મિડકેપ આઈટી કંપનીઓ બહેતર સોદા માટે યુરોપમાં બિઝનેસ વધારી રહી છે


પુણે, તા. 17 જુલાઈ 
ભારતીય મિડ-કેપ આઈટી કંપનીઓ યુરોપમાં તેમની કામકાજ વિસ્તારી રહી છે. ક્લાયન્ટ્સ ખર્ચ ઘટાડવા અને કાર્યક્ષમતા વધારવા માટે આઉટસોર્સ કરી રહ્યાં હોવાથી આ કંપનીઓ આમ કરી રહી છે.
છેલ્લા 15 મહિનાથી પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ, કેપીઆઈટી ટેક્નૉલૉજીસ અને ઝેન્સાર ટેક્નૉલૉજીસ સહિતની કંપનીઓ બિન-અમેરિકન ક્ષેત્રોમાંથી મળતાં બિઝનેસનો હિસ્સો વધારવા માટે સક્રિય કામ કરી રહી છે. પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ યુરોપમાં વ્યાપ વધારવા માટે એક્વિઝિશન્સ અને ઓર્ગેનિક ગ્રોથના સંયોજન ઉપર આધાર રાખે છે. ગયા વર્ષે તેણે સ્વીસ કંપની પાકર્સ વેર્કને હસ્તગત કરી હતી, જે જર્મનીના ડાક વિસ્તાર, અૉસ્ટ્રિયા અને સ્વિત્ઝર્લેન્ડમાં મજબૂત હાજરી ધરાવે છે. કંપની આઈબીએમ વોટસન સાથેના સહયોગ દ્વારા જર્મનીમાં કામકાજ ધરાવે છે. કેપીઆઈટી ટેક્નૉલૉજીસના સીઈઓ કિશોર પાટીલે કહ્યું કે, ``અૉટોમોટિવ ક્ષેત્રે ધ્યાન કેન્દ્રિત હોવાથી અમે જર્મનીને મહત્ત્વ આપ્યું છે. મ્યુનિચ અમારું યુરોપિયન મુખ્યાલય છે, જ્યાં અમારી પાસે માઈક્રોફઝી પણ છે. આ ઉપરાંત અમે યુરોપમાં શૈક્ષણિક ક્ષેત્રે યુકેની કોવેન્ટ્રી યુનિવર્સિટી સાથે સહયોગ દ્વારા રોકાણ કરી રહ્યાં છીએ''.
ગયા વર્ષે યુરોપિયન બિઝનેસ 30 ટકા કરતાં વધુ વધ્યો હતો, હવે તેની આવકના 20 ટકા જેટલો જ ફાળો છે, જે બે વર્ષ પહેલાં 17.64 ટકા હતો. આ જ ગાળા દરમિયાન યુએસમાં વૃદ્ધિ ધીમી પડીને 2.29 ટકા થઈ હતી જેને કારણે તેનો ફાળો 63.17 ટકા હતો, જે બે વર્ષ પહેલાં 68.76 ટકા હતો.
એનલિસ્ટ્સનું કહેવું છે કે યુરોપિયન કંપનીઓ ટેક્નૉલૉજીમાં બદલાવ આવવાથી ખર્ચમાં કાપ મૂકી રહી છે અને ભારતના મધ્યમ શહેરોમાંની કંપનીઓ ઉપર ધ્યાન આપી રહી છે જે તેમને ડિજિટલના નવા ક્ષેત્રે સ્પર્ધાત્મક બની રહેવા સર્વિસ આપી શકે.
એચડીએફસી સિક્યુરિટીસના આઈટી એનલિસ્ટ અમિત ચંદ્રાએ કહ્યું કે, ``યુએસમાં આઈટી માટેનો ખર્ચ ખાસ કરીને બીએફએસઆઈ ક્ષેત્રે ઘટી રહ્યો છે. આ સામે યુકે અને યુરોપમાં ડિજિટલ માટેનો ખર્ચ વધી રહ્યો છે કારણકે તેઓ ખર્ચ ઘટાડા અને ગ્રાહક અનુભવ ખાસ કરીને રિટેલ ક્ષેત્રે, વધારવા માગે છે. યુએસમાં મોટા ભાગનું ડિજિટલ કામકાજ સ્ટાર્ટઅપ્સ અને અન્ય નાની કંપનીઓને મળી રહ્યું છે, જેને કારણે મિડકેપ અને નાની આઈટી કંપનીઓ સ્થાનિક બજારને આકર્ષવામાં સમસ્યા અનુભવી રહી છે''. આ ઘટકોને ધ્યાનમાં રાખતાં બજારમાં વૃદ્ધિ જાળવી રાખવા માટે મિડકેપ કંપનીઓએ વૈવિધ્યકરણ કરવાની સાથે અન્ય બજારોમાં વિસ્તરણ ઉપર ધ્યાન આપવું પડશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer