શૅરબજારમાં સર્વેલન્સના માપદંડ વચ્ચે રોકાણકારો ગૂંચવાયા


ધ્યાનેશ વૈષ્ણવ 
મુંબઈ, તા. 17 જુલાઈ
શૅરબજારના ભાવાંક નવી ઊંચી સપાટીએ (લાઈફ ટાઈમ હાઈ)  છતાં નિફ્ટી અને સેન્સેક્ષમાં સમાવિષ્ટ શેરને બાદ કરતા મોટા ભાગના  શેરમાં ગભરાટ તેમ જ મિડકેપ અને સ્મોલકેપમાં અકલ્પ્ય ધોવાણ જોવા મળ્યું છે. આમ રોકાણકારમાં બજાર પ્રત્યે ઉત્સાહનો અભાવ દેખાઈ આવે છે. તાજેતરમાં જ ઘડાયેલા નિયમને કારણે અજાણતાં જ રોકાણકારમાં અનિશ્ચિતતા ફેલાઈ ગઈ છે અને ચારે બાજુ વિશ્વાસનો અભાવ દેખાઈ રહ્યો છે. બજારના એક વર્ગના કહેવા પ્રમાણે મુખ્ય પચાસ કે સો શેરને બાદ કરતાં બજારમાં સારી ગણી શકાય તેવી અસંખ્ય કંપનીમાં રોકાણકાર પોતાના નાણાંનું રોકાણ કરે છે, પરંતુ શેરબજારમાં રોકાણકારની વિશ્વસનીયતાને જાળવી રાખવાના હેતુથી હાલમાં જે એડીશનલ સર્વેલન્સ મેઝર (એએસએમ) અને ગ્રેન્ડેડ સર્વેલન્સ મેઝર (જીએસએમ) નવો નિયમ બહાર પાડવામાં આવ્યો છે. તેનાથી રોકાણકારમાં ઘણી અનિશ્ચિતતા ફેલાઈ હોય તેવું જણાય છે. આ નિયમ અનુસાર જયારે કોઈપણ દેખીતા કારણ વગર શેરમાં વધઘટ જણાય ત્યારે તેને એએસએમ કે જીએસએમ થકી તેને નિયંત્રણમાં લાવવામાં આવે છે. 
આ નિયમાનુસાર જયારે કોઈ પણ શેરમાં કૃત્રિમ કે દેખીતા કારણ વગર વધઘટ દેખાય તો તેને જીએસએમ હેઠળ જુદાજુદા તબક્કા હેઠળ લઇ જવામાં આવે છે. પહેલા તબક્કામાં આવા શેરને નોર્મલમાંથી ટ્રેડ ટુ  ટ્રેડમાં નાખી તેના હાલના પ્રાઇસ બેન્ડને 20 ટકાથી ઘટાડી ફક્ત પાંચ ટકા કરી નાખવામાં આવે છે, પણ હજી પણ જો તેની વધઘટ ઉપર કાબૂ ન આવે તો આવા શેરને બીજા તબક્કામાં નાખી ખરીદનાર પાસેથી સો ટકા પૈસા અગાઉથી એડિશનલ સર્વેલન્સ ડિપોઝિટ (એડીએસ) પેટે લેવામાં આવે છે. ત્રીજા તબક્કામાં આવા શેરના કામકાજને અઠવાડિયામાં ફક્ત એક જ વાર કરવા દેવામાં આવે છે. ચોથામાં આ ઉપરાંત ખરીદારી ઉપર શેરના કુલ ભાવના બસો ટકા અગાઉ કાપી લેવામાં આવે છે. પાંચમા અને છઠ્ઠા તબક્કામાં આવા શેરમાં મહિનામાં ફક્ત એક વાર જ કામકાજ કરવા દેવામાં આવે છે. આમ કુલ મળીને છ તબક્કામાં આ નિયમ વહેંચાયેલો છે. આ નિયમ અનુસાર એડીએસના નાણાં શેર વેચાઈ ગયા હોય તો પણ લગભગ ત્રણ મહિને પાછા આપવામાં આવે છે.
આ નિયમ બનાવવા પાછળની નેમ ભોળા રોકાણકારને કૃત્રિમ વધઘટમાં ફસાતા રોકવાની છે અને મોટે ભાગે એવું સમજવામાં આવ્યું હતું કે તે મિડકેપ, સ્મોલકેપ અને માઇક્રોકેપમાં થતા કુંડાળાને અંકુશમાં રાખવાનું કામ કરશે, પરંતુ નવા નિયમને કારણે બજારના ઘણા જાણીતા અને અગ્રણી શેર પણ જાણેઅજાણે તેની અંદર આબાદ ઝડપાઇ ગયા. તાજો દાખલો લઈએ તો બોમ્બે ડાઇંગ જેવી દિગ્ગજ મેનેજમેન્ટ ધરાવતી અને બીજી એવી અનેક કંપની પણ એએસએમ - જીએસએમમાં આવી જતા રોકાણકારમાં ગભરાટ વધી ગયો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer