ભારે વરસાદથી ભરાયેલાં પાણીના કારણે વસઇના ઔદ્યોગિક એકમોને રૂા. 150 કરોડનું નુકસાન

 
વરસાદે પોરો ખાધા પછી બે દિવસ સૂધી ચાર ફૂટ પાણીમાં એકમો ડૂબેલા હતા
 
એજન્સીસ
મુંબઇ, તા. 17 જુલાઈ
પડોશના થાણે જિલ્લામાં ભારે વરસાદના પ્રકોપની તારાજીની તસવીરો ચાર દિવસ પછી સ્પષ્ટ થઇ છે અને વસઇમાં નવઘર તાલુકામાં આવેલા સંખ્યાબંધ ઔદ્યોગિક એકમોમાં ભારે વરસાદના કારણે પાણી ભરાતાં ભોંયતળિયાના સંકડો ગાળાઓમાં મશીનરી અને કાચા માલને આશરે રૂા. 150 કરોડનું નુકસાન થયું છે. 
ગયા બુધવારે વરસાદ ઓછો થયા બાદ નવઘર તાલુકામાં આવેલા ઔદ્યોગિક એકમોના માલિક અને કર્મચારીઓ સતત બે દિવસ સુધી પાણી ઉલેચવાનું કામ કરી પોતાના એકમોને ફરી ધમધમતા કરવાના પ્રયાસો કરી રહ્યા છે. 
રાજેશ મખારિયા નામના ઉદ્યોજકના કહેવા મુજબ તેમનો ગાળો ગ્રાઉન્ડ ફ્લોર ઉપર હોવાથી વરસાદનાં પાણી એકમમાં ભરાઇ ગયાં હતાં અને તેમાં કીચડ અને મૃત જીવજંતુઓ કાઢવા તેમને અને તેમના સ્ટાફને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. તેમનો તમામ કાચો માલ અને મશીનરી પાણીમાં ડૂબી જતાં લગભગ તેમને રૂા.25 લાખનું નુકસાન થયું છે. 
મખારિયાને જેમ અનેક ગાળાધારકો બુધવાર સુધી તેમના એકમોની મુલાકાત સુધ્ધાં લઇ શક્યા નહોતા. વરસાદ ઓછો થયો તે પછી પણ તેઓ કશું કરી શક્યા નહોતા કારણકે ગાળામાં ચાર ફૂટ જેટલાં પાણીનો ભરાવો થયો હતો અને તે ઓસર્યાં નહોતા. અનેક ગાળાધારકોએ પમ્પ કામે લગાડીને પાણી ઉલેચ્યા હતા.
વસઇમાં આ પ્રકારે લગભગ અઢી હજાર એકમો છે અને તેમાં આશરે 25 હજાર કર્મચારીઓ નોકરી કરતા હોવાનું વસઇ ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશન (વીઆઇએ)ના સૂત્રોએ જણાવ્યું હતું. તેમાંથી આશરે 1200  એકમોને પાણી ભરાવાના કારણે લગભગ રૂા.150 કરોડનું નુકસાન થયું હોવાનું તેમણે ઊમેર્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer