અમેરિકામાં કાપડ ઉદ્યોગ માટે વિરાટ તક

100 બિલિયન ડૉલરનો કાપડનો ધંધો મેળવી શકે : દક્ષિણ ગુજરાત ચેમ્બર દ્વારા ટેક્સ્ટાઇલ વિષય ઉપર સેમિનાર યોજાયો
 
અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 17 જુલાઈ
અમેરિકામાં અૉટો અને ક્લિન એનર્જી જેવા ક્ષેત્રમાં વિકાસની અનેક તકો છુપાયેલી છે. આ ઉપરાંત કાપડઉદ્યોગ ક્ષેત્રે પણ રોકાણની મોટી તક છે. દેશનાં કાપડઉદ્યોગ ક્ષેત્રનાં ઉદ્યોગકારો ઈચ્છે છે તો 100 બિલિયન ડૉલરની નિકાસ કરી શકે છે તેમ ઈન્ડો અમેરિકન ચૅમ્બર અૉફ કૉમર્સનાં ડેપ્યુટી ડાયરેક્ટર સત્યનારાયણ રાથે એક મુલાકાતમાં જણાવ્યું હતું.
દક્ષિણ ગુજરાત ચૅમ્બર દ્વારા આયોજિત ટેક્સટાઈલ ઓર્પોચ્યુનિટી ઈન અમેરિકાનાં વિષય પર આધારીત એક સેમિનારમાં સત્યનારાયણ રાથેએ કહ્યું હતું કે, ટેક્સટાઈલ સિટી સુરત આ દિશામાં અગ્રેસર છે. જો એપરલ ક્ષેત્રમાં ધ્યાન આપે તો વિકાસની અનેક તકો છુપાયેલી છે. રિટેલરોની અપેક્ષાઓને સંતોષવાની તૈયારી અને સારી ગુણવત્તાનું ઉત્પાદન કરવા માટે પરંપરાગત માનસિકતા બદલાવની જરૂરિયાત છે.  
ઈન્ડો અમેરિકન ચૅમ્બર અૉફ કૉમર્સના ટેક્સટાઈલ ફોરમનાં સુરેશ કોટકે કહ્યું હતું કે, ભારત પાસે 100 બિલિયન ડૉલરનાં વેપારની તક છે. સુરતનાં ઉદ્યોગકારોની ઈચ્છાશક્તિ હોય તો 60 ટકા ધંધો અંકે કરી શકે તેવી ક્ષમતા ધરાવે છે. સુરતમાં ઈન્ડો અમેરિકન ચૅમ્બરની એક ડેસ્ક પણ શરૂ કરી શકાય તેમ છે.
ઈન્ડો અમેરિકન ચૅમ્બર ટેક્સટાઈલ ફોરમનાં અરવિંદ સિંહાએ કહ્યું હતું કે, સુરતમાં ઘણું સારું ધંધાનું વાતાવરણ છે. પરંતુ, જો દુનિયાની સાથે તાલ મિલાવવો હોય તો સુરતએ હવે આગળ દિશામાં વિચારવું પડશે. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર ચાલી રહી છે. ભારતે આ ધંધાકીય યુદ્ધનો લાભ લેવો જોઈએ. સુરતનાં યાર્નમાંથી જ અમેરિકામાં જઈને ઉત્પાદન કરવામાં આવે તો મેડ ઈન યુએસએનું લેબલ લાગશે અને બજારમાં તેની સારી કિંમત પણ મળશે. અહીંનાં ઉદ્યોગકારોએ આ લાભ ઉઠાવવો જોઈએ. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer