હીરા કૌભાંડમાં નાણાંનું પગેરું શોધતી ડીઆરઆઇ

 
એજન્સીસ
મુંબઈ, તા. 17 જુલાઈ
ધી ડિરેક્ટોરેટ અૉફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ) હીરાના વેપારમાં કહેવાતા મની લોન્ડરિંગ કૌભાંડની તપાસમાં આગળ વધી રહી છે. બે ડાયમંડ વેપારીઓનાં 11 ખાતામાં જમા થયેલાં નાણાંનાં મૂળિયાં એજન્સી શોધી રહી છે. આ બે ડાયમંડ વેપારીઓએ આયાત થતા રફ ડાયમંડની મૂળ કિંમત 160 ગણી વધુ દર્શાવી હતી. આ વેપારીઓને સુવિધા કરી આપવાની શંકા પરથી કસ્ટમ અધિકારીઓનાં નિવેદનો પણ એજન્સી લઈ રહી છે.
બે સુરતસ્થિત આયાતકારોએ દુબઈ અને હૉંગકૉંગથી ભારત ડાયમંડ બુર્સ (બીડીબી)માં આયાત કરી હતી. તે રફ ડાયમંડના 14 કન્સાઈન્મેન્ટો ડીઆરઆઈએ જપ્ત કર્યાં છે. ક્લીયરીંગ હાઉસ એજન્ટને ડિલિવરી અપાઈ રહી હતી તે ટાંકણે જ આ કન્સાઇન્મેન્ટો જપ્ત કરાયા હતા. ડીઆરઆઈએ શોધી કાઢયું હતું કે આયાતી સામાનની મૂળ વેલ્યૂ રૂા. 1 કરોડની સામે જાહેર કરાયેલી વેલ્યૂ રૂા. 156 કરોડની હતી. બે આયાતકારો ભારતમાં સંતાયા હોવાનું જાણવા મળે છે. આમાં તફાવતના રૂા. 155 કરોડ કાળાં નાણાં છે જે દેશ છોડી બહાર જવાના હતા.
ડીઆરઆઈ હવે નાણાંનું પગેરું પકડી તેનાં મૂળિયાં શોધી રહી છે. ક્યા ખાતામાંથી આ રૂા. 155 કરોડ આયાતકારોના ખાતામાં ટ્રાન્સફર કરાયા હતા તેની શોધ કરાઈ રહી છે. આ ફંડ ખાતેદારોનું છે કે બીજા હેતુ માટે લેવાયેલી બૅન્ક લોનનો ભાગ છે તે એજન્સી શોધી રહી છે. સૂચિત લોન્ડરિંગ માટે આયાતકારને 4 ટકા એડ કમિશન મળ્યું હતું, એમ એજન્સીના અધિકારીએ જણાવ્યું હતું. હવે આ બાબતની તપાસ ડીઆરઆઈ પૂરી કરશે પછી આવકવેરા અધિકારીઓ મની લોન્ડરિંગ બાજુની તપાસ હાથ ધરશે. ડીઆરઆઈનો અત્યારે અંદાજ એવો છે કે ટ્રેડ આધારિત મની લોન્ડરિંગ કૌભાંડ રૂા. 2000 કરોડથી વધુનો છે. આમાં અન્ય આયાતકારોની અને કસ્ટમ માટેના એમપેનલ્ડ વેલ્યુઅરોની સંડોવણી હોવાની શક્યતા છે.
કસ્ટમે 40 વેલ્યુઅરોને એમપેનલ પર લીધેલા છે અને તેમાંના અમુક તો ધી જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રોમોશન કાઉન્સિલની ભલામણના આધારે લેવાયા હતા. આ વેલ્યુઅરો ટ્રેડના હતા અને તે માનદ સેવા આપતા હતા.
જપ્ત કરેલા કન્સાઇન્મેન્ટના કેસમાં ડીઆરઆઈએ 3 માનદ વેલ્યુઅરોની ધરપકડ કરી છે અને તેમની સામે આયાતકારો જોડે સાઠગાંઠ કર્યાનો આરોપ છે. કસ્ટમે તેની પેનલમાં જે 40 વેલ્યુઅરો નિયુક્ત કર્યા છે તેમાંથી બે વેલ્યુઅરો બીડીબીના ભૂતપૂર્વ સેક્રેટરી છે અને જીજેઈપીસીની ભલામણથી તેમને લેવાયા હતા. આ સાથે ક્લીયરિંગ અને ફોરવર્ડિંગ એજન્ટની ધરપકડ કરાઈ છે.
જીજેઈપીસીએ કહ્યું છે કે તેની ભલામણ કરાયેલા વેલ્યુઅરોમાંના એક વેલ્યુઅરે જ આ કૌભાંડ ખુલ્લું પાડયું છે. આમ છતાં ડીઆરઆઈ કહે છે કે આ બાબત તેના રડાર પર હતી જ. ડીઆરઆઈએ ડેટા જીજેઈપીસી પાસેથી મેળવ્યા છે જે ઘણા ઉપયોગી છે. આમ છતાં ડીઆરઆઈની પોતાના ખબરી નેટવર્કના આધારે કેસ ફાઇલ કરાયો છે, એમ ડીઆરઆઈના વધારાના ડાયરેક્ટર-જનરલ શ્રવણકુમારે જણાવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer