ખોખાં કંપનીની આશંકા હેઠળ ગેરલાયક ઠરેલા 30,000 ડિરેક્ટર્સ ફરીથી કામ કરી શકશે


નવી દિલ્હી, તા. 17 જુલાઈ 
ખોખાં કંપનીઓને શોધીને તેને બંધ કરવાની પ્રક્રિયા હેઠળની 13,993 જેટલી કંપનીઓ હવે તેમના નામ ફરીથી રજિસ્ટ્રાર અૉફ કંપનીસ (આરઓસી)માં રિસ્ટોર કરવા પાત્ર બની છે. આ ઉપરાંત આ પ્રક્રિયાને કારણે ગેરલાયક ઠરાવાયેલા 30,000 વ્યક્તિઓ કંપનીના ડિરેર્ક્ટ્સ બનવા માટે ફરી ક્વોલિફાઈ બન્યાં છે. 
ખોખાં કંપનીઓને શોધવાના પહેલા તબક્કામાં 2,25,000 કંપનીઓ અને ત્રણ લાખ ડિરેક્ટર્સ સપાટામાં લેવાયા હતાં. આમાંથી 13,993 કંપનીઓ અને 30,000 ડિરેર્ક્ટ્સે આ સંબંધે સ્કીમ ફોર કન્ડોનેશન અૉફ ડિલે પ્રાપ્ત કરી હતી જે કોર્પોરેટ બાબત મંત્રાલય દ્વારા પાંચ મહિના સુધી ખુલ્લી હતી, એવું અધિકારીઓએ કહ્યું હતું. જેન્યુઈન કોર્પોરેટ્સને રિટર્ન ફાઈલ કરવામાં થયેલા વિલંબમાં મદદ કરવા માટે આ પગલું લેવાયું હતું.
મંત્રાલય ખોખાં કંપનીઓની બહેતર વ્યાખ્યા તૈયાર કરવા ઉપર પણ કામ કરી રહ્યું છે. આમાં વધુ પડતું લિવરેજિંગ, ટ્રાન્ઝેક્શન્સના રોટેશન અને ડિસપ્રપોર્શનેટ રોકાણનો સમાવેશ છે. 
પહેલી યાદીમાં જે કંપનીઓએ વાર્ષિક અહેવાલ અને રિટર્ન ફાઈલ કર્યા નહોતા તેને આધારે તેમનું કામકાજ અટકાવાયું હતું. બીજી યાદી 2,25,000 કંપનીઓની હતી જે ખોખાં કંપનીઓમાં આવે છે પણ તેની તપાસ હજી પૂરી થઈ નથી. સરકારે આમાંની ઘણી કંપનીઓના ટ્રાન્ઝેક્શન્સની વિગતો બૅન્ક્સ પાસેથી માગી છે. જોકે, આમાંની હજારો કંપનીઓ પાસે આવક વેરા વિભાગ દ્વારા અપાતો પર્મેનન્ટ એકાઉન્ટ નંબર (પેન) નથી. રૂા. 50,000થી વધુના કોઈ પણ ટ્રાન્ઝેક્શન માટે પેન ફરજિયાત છે. સરકાર પાસે અત્યાર સુધી 73,000 કંપનીઓની ટ્રાન્ઝેક્શન વિગતો છે. આ કંપનીઓએ નોટબંધી સમયે રૂા. 240 અબજ ડિપોઝીટ કર્યા હતાં. 
આવકવેરા વિભાગ તપાસ હેઠળની કેટલીક કંપનીઓ દ્વારા થયેલી અનિયમિતતા વિશે તપાસ કરી રહ્યો છે. ગયા વર્ષની 30 નવેમ્બરે ખોખાં કંપનીઓ માટેની ટાસ્ક ફોર્સની બેઠકમાં કોર્પોરેટ બાબતના ડિરેક્ટર જનરલે આવકવેરા વિભાગને આ કંપનીઓના રિવાઈવલ માટે આરઓસીનો સંપર્ક કરવાનું સૂચન કર્યું હતું. 
એવું સંભવ છે કે આરઓસીમાં રજિસ્ટર થયેલી 110 લાખ કંપનીઓમાંથી પાંચ લાખ સંપૂર્ણ કાર્યરત હોય. ખોખાં કંપનીઓ ઉપરાંત `લુપ્ત થતી' કંપનીઓ પણ મંત્રાલયની નજરમાં છે. શૅરબજારમાં લિસ્ટેડ હોવા છતાં 400 જેટલી કંપનીઓનો કોઈ પત્તો નથી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer