ઈરાનથી તેલની આયાતનો નિર્ણય દેશહિતના આધારે લેવાશે : વિદેશ મંત્રાલય


નવી દિલ્હી, તા. 17 જુલાઈ
અમેરિકાએ ઈરાન પર લાદેલા પ્રતિબંધને પગલે ઈરાનથી તેલની આયાત વિશે જાગેલી ચિંતાના સંદર્ભમાં વિદેશ મંત્રાલયે ચોખવટ કરી છે કે ભારત તેના રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખીને જે કરવા જેવું હશે તે કરશે.
ઈરાની દૂતાવાસે ગઈકાલે એક નિવેદનમાં કહ્યું હતું કે ભારતને તેલ પુરવઠો મળતો રહે તે માટે ઈરાન શક્ય તેટલા તમામ પ્રયાસ કરી છૂટશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું હતું કે ભારત ઈરાન સાથે અનેક મુદ્દે સંપર્કમાં છે, જેમાં ઈરાન સાથે છ દેશોએ સંયુક્ત રીતે કરેલી અણુશક્તિના વિકાસ સંબંધી સમજૂતીને અમેરિકાએ એકપક્ષી રીતે ફોક કરવાના અમેરિકાના નિર્ણયના સૂચિતાર્થોનો પણ સમાવેશ થાય છે. ઈરાન પાસેથી તેલની ખરીદીના મુદ્દે અમેરિકાએ ભારતનો સંપર્ક સાધ્યો છે કે કેમ એ સવાલના જવાબમાં કુમારે કહ્યું હતું કે અમેરિકાએ એવો નિર્દેશ આપ્યો હતો કે આ મુદ્દે વિવિધ દેશો સાથે ચર્ચાવિચારણા કરવા તે તૈયાર છે. પરંતુ તેમણે કોઈ ચોક્કસ દેશનો ઉલ્લેખ કર્યો નહોતો.
`અમે આવી ચર્ચાવિચારણાને આવકારીએ છીએ. એક વાત સ્પષ્ટ છે કે દેશના હિતમાં જે કરવું યોગ્ય હશે તે અમે કરીશું,' એમ કુમારે કહ્યું હતું.
ઇરાક અને સાઉદી અરેબિયા બાદ ઈરાન ભારતનો ત્રીજા ક્રમનો સૌથી મોટો તેલ સપ્લાયર છે. એપ્રિલ 2017થી જાન્યુઆરી 2018 સુધીના દસ મહિનામાં ઈરાને ભારતને 184 લાખ ટન તેલ પૂરું પાડયું હતું. અમેરિકાએ ભારત અને અન્ય દેશોને 4 નવેમ્બર સુધીમાં ઈરાન પાસેથી તેલ ખરીદવાનું સાવ બંધ કરવાનું કહ્યું છે.
ઈરાન સાથેના અણુકરારમાંથી હટી ગયા બાદ ટ્રમ્પ તંત્રે ઈરાન પર ફરીથી પ્રતિબંધો લાદ્યા હતા. ઈરાનને અથવા ઇરાનના બંદરોએ માલ પહોંચાડવા પર પણ અમેરિકાએ પ્રતિબંધ મૂક્યો છે. ભારત દ્વારા ઈરાનના તેલની આયાતમાં કોઈ ઘટાડો થયો છે કે કેમ એવા સવાલનો કુમારે જવાબ આપ્યો ન હતો. તેમણે કહ્યું હતું કે આ કામકાજના સંચાલનનો પ્રશ્ન છે અને તેનો જવાબ પેટ્રોલિયમ મંત્રાલય આપી શકે.
કુમારે કહ્યું હતું કે ઈરાનના ચબાહર બંદરે શહીદ બહેશ્તી ટર્મિનલ બાંધવા માટે ભારત પ્રતિબદ્ધ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer