ગુજરાત સરકાર, જીઆઇડીસી અને સીએમએઆઇ વચ્ચે થયેલા ત્રિપક્ષી કરાર

ગુજરાત સરકાર, જીઆઇડીસી અને સીએમએઆઇ વચ્ચે થયેલા ત્રિપક્ષી કરાર

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 17 જુલાઈ
ગુજરાત સરકાર, જીઆઈડીસી અને ધી ક્લોધિંગ મેન્યુફેકચરર્સ ઍસોસિયેશન અૉફ ઇન્ડિયા (સીએમએઆઈ) વચ્ચે તા. 10 જુલાઈ 2018ના ત્રિપક્ષી સમજૂતીના કરાર થયા છે. આમાં ગુજરાતને રોકાણના ડેસ્ટિનેશન તરીકે સીએમએઆઈના સભ્યોમાં પ્રોમોટ કરાશે અને તેમને ગુજરાતની વિકાસશીલ ઔદ્યોગિક નીતિનો લાભ લેવા પ્રેરાશે. ગુજરાતની ટેક્સ્ટાઇલ પૉલિસી થોડાક મહિનાઓ પૂર્વે જાહેર થઈ હતી. તેમાં સીએમએઆઈના સલાહસૂચનોની મહત્ત્વની ભૂમિકા હતી.
નેશનલ ગાર્મેન્ટ ફેર
સીએમએઆઈના ઉપક્રમે મુંબઈ-ગોરેગામના નેસ્કો સંકુલમાં યોજાયેલા 67મા નેશનલ ગાર્મેન્ટ ફેરનું તા. 16 જુલાઈ 2018ના ફ્યુચર ગ્રુપના મોવડી કિશોર બિયાનીના હસ્તે ભવ્ય ઉદ્ઘાટન થયું હતું. આ બીટુબી ફેર ગુરુવાર તા. 19 જુલાઈ સુધી ચાલશે. ભારતનો આજ પર્યંતનો આ સૌથી મોટામાં મોટો એપરલ ટ્રેડ શો છે. આ ફેરમાં 986 સ્ટોલ છે અને 1087 બ્રાન્ડ પ્રદર્શિત થઈ છે. 916 પ્રદર્શનકારો છે. અત્રે મેન્સવેર, વિમેન્સવેર, કિડસવેર અને એસેસરીઝની અગ્રણી બ્રાન્ડો પ્રદર્શિત થઈ છે. 50,000 ટ્રેડ મુલાકાતીઓ અને ગાર્મેન્ટ રિટેલરો આ ફેરની મુલાકાત લેશે એવી શક્યતા છે. સીએમએઆઈના પ્રમુખ રાહુલ મહેતાએ જણાવ્યું છે કે આ ગાર્મેન્ટ ફેરમાં રૂા. 700થી રૂા. 800 કરોડનો બિઝનેસ થવાની ધારણા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer