નવી લેવાલીને પગલે શૅરબજારમાં ફૂલગુલાબી તેજી

નવી લેવાલીને પગલે શૅરબજારમાં ફૂલગુલાબી તેજી

સેન્સેક્ષ 196 અને નિફ્ટી 71 પૉઈન્ટ્સ વધ્યો
 
વ્યાપાર ટીમ
મુંબઈ, તા.17 જુલાઈ
એનર્જી, બૅન્ક, અૉટો, ફાર્મા અને મેટલ ક્ષેત્રમાં જોરદાર કામકાજને પગલે સેન્સેક્ષ 196 પોઈન્ટ્સ અને નિફ્ટી 71 પોઈન્ટ્સ વધ્યો હતો. ડૉલર સામે રૂપિયો મજબૂત બન્યો હતો. વૈશ્વિક સંકેતો મિશ્ર હોવા છતાં ધારણા કરતા સારા ત્રિમાસિક નાણાકીય પરિણામોનો આશાવાદ હતો. દેશના રિટેલ અને હોલસેલ ફુગાવાના વધતા આંકડા અને રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયા (આરબીઆઈ) આગામી પૉલિસી મિટિંગમાં વ્યાજ દરમાં વધારો કરશે એવી આશાએ ગત સત્રમાં બજાર તૂટયું હતું. પરંતુ આજે મોટા ભાગનાં તમામ ક્ષેત્રોમાં રોકાણકારોને નવી લેવાલી કાઢતાં બજાર સકારાત્મક રહ્યું હતું. મોટા ભાગનાં તમામ ક્ષેત્રોમાં રોકાણકારોએ નવી લેવાલી કાઢી હતી. એફએમસીજી અને આઈટી સિવાયનાં તમામ ક્ષેત્રોના શૅર્સ તેજીતરફી રહ્યા હતા. અમેરિકાના ફેડરલ રિઝર્વ ચૅરમૅન જેરોમ પોવેલની પ્રથમ કૉંગ્રેશનલ ટેસ્ટીમોનીમાં વ્યાજ દરમાં વધારા અંગે સંકેતોની આશાએ પણ બજારમાં ઉત્સાહ જાગ્યો હતો. નિફ્ટીમાં આજે 39 શૅર્સ વધ્યા હતા અને 11 શૅર્સ ઘટયા હતા. 
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈસીઆઈસીઆઈ બૅન્ક, એસબીઆઈ, એક્સિસ બૅન્ક અને મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર જેવા સૂચકાંકોમાં વધુ ભારણ ધરાવતા શૅર્સમાં ભારે લેવાલીને પગલે સૂચકાંકોને વેગ મળ્યો હતો.
ક્ષેત્રવાર સૂચકાંકોમાં ફક્ત નિફ્ટી એફએમસીજીની કામગીરી નબળી રહી હતી. આ સૂચકાંક એક ટકા જેટલો ઘટયો હતો, કેમ કે હિન્દુસ્તાન યુનિલિવર, કોલગેટ પાલમોલિવ (ઇન્ડિયા), બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝ, મેરિકો અને આઈટીસીના શૅર્સમાં ઘટાડો થયો હતો. એનએસઈમાં 282 શૅર્સ 52 અઠવાડિયાની નીચલી સપાટીએ હતા. ફક્ત 16 શૅર્સ બાવન અઠવાડિયાની ટોચને સ્પર્શવામાં સફળ રહ્યા હતા. 
એચપીસીએલ, ઇન્ડિયન અૉઈલ કોર્પોરેશન, બીપીસીએલ, હિન્દાલકો ઈન્ડસ્ટ્રીઝ, ઍક્સિસ બૅન્ક અને સ્ટેટ બૅન્ક અૉફ ઇન્ડિયાની કામગીરી સારી રહી હતી. જ્યારે નિફ્ટી સૂચકાંકમાં હિન્દુસ્તાન યુનિલિવર, ભારતી એરટેલ, ડૉ.રેડ્ડી'સ લેબોરેટરીઝ, ટેક મહિન્દ્રા, આઈશર મોટર્સ અને ઈન્ડસઈન્ડ બૅન્ક સૌથી વધુ ઘટયા હતા. 
અફડાતફડીવાળા શૅર્સ
દૂધના ભાવ બાબતે આંદોલન થતા સરકારે ડેરી નિકાસમાં 10 ટકા ઈનસેન્ટિવ જાહેર કરતા પ્રભાત ડેરીનો શૅર 13 ટકા અને પરાગ મિલ્કનો શૅર પાંચ ટકા જેટલો વધ્યો હતો.  અવંતી અને કલ્પતરુ પાવરનાં ઈન્સાઈડ ટ્રેડિંગ જોવા મળ્યું હતું. અવંતિ ફિડ્સના ડિરેક્ટર સૂર્યા પ્રકાશ રાવ મુલાકાએ બજાર ખરીદીના માધ્યમથી પાંચ ટકા ઈક્વિટી શૅર્સ હસ્તગત કર્યા છે. કલપતરું પાવર ટ્રાન્સમિશનની પ્રમોટર ગ્રુપ કલ્પતરું કન્સ્ટ્રક્શન્સે 5,00,000 શૅર્સ પ્લેજ્ડ કર્યા છે. અૉઈલ માર્કેટિંગ કંપનીઓના શૅર્સ જેવા એચપીસીએલ 6.31 ટકા, ઇન્ડિયન અૉઈલ કોર્પોરેશન 4.26 ટકા, બીપીસીએલ 2.97 ટકા અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શૅર 1.44 ટકા વધ્યો હતો. 
નેસલેનું એમ-કૅપ રૂા. 1 લાખ કરોડને પાર
એફએમસીજી ક્ષેત્રની અગ્રણી કંપની નેસલેનું માર્કેટ કૅપિટલાઈઝેશન રૂા. 1 લાખ કરોડને પાર ગયું હતું. સત્રના અંતે તેમનું એમ-કૅપ રૂા. 1,01,622 કરોડનું હતું. બીએસઈમાં આ શૅર 3.23 ટકા વધીને રૂા. 10,540 ઉપર બંધ રહ્યો હતો. જ્યારે આ વર્ષમાં અત્યાર સુધીમાં શૅર 34 ટકા જેટલો વધ્યો છે. 
આઈડીયા, આરબીએલ બૅન્કમાં બ્લોક ડિલ
બ્લોક ડિલ દ્વારા 50 લાખ શૅર્સની આપ-લે પછી આઈડિયા સેલ્યુલરનો શૅર 0.48 ટકા વધ્યો હતો. જ્યારે આરબીએલ બૅન્કમાં સિંગલ બ્લોક દ્વારા 11.5 લાખ શૅર્સની આપ-લે પછી અંતે 2.55 ટકા વધ્યો હતો. 
ફેડરલ બૅન્કનો શૅર પરિણામો બાદ 19 ટકા વધ્યો
ફેડરલ બૅન્કનો જૂન અંતના ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 25 ટકા વધ્યા બાદ શૅર્સ 19 ટકા જેટલો વધ્યો હતો. બૅન્કનો ચોખ્ખો નફો રૂા. 262.71 કરોડનો હતો. 
ટોચના વોલ્યુમ ધરાવનારા શૅર્સ
ઉત્તમ વેલ્યુ સ્ટીલ્સ, ફેડરલ બૅન્ક, રિલાયન્સ કમ્યુનિકેશન્સ, પીસી જ્વેલર, અદાણી પાવર, અશોક લેલેન્ડ અને આઈડીબીઆઈ બૅન્કમાં સૌથી વધુ વોલ્યુમ રહ્યું હતું.
બાવન અઠવાડિયાંની નીચલી સપાટી
બેન્ચમાર્ક સૂચકાંકો આજે મજબૂત રહ્યા હોવા છતાં 282 શૅર્સ બાવન અઠવાડિયાની નીચલી સપાટીને સ્પર્શી હતી. જેમાં એબીજી શિપયાર્ડ, એસીસી, એમટેક અૉટો, અંબુજા સિમેન્ટ્સ, અતુલ અૉટો અને બૅન્ક અૉફ ઇન્ડિયાનો સમાવેશ છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer