ખાંડનું વૈશ્વિક ઉત્પાદન આ વર્ષે વિક્રમ તોડશે : ફાઓ

ખાંડનું વૈશ્વિક ઉત્પાદન આ વર્ષે વિક્રમ તોડશે : ફાઓ

નવી દિલ્હી, તા. 17 જુલાઈ
દુનિયામાં ખાંડનું ઉત્પાદન આ વર્ષે 1876 લાખ ટનની વિક્રમ સપાટીએ પહોંચવાની સંભાવના યુનોના ફૂડ ઍન્ડ એગ્રિકલ્ચર અૉર્ગેનાઇઝેશન (ફાઓ)એ વ્યક્ત કરી છે. ભારત, યુરોપિયન યુનિયન, થાઈલૅન્ડ અને ચીનમાં ઉત્પાદન વધવાથી ખાંડનો આંતરરાષ્ટ્રીય વ્યાપાર ગયા વર્ષના (અૉક્ટોબર 2016 સપ્ટેમ્બર 2017) 579 લાખ ટનથી 4.10 ટકા ઘટીને આ વર્ષે 555 લાખ ટન થવાની શક્યતા છે એમ ફાઓનો અહેવાલ જણાવે છે. 2016-'17માં ખાંડનું જાગતિક ઉત્પાદન 1689 લાખ ટન હતું. આ વર્ષે વપરાશ કરતાં ઉત્પાદન વધારે હોવાથી વર્ષના અંતે અત્યાર સુધીની સૌથી મોટી પુરાંત બાકી રહેવાની ધારણા છે.
બ્રાઝિલ અને અૉસ્ટ્રેલિયાના ઉત્પાદનમાં થયેલો ઘટાડો ભારત, યુરોપિયન યુનિયન, થાઈલૅન્ડ અને ચીનના ઉત્પાદનમાં થયેલા વધારાથી સરભર થઈ જશે એમ ફાઓનો અહેવાલ જણાવે છે.
2017-'18 પાક વર્ષમાં ખાંડનો જાગરિક વપરાશ ગયા વર્ષના 1668 લાખ ટનથી વધીને 1606 લાખ ટન થવાનો ફાઓનો અંદાજ છે. `અનેક વિકાસશીલ દેશોમાં નીચા સ્થાનિક ભાવ, પુરવઠાની સુલભતા અને આર્થિક વિકાસને પગલે ખાંડનો વપરાશ વધ્યો હોવાથી જાગતિક વપરાશ લાંબા ગાળાની તરાહ અનુસાર વધવાની શક્યતા છે' એમ અહેવાલ જણાવે છે.
ખાસ કરીને આફ્રિકા, એશિયા અને દક્ષિણ અમેરિકામાં ખાંડનો વપરાશ નોંધપાત્ર હશે એમ અહેવાલ જણાવે છે. ખાંડના આંતરરાષ્ટ્રીય વેપાર વિશે અહેવાલ કહે છે કે સામાન્ય રીતે ખાંડની આયાત કરનારા દેશોમાં આ વર્ષે સ્થાનિક પુરવઠો પૂરતો હોવાથી આંતરરાષ્ટ્રીય માગમાં ઘટાડો થવાની ધારણા છે.
કેટલીક મહત્ત્વની બજારોમાં આયાત પર નિયંત્રણો મૂકાયા હોવાથી પણ વેપાર સંકોચાવાની શક્યતા છે, એમ અહેવાલ જણાવે છે. દુનિયામાં ખાંડના સૌથી મોટા ઉત્પાદક અને નિકાસકાર દેશ બ્રાઝિલની નિકાસ આ વર્ષે ઘટશે પણ બીજા ક્રમના ઉત્પાદક થાઈલૅન્ડમાં માલની છૂટ હોવાથી તે વધારે નિકાસ કરશે.
યુરોપિયન યુનિયનમાં ખાંડના કવોટાની પ્રથાને તિલાંજલિ અપાઈ હોવાથી તેણે ખાંડના ચાર મોટા નિકાસકારોમાં ફરીથી સ્થાન મેળવ્યું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer