સપોર્ટ વ્યવસાય પાનધ્રો (લખપત)સ્થિત લિગ્નાઇટ ખાણ બંધ થયા બાદ શરૂ થયેલા કઠણાઇભર્યા દોરમાંથી હજુ બહાર આવી શકયો નથી. ઇંધણ સહિતની વિવિધ ચીજવસ્તુઓના ભાવમાં વધારાની તુલનાએ ભાડામાં જોઇએ તેટલો વધારો ન થવાની સ્થિતિ વચ્ચે મહાબંદર કંડલા અને મુંદરા ખાતેના અદાણી બંદરેથી થતા માલના પરિવહન અને સિમેન્ટની હેરફેર થકી વર્તમાન સમયમાં આ વ્યવસાયનો ગુજારો થઇ રહ્યો છે. 
ગુજરાત ખનિજ વિકાસ નિગમ સંચાલિત પાનધ્રો લિગ્નાઇટ ખાણ એકાએક બંધ કરવાનો અને તેમાં ધરબાયેલો લિગ્નાઇટનો જથ્થો વિદ્યુત મથકો માટે અનામત રાખવાના લેવાયેલા નિર્ણય બાદ કચ્છના ટ્રક અને ટ્રાન્સપોર્ટ વ્યવસાયની માઠી શરૂ થઇ હતી. પાનધ્રો ખાણના વિકલ્પે શરૂ થયેલી માતાના મઢ (લીફરી) અને ઉમરસર ખાણ અત્યાર સુધી જોઇએ તેટલું `પરફોર્મન્સ' આપી શકી નથી. તો આ ઉપરાંત ખનિજ નિગમની સતત બદલતી નીતિઓ અને ભાવમાં વધારા તથા માલની ગુણવત્તા જેવા પરિબળોને લઇને પણ કચ્છના લિગ્નાઇટની માગમાં અસહ્ય ઘટાડો આવ્યો છે. 
અનુભવી સૂત્રો સાથે વાતચીત કરતાં સપાટી ઉપર આવેલા નિષ્કર્ષ મુજબ પશ્ચિમ કચ્છમાં અબડાસા અને લખપત તાલુકામાં કાર્યરત સિમેન્ટ એકમોમાંથી થતું પરિવહન તથા કંડલા અને મુંદરા બંદરેથી નીકળતા માલ આધારિત વ્યવસાય બની ગયો છે સાથેસાથે બેન્ટોનાઇટ, કલીંકર અને અન્ય માલમની હેરફેર વ્યવસાય માટે અત્યારે ટેકણલાકડીની ભૂમિકા ભજવી રહી છે. 
છેલ્લા કેટલાક સમયથી ઓવરલોડનું દૂષણ અંકુશમાં હોવાથી ન પોષાય તેવા ભાડા વચ્ચે ભારવાહક વાહનોવાળા માટે બે છેડા ભેગા કરવા મુશ્કેલ બન્યા છે. આ સમગ્ર સ્થિતિ માટે ઇંધણ અને પૂર્જા તથા ટાયરના સતત વધતા રહેલા ભાવ જેવા પરિબળોએ પણ અહમ ભૂમિકા ભજવી છે, તેમ સૂત્રો જણાવે છે.  સારા દિવસોના કાળમાં રાજ્ય અને દેશમાં કાર્યરત વિવિધ ફાઇનાન્સ કંપનીઓ દ્વારા વ્યવસાયિકોએ તેમની શાખાઓ કચ્છમાં ભુજ અને ગાંધીધામ ખાતે આરંભી હતી. આવી કંપનીઓ ઉપરાંત ખાનગી અને રાષ્ટ્રીયકૃત બૅન્કો ઉપરાંત ખાનગી શરાફી વ્યવસાય કરનારા દ્વારા ટ્રક-ટ્રાન્સપોર્ટ વ્યવસાયમાં કરોડોનું ધિરાણ કરવામાં આવ્યું છે. વ્યવસાયની વર્તમાન ડામાડોળ હાલતે આવા ધિરાણકર્તાઓની હાલત પણ સાપે છછુંદર ગળ્યા જેવી બનાવી મૂકી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer