રૂપિયા અને તાંબાની વધઘટથી જામનગરનો બ્રાસ પાર્ટ્સ ઉદ્યોગ બેવડી ભીંસમાં

રૂપિયા અને તાંબાની વધઘટથી જામનગરનો બ્રાસ પાર્ટ્સ ઉદ્યોગ બેવડી ભીંસમાં
બ્રાસ પાર્ટ્સ માટે મિનિ ચાઈના કહેવાતો આ વિસ્તાર વૈશ્વિક કેન્દ્ર બની શકે તેમ છે
 
સૈફી રંગવાલા
મુંબઈ, 17 જુલાઈ
તાંબા ભંગારના આયાતકારો અને રિસાઇકલિંગથી લઈ ફિનિશ્ડમાંથી પાર્ટ્સનું ઉત્પાદન કરતા જામનગરના એકમો પરની ભીંસ વધી છે. ડૉલરની સામે રૂપિયાનું મૂલ્ય છેલ્લા છ મહિનામાં 5.7 ટકા ઘટી જવાથી હવે યુરોપ-જર્મની અને અમેરિકાથી આયાત કરાતા તાંબા-ભંગારના ભાવમાં 3 ટકાનો વધારો થયો છે. જેથી એક લાખ ટન તાંબા ભંગારનો ઉપયોગ કરતાં જામનગરના 4000 નાના-મધ્યમ એકમોની નાણાભીડ વધી છે. તેમની પડતર ઊંચકાઈ છે. તેની સામે અગાઉના પેન્ડિંગ અૉર્ડર રવાના કરવામાં મોટી સમસ્યા તો છે, પરંતુ નવા અૉર્ડર (સ્થાનિક-નિકાસ બંને)માં ભાવ તફાવતની ગૂંચ ઊભી થવાથી ઉદ્યોજકો ગૂંચવાયા છે.
અગાઉ નોટબંધી અને જીએસટીના કડવા અનુભવમાંથી માંડ કળ વળતાં હવે જામનગરનો મીની આયનો ગણાતો દેશનો સૌથી મોટો પિત્તળ અને તાંબાના પાર્ટ્સ બનાવતો ઉદ્યોગ બેવડી ભીંસમાં સપડાઈ ગયો છે, એમ પીઢ અનુભવી ઉદ્યોજકોએ તેમનો ઊભરો ઠાલવતાં જણાવ્યું છે. જામનગર આજે દેશના તાંબા-પિત્તળના કુલ ઉત્પાદનોમાં 80 ટકાનો મહત્તમ હિસ્સો ધરાવે છે. તેમાં પાર્ટ્સનું ઉત્પાદન કરનાર 90 ટકા એકમો ગૃહ અથવા કુટિર અને નાના ઉદ્યોગ સ્તરના છે. તે અંદાજે 2 લાખથી વધુ લોકોને રોજગારી આપે છે. આ એકમોની સૌથી નોંધપાત્ર બાબત એ છે કે 95 ટકા એકમો સ્વબળે ઊભા થયેલા અને સ્વાવલંબી છે. તેમણે ભાગ્યે જ કેન્દ્ર અથવા રાજ્ય સરકારની કોઈ સહાય લીધી હશે. બીજું જામનગરમાં દેશના બિહાર, ઉત્તર પ્રદેશ અને દક્ષિણ ભારત સહિતના અનેક કામગારો રોજગારી રળે છે. ભાતીગણ સંસ્કૃતિ સાથે કાર્યરત બ્રાસ ઉદ્યોગ તરફ કમનસીબે અત્યાર સુધી ગુજરાત કે કેન્દ્ર સરકારે કયાં તો ધ્યાન આપ્યું નથી અથવા તેનું મહત્ત્વ સમજાયું નથી. એમ સ્થાનિક ઉદ્યોજકે જણાવ્યું છે.
સરકારનું મેઈક ઇન ઇન્ડિયાનું સૌથી મહત્ત્વપૂર્ણ કેન્દ્ર બની શકવાની ક્ષમતા ધરાવતા બ્રાસ ઉદ્યોગ પર હવે પૂરતું લક્ષ્ય અપાય તો ગુણવત્તામાં અગાઉથી જ ચીન સામે ટક્કર લેતા તેના નિકાસ કેન્દ્રિત એકમો સમગ્ર અર્થવ્યવસ્થાને સુદૃઢ કરવામાં પણ સહાયરૂપ થઈ શકે છે. છેલ્લા 30 વર્ષથી આગવી પદ્ધતિ અને કુશળતાને લીધે અહીંના સંખ્યાબંધ એકમો ફોર્ડ અને મર્સિડીઝ સુધીની મોંઘી કારના પાર્ટ્સ નિકાસ કરે જ છે. પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં ચીનની વિશાળ ઉત્પાદન ક્ષમતા સામે જામનગરના એકમો અનેક સ્તરે સ્પર્ધાત્મક રહેતા નથી. હવે રૂપિયા અને તાંબાની ભાવની અફરાતફરીને લીધે આ સમગ્ર ઉદ્યોગ વધુ નાણાભીંસમાં ફસાયો છે. ગુજરાત અને કેન્દ્ર સરકારે જામનગર તરફ વિશેષ ધ્યાન આપવાની તાતી જરૂર છે. એમ સ્થાનિક સ્તરે ત્રણ નાના યુનિટના સંચાલકે જણાવ્યું હતું.
જામનગર એકઝીમ મર્ચન્ટ્સ ઍસોસિયેશનના પ્રમુખ અને અગ્રણી આયાતકાર કાન્તિભાઈ જોષીએ જણાવ્યું કે `રૂપિયા અને તાંબાના ભાવની વધઘટની આંધીનો ભોગ ગૃહ અને કુટીર ઉદ્યોગ સંચાલકો બની રહ્યા છે. મોટા ઉદ્યોજક - આયાતકાર હેજીંગ કરી શકે છે. પરંતુ તદ્દન નાના પાયે ચાલતા અમારા મોટા ભાગનાં યુનિટોની સમસ્યા વધી છે. ચીનના ભાવ કરતાં વિદેશી ભંગાર નિકાસકારો ઊંચા ભાવે માલ આપતા હોવાથી પણ સ્પર્ધામાં તેમને માલ વેચવાની પણ તકલીફ છે.'

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer