સોનું સાત મહિનાની તળિયાની સપાટીએ સ્થિર


અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 17 જુલાઈ
બુલિયન બજારમાં સોનાનો ભાવ સાંકડી રેન્જમાં અથડાઇ ગયો છે. ડૉલર આજે ચલણ બજારમાં થોડો નરમ પડયો હતો પરંતુ સોના ઉપર તેનો પ્રભાવ ન પડતા 1241 ડૉલરના સ્તરે સ્થિર હતું. ફેડરલ રિઝર્વના ચૅરમૅન જેરોમ પોવેલ અમેરિકી કૉંગ્રેસને સંબોધન કરવાના છે એ પૂર્વે સાવચેતીનું વલણ હતું. સોનામાં એ કારણે સાત મહિનાના નીચા ભાવ જળવાઇ રહ્યા હતા. ફેડ કદાચ કૉંગ્રેસમાં આગામી નાણાનીતિ ક્રમશ: સખત બનાવવામાં આવશે એ પ્રકારની કોઇ વાતચીત કરે તેવો ભય બજારને હતો.
મેટલ્સ ફોકસના ડાયરેક્ટર નિકોસ કવાલીસ કહે છે, સલામત રોકાણ સાધન તરીકે સોનાની ખરીદી કરવી પડે તેવા કોઇ સંજોગો ઉપસ્થિત થતા નથી. ડૉલરમાં આકર્ષણ વધારે છે. વેપારયુદ્ધના કારણોએ પણ સોના ઉપર કોઇ અસર કરી નથી. ડૉલર તેજીમાં રહે ત્યાં સુધી સોનામાં તેજી મુશ્કેલ છે.
ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે સોમવારે એવી ચેતવણી આપી હતી કે, અમેરિકાએ છેડેલી ટેરિફ વોર મધ્યમગાળે વિકાસને અસર કરશે. ચીનમાં બીજા ત્રિમાસિકનો વિકાસદર ધીમો પડવાને લીધે ચિંતા વધતા આઇએમએફે ઉક્ત નિવેદન આપ્યું હોવાનું માનવામાં આવ્યું છે. વેપારયુદ્ધ લાંબો સમય ચાલે તો દુનિયાના આર્થિક વિકાસને પણ અસર થવાની શક્યતા છે.
રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ રૂા. 50ના ઘટાડા સાથે રૂા. 31,100 હતો. મુંબઈ સોનું રૂા. 125 ઘટતા રૂા. 30,205 હતું. ચાંદી ન્યૂ યોર્કમાં 16.73 ડૉલરની સપાટીએ હતી. રાજકોટમાં ચાંદી એક કિલોએ રૂા. 150 ઘટી રૂા. 39,350 અને મુંબઈમાં રૂા. 240 ઘટીને રૂા. 38,570 હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer