`વર્ક-ફ્રોમ-હોમ'' પૉલિસીથી સિસ્કોએ 49 કરોડ ડૉલરની બચત કરી

`વર્ક-ફ્રોમ-હોમ'' પૉલિસીથી સિસ્કોએ 49 કરોડ ડૉલરની બચત કરી
19.6 કરોડ ડૉલર કાર્યકારી ખર્ચ બચાવ્યો : 29.4 કરોડ ડૉલર બિલ્ડિંગનાં વેચાણથી મેળવ્યા
 
નવી દિલ્હી, તા.17 જુલાઈ
અમેરિકાની ટેકનૉલૉજી કંપની સિસ્કોએ `વર્ક-ફ્રોમ-હોમ' નીતિથી કર્મચારીઓને ફ્લેક્સિબલ ટાઈમિંગ્સ આપવાનો નિર્ણય લેતા કંપનીએ 49 કરોડ ડૉલરની બચત રિયલ એસ્ટેટ પોર્ટફોલિયોમાં કરી છે. બીજી બાજુ કર્મચારીઓનો સંતોષ પણ નોંધપાત્ર વધ્યો છે. 
સિસ્કોએ ઘરેથી કામ કરવાની વ્યવસ્થા પોતાના 80 ટકા કર્મચારીઓને અૉફર કરી હતી. પરિણામે કંપનીએ રિયલ એસ્ટેટમાં વાર્ષિક ધોરણે વર્ષ 2012થી 19.6 કરોડ ડૉલર કાર્યકારી ખર્ચની બચત કરી છે, જ્યારે બિલ્ડિંગ્સનું વેચાણ કરીને 29.4 કરોડ ડૉલર મેળવ્યા છે. કંપનીએ આ નવી નીતિના અમલ પછી 239 બિલ્ડિંગનું વેચાણ કર્યું છે.
વૈશ્વિક ધોરણે કંપનીના 80,000 કર્મચારીઓ છે, જેમાંથી 10,000 જેટલા ભારતમાં છે. કંપનીમાં સેલ્સ, માર્કેટિંગ અને એન્જિનિયરિંગ વિભાગમાં કામ કરતા કર્મચારીઓને પોતાનો સમય પસંદ કરવાનો વિકલ્પ છે. કંપનીના કોલ સેન્ટરમાં કામ કરતા 20 ટકા જેટલા કર્મચારીઓએ જ કંપનીમાં જવું પડે છે. કંપનીના એક સિનિયર મૅનેજરે કહ્યું કે, અમે અૉફિસમાં કલાકોની ગણતરી કરતા નથી, અમે ફક્ત કામ જોઈએ છીએ. કર્મચારી કોઈ પણ સ્થળેથી કામ કરી શકે એ માટે કંપનીએ તેને જરૂરી સાધનો પૂરા પાડયા છે.
`દરરોજ અૉફિસ આવવાની જરૂર નથી. અમે એવી વ્યવસ્થા ગોઠવી છે કે કર્મચારી તેના મૅનેજરને સાપ્તાહિક ધોરણે મળીને કામકાજ સંભાળે. અઠવાડિયામાં એક વખત કર્મચારીઓ અને તેમના મેનેજર્સની મિટિંગ થાય છે જેમાં આગામી અઠવાડિયાથી વ્યૂહરચના બનાવવામાં આવે છે, એમ કંપનીએ જણાવ્યું હતું. 
વેબએક્સ અને સ્પાર્ક જેવા પ્રોડકટ્સથી સિસ્કોનું ભારતમાં વર્ચસ્વ છે. કંપનીનું કહેવું છે કે, ભારતમાં અગ્રણી આઈટી કંપનીઓ જેવી કે ઈન્ફોસિસ, વિપ્રો અને કોન્ગીઝેન્ટે વ્યાપક જોડાણો કરીને યુસેજ ચાર્ટમાં ટોચનાં સ્થાન મેળવ્યાં છે. ભારતની ટોચની પાંચ આઈટી કંપનીઓ માસિક 18.3 કરોડ વેબેક્સ મિનિટનો ઉપયોગ કરે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer