આક્રમક બનતું `દૂધ આંદોલન'' મુંબઈ-પુણેમાં દૂધનો પુરવઠો ખોરવાય એવી આશંકા

આક્રમક બનતું `દૂધ આંદોલન'' મુંબઈ-પુણેમાં દૂધનો પુરવઠો ખોરવાય એવી આશંકા
  • સપ્લાય ઉપર અસર નહીં થાય એવી મુખ્ય પ્રધાનની ખાતરી, વિપક્ષનો વૉકઆઉટ
  • આંદોલનને પગલે અમૂલ અને ગોકુલે દૂધ ઉત્પાદકો પાસેથી કલેક્શન બંધ કર્યું
મુંબઈ, તા. 17, જુલાઈ
દૂધના વધુ ભાવ તેમ જ વિશેષ સબસિડીની માગણીના મુદ્દે દૂધ ઉત્પાદકો અને સરકાર વચ્ચેની મડાગાંઠ હજી ઊકલી નથી. રાજુ શેટ્ટીની આગેવાની હેઠળની સ્વાભિમાની શેતકરી સંઘટના (એસએસએસ) દ્વારા જાહેર કરાયેલી દૂધ હડતાળનો આજે બીજો દિવસ હતો. ગુસ્સે ભરાયેલા આંદોલનકર્તાઓએ પુણે, નાશિક, અહમદનગર, બુલઢાણા, જળગાંવ અને રાજ્યમાં અન્ય કેટલાંક સ્થળોએ દૂધનાં ટૅન્કર્સ અટકાવ્યાં હતાં અને એને રસ્તાઓ ઉપર ઢોળીને વિરોધ દર્શાવ્યો હતો. 
મહારાષ્ટ્રના પશ્ચિમ વિસ્તારો - કોલ્હાપુર, સાંગલી, સાતારા અને પુણે આંદોલનનાં મુખ્ય કેન્દ્રો છે. અહીંના મોટા ભાગના દૂધ ઉત્પાદકો અને સપ્લાયર્સ મુંબઈ તેમ જ અન્ય મુખ્ય શહેરોમાં દૂધ મોકલાવે છે. આ જિલ્લાઓ ઉપરાંત અહમદનગર, નાશિક, જળગાંવ, નાંદેડ અને પરભણી જિલ્લાઓ પણ મોટા પાયે દૂધ ઉત્પાદન કરે છે. આંદોલનકર્તાઓનો દાવો છે કે હડતાળના પહેલા દિવસે સોમવારે રાજ્યમાં દૂધનું કલેક્શન 10 ટકા ઘટયું હતું, જેના પગલે આગામી બે-ત્રણ દિવસમાં મુંબઈ અને પુણેમાં દૂધની અછત વર્તાશે. એસએસએસના પ્રવક્તા યોગેશ પાંડેએ જણાવ્યું હતું કે ``અમે પંદરેક દિવસ અગાઉ પિટિશન દાખલ કરી હોવા છતાં અમને હજી સુધી સરકાર તરફથી વાતચીત માટે કોઈ દરખાસ્ત મળી નથી. સરકારે કડક વલણ અપનાવ્યું છે અને અમારા કેટલાક કાર્યકરોની ધરપકડ કરી છે.''
ડેરીઓએ દૂધનો જથ્થો ભરી લીધો હોવાથી સોમવારે દૂધની સપ્લાય ઉપર કોઈ અસર જોવા મળી નહોતી, પરંતુ જો દૂધ ઉત્પાદકોનું આંદોલન ચાલુ રહેશે તો હવે શહેરોમાં દૂધની અછત વર્તાવા માંડશે. પુણે ડિસ્ટ્રિક્ટ મિલ્ક પ્રોડયુસર્સ ફેડરેશનના ચૅરમૅન વિષ્ણુ હિંગેએ જણાવ્યું હતું કે સોમવારે દૂધનું કલેક્શન 90 ટકા ઘટયું હતું, જેના પગલે આગામી બે-ત્રણ દિવસમાં દૂધનો પુરવઠો ખોરવાશે. 
રાજ્યમાં કેટલાંક સ્થળોએ એસએસએસના કાર્યકર્તાઓએ કેટલાંક સ્થળોએ દૂધ લઈ જતાં ટૅન્કર્સ અટકાવીને રસ્તાઓ ઉપર એ ટૅન્કર્સ ખાલી કર્યાં હતાં, જ્યારે કેટલાંક સ્થળોએ દૂધ વિનામૂલ્યે વહેંચવામાં આવ્યું હતું. સોલાપુરમાં ખેડૂતોએ વિરોધ દર્શાવવા દૂધથી સ્નાન કર્યું હતું. પુણે-સોલાપુર રોડ ઉપર દૂધની છ ટ્રક રોકવામાં આવી હતી અને કેટલાંક સ્થળે દૂધનાં પૅકેટ્સ ફેંકવામાં આવ્યાં હતાં. પુણેમાં કેટલાંક ઠેકાણે દૂધનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.
વાશિમ જિલ્લામાં માલેગાંવ ખાતે એક દૂધ ટૅન્કર સળગાવી દેવાના અહેવાલ પણ હતા. સાંગલી જિલ્લાના વાલ્વા તાલુકામાં એસએસએસના કાર્યકર્તાઓએ શાળાએ જતા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે દૂધ વહેંચ્યું હતું. સાતારા જિલ્લાના ખટાવ ખાતે પંઢરપુર જતા યાત્રાળુઓને દૂધ વહેંચવામાં આવ્યું હતું. શિરગાંવમાં પણ શાળાઓમાં દૂધ વહેંચાયું હતું. અમૂલ ડેરીએ પાલઘર જિલ્લામાં વસઈ-વિરારમાંથી દૂધ કલેક્શન અટકાવ્યું હોવાના અહેવાલ હતા. મુંબઈમાં અમૂલ સૌથી મોટી દૂધ સપ્લાયર છે અને એણે દૂધ ઉત્પાદકો પાસેથી દૂધ એકત્ર નહીં કરવાનો નિર્ણય લીધો છે. મુંબઈમાં દરરોજ 55 લાખ પાઉચ દૂધ વેચાય છે, જેમાં અમૂલ 30 ટકા બજારહિસ્સો ધરાવે છે અને એ પછી કોલ્હાપુરની  બ્રાન્ડ ગોકુલનો બજારહિસ્સો છે. ગોકુલે પણ આંદોલનમાં જોડાવાનો નિર્ણય લીધો છે અને એણે સોમવારથી 12 લાખ લિટર દૂધનું કલેક્શન અટકાવી દીધું છે. 
અખિલ ભારતીય કિસાન સભાના અજિત નવલેએ જણાવ્યું હતું કે જો સરકાર વધુ ઊંચા ભાવે દૂધ નહીં લે અથવા તો દૂધ ઉત્પાદકોને કોઈ વિશેષ સબસિડી નહીં આપે તો આંદોલન વધુ આક્રમક બનશે.
દૂધ ઉત્પાદકો લિટરદીઠ પાંચ રૂપિયાનો ભાવવધારો માગે છે. એસએસએસના નેતૃત્વ હેઠળ તેમણે 16 જુલાઈથી સમગ્ર રાજ્યમાં દૂધની સપ્લાય અટકાવીને આંદોલન છેડયું છે. રાજુ શેટ્ટીએ જણાવ્યું હતું કે ખેડૂતો લિટરદીઠ 17 રૂપિયાના ભાવે ડેરીઓને દૂધ વેચે છે. દૂધ ઉપર પ્રોસેસ કરીને પાઉચમાં પૅક કરીને ડેરી એને લિટરદીઠ રૂા. 42ના ભાવે વેચે છે. કમાણીનો આ તફાવત દૂધ ઉત્પાદકને પહોંચતો નથી. 
મંગળવારે મહારાષ્ટ્ર વિધાનસભામાં દૂધ ઉત્પાદકોના આંદોલનને ટેકો આપતાં વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો અને સરકાર ઉપર ખેડૂતવિરોધી અને પક્ષપાતી હોવાના આક્ષેપો સાથે વૉકઆઉટ કર્યો હતો.
રાજ્ય સરકારે દૂધ ઉત્પાદકો-સપ્લાયર્સના આ આંદોલનને નામંજૂર કર્યું હતું અને કોઈ પણ મુદ્દે વાતચીત માટે તૈયારી દર્શાવી હતી. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે લોકોને આશ્વાસન આપતાં સરકાર કોઈ પણ મુદ્દે અહંકારી વલણ ન ધરાવતી હોવાનું જણાવીને દૂધની સપ્લાય ખોરવાશે નહીં એની તેમણે ખાતરી આપી હતી.
આંદોલનની આરપાર
મુખ્ય પ્રધાને રાજુ શેટ્ટીની માગણી ફગાવી
મહારાષ્ટ્રમાં દૂધના કુલ ઉત્પાદનમાંથી માત્ર 40 ટકા દૂધ જ સહકારી સંઘ અને 60 ટકા દૂધ ખાનગી સંઘ મારફતે એકઠું કરવામાં આવે છે. ખાનગી દૂધ સંઘ પાસે ખેડૂતોની કોઈ વિગતો નથી. તેથી દૂધ માટે ખેડૂતોને જો સીધુ અનુદાન અપાય તો તેમાં ગેરરીતિ આચરવામાં આવશે. તેથી શેટ્ટીની માગણી સ્વીકારી શકાય એમ નથી. તેથી શેટ્ટીનું આંદોલન ભૂલભરેલું છે. આમ છતાં સરકારના દરવાજા ચર્ચા માટે ખુલ્લા છે.
પૅસેન્જર ટ્રેન મારફત મુંબઈને દૂધ પુરવઠો
પશ્ચિમ રેલવેએ અમદાવાદ-મુંબઈ પેસેન્જર ટ્રેન (59440) દૂધના ટેન્કર જોડવાની પરવાનગી આપી છે. તેથી આ ટ્રેન સાથે 44000 લિટરની ક્ષમતા ધરાવતાં એક એવા કુલ 12 ટેન્કર જોડવાની પરવાનગી આપી છે.
આંદોલન તોડવા `અમૂલ'નો ઉપયોગ થવા નહીં દઈએ : શેટ્ટી
મહારાષ્ટ્રમાં અમૂલ દૂધ આવે અને સ્પર્ધા થાય તેનો અમને વાંધો નથી પરંતુ રાજ્યમાં દૂધ ઉત્પાદોનું આંદોલન તોડી પાડવા માટે અમૂલનો ઉપયોગ કરવાનું ષડયંત્ર સાંખી નહી લઈએ, એમ શેટ્ટીએ બોઇસરમાં વસુંધરા ડેરી સામે આંદોલન કરતાં જણાવ્યું હતું. અમને ચર્ચા કરવામાં વાધો નહી પણ સરકાર ઉપર ભરોસો નથી, એમ તેમણે ઉમેર્યુ હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer