સચરાચર વરસાદથી સૌરાષ્ટ્રમાં ખેતી વેગવાન : ખેડૂતોને રાહત

સચરાચર વરસાદથી સૌરાષ્ટ્રમાં ખેતી વેગવાન : ખેડૂતોને રાહત
 
મગફળી અને કપાસનાં વાવેતર વધવા લાગ્યાં : ખાધ સાંકડી થઇ
 
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 17 જુલાઈ
સાર્વત્રિક વરસાદે સૌરાષ્ટ્રની ખેતીના જીવમાં જીવ લાવી દીધો છે. જુલાઇ અર્ધો વિતી જવા છતાં વાવણીલાયક વરસાદની ઠેકઠેકાણે ખેંચ હતી. પરંતુ છેલ્લા પાંચ દિવસની મેઘમહેર ખરીફ પાકની સ્થિતિ સુધારશે. ખેડૂતોએ પણ વાવણીનો જોશભેર આરંભ કરી દીધો છે. છતાં ગુજરાતમાં હજુ પાછલા વર્ષની તુલનાએ વાવેતરની ખાધ 37 ટકા જેટલી પહોળી છે.
કૃષિ વિભાગના કહેવા પ્રમાણે 38.71 લાખ હેક્ટરમાં ખરીફ વાવેતર થઇ ગયું છે. ગયા વર્ષમાં આ સમયે 60.62 લાખ હેક્ટરમાં વાવણી હતી. સૌરાષ્ટ્રના ખેડૂતોની પસંદગી કપાસ અને મગફળી ઉપર છે. જોકે, કઠોળ અને જાડાં ધાન્યોના ટેકાના ભાવમાં પણ સરકારે વધારો કર્યો છે તેના વાવેતર પણ વધશે. જોકે, કેટલાક વિસ્તારોમાં પડેલા ભારે વરસાદથી અમુક ખેતરો પણ ધોવાઇ ગયા છે. જોકે, પાણીની સમસ્યા ઘણે અંશે દૂર થઇ ગઇ છે.
છેલ્લા એક અઠવાડિયાના વરસાદને લીધે જ્યાં વાવેતર થઇ ગયા હતા તે વિસ્તારોમાં પાકને ફાયદો મળ્યો છે. જ્યાં વાવણી થઇ નથી ત્યાં પણ હવે ઝડપભેર પાક લેવાશે.
ગુજરાતમાં કપાસના વાવેતર અંગે સૌથી વધારે ચિંતા હતી. સરકારી આંકડાઓ પ્રમાણે 17.22 લાખ હેક્ટરમાં વાવણી થઇ ગઇ છે. પાછલા વર્ષમાં 24.46 લાખ હેક્ટરમાં વાવેતર હતું. સામાન્ય વિસ્તાર 26 લાખ હેક્ટરનો છે.
મગફળીમાં હજુ ખાસ પ્રગતિ નથી. 14.98 સામે 8.77 લાખ હેક્ટરમાં જ વાવેતર થયું છે. સામાન્ય વિસ્તાર 15.12 લાખ હેક્ટરનો છે. ખેડૂતો કહે છે, જાડી અને ઝીણી બન્ને પ્રકારની મગફળીનું વાવેતર હવે સરળતાથી થઇ શકે તેમ છે. જામનગર, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લામાં વરસાદની હજુ ખાધ છે એટલે વાવેતરની પ્રગતિ ધીમી છે. જોકે, હજુ બે દિવસ વરસાદની આગાહી છે એટલે ખેડૂતોને ધરપત છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer