ધોલેરા સર 2030 સુધીમાં પૂર્ણપણે તૈયાર થઈ જશે : આંતરરાષ્ટ્રીય વિમાનીમથક બનશે


2019ની વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં મોટા સોદા માટે ધોલેરા સર ઉપર મીટ
 
એજન્સીસ
અમદાવાદ, તા. 17 જુલાઈ
2019ની વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન (ધોલેરા સર)માં અમુક વિશાળકાય કદના સોદાઓ થવાની ગુજરાત સરકારને આશા છે. ધી ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટએ આના માર્કેટિંગના પ્રયત્નો શરૂ કરી દીધા છે. અત્રે એરોસ્પેસ, ડિફેન્સ અને હેવી ગુડ્સના ઉત્પાદક એકમો આવવાની શક્યતા છે.
સાઉથ-ઇસ્ટ એશિયામાં ધોલેરા પાસે સૌથી મોટું લેન્ડ પાર્સલ છે. અત્રે પ્લગ-એન્ડ-પ્લે ઇન્ફ્રાસ્ટ્રકચર અૉફર કરાય છે.
ધોલેરા સરનો વિસ્તાર 920 ચો. કિલોમીટરનો છે. આ ગ્રીનફીલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સિટી છે. આ 920 ચો. કિલોમીટરમાંથી ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ માત્ર 280 ચો. કિલોમીટરમાં થઈ રહ્યું છે. અત્રે સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર ઊભું થઈ રહ્યું છે.
મોટા ઉત્પાદક એકમોને અત્રે આકર્ષવા જમીન ડિસ્કાઉન્ટના ભાવે અપાય છે. 2030 સુધીમાં આ નવું શહેર 20 લાખની વસ્તી ધરાવતું થઈ જશે અને તેમાં આઠ લાખ લોકોને રોજગારી મળશે.
દરમિયાન ધોલેરા ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પ્રોજેક્ટમાં ઇક્વિટી પાર્ટનર બનવા ધી ઍરપોર્ટ અૉથોરિટી અૉફ ઇન્ડિયા (એએઆઈ)એ સહમતી દર્શાવી છે.
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન ખાતાએ પ્રોજેક્ટ સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. ધોલેરા ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પ્રોજેક્ટનો ખર્ચ રૂા. 2000 કરોડ થશે. તેમાં એએઆઈનો હિસ્સો 51 ટકા હશે અને રાજ્ય સરકારનો હિસ્સો 49 ટકા રહેશે. ઍરપોર્ટનું બાંધકામ આ વર્ષના નવેમ્બરથી શરૂ થવાની શક્યતા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer