સીએ-સર્ટિફાઇડ દસ્તાવેજોની વિશ્વસનીયતા ચકાસવા હવે યુનિક નંબર

સીએ-સર્ટિફાઇડ દસ્તાવેજોની વિશ્વસનીયતા ચકાસવા હવે યુનિક નંબર

એજન્સીસ
નવી દિલ્હી, તા. 17 જુલાઈ
પ્રેકિટસિંગ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા સર્ટિફાઇડ કરાયેલા વિવિધ દસ્તાવેજોની વિશ્વસનીયતા તપાસવાની યંત્રણા હવે બૅન્કો અને નિયામક માટે ઉપલબ્ધ બનશે.
નાણાકીય નિવેદનો અને દસ્તાવેજોના બનાવટી સર્ટિફિકેશનનાં દૂષણને ડામવા સીએ ઇન્સ્ટિટયૂટે - યુનિક ડોક્યુમેન્ટ આઈડેન્ટિફિકેશન નંબર (યુડીઆઈએન)નો આગવો વિકલ્પ પસંદ કર્યો છે.
હવે પ્રેકિટસિંગ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા સર્ટિફાઇડ થયેલા દરેક દસ્તાવેજ માટે યુનિક નંબર અપાશે અને યુડીઆઈએન પોર્ટલ પર તે રજિસ્ટર્ડ થશે. નિયામક અને બૅન્કો આ પોર્ટલનો વપરાશ કરી દસ્તાવેજોની વિશ્વસનીયતા ચકાસી શકશે.
આ નવી વ્યવસ્થા તા. 1 જુલાઈથી અમલમાં આવી છે, પણ શરૂઆતમાં તે ભલામણ સ્વરૂપે રહેશે અને આગામી દિવસોમાં તે ફરજિયાત બનાવાશે.
સીએ ઇન્સ્ટિટયૂટના ધ્યાનમાં એ આવ્યું છે કે નાણાકીય નિવેદનો અને દસ્તાવેજો ત્રીજી વ્યક્તિ દ્વારા સર્ટિફાઇડ થાય છે પણ તે ત્રીજી વ્યક્તિ અસલમાં સીએ હોતી નથી. આથી સત્તાવાળાઓ અને અન્ય હિતધારકો ગેરમાર્ગે દોરાતા હતા. પોર્ટસ- https://adin.icai.org- વિવિધ નિયામકો, બૅન્કો, સત્તાવાળાઓ અને અન્ય હિતધારકોને સીએ દ્વારા સર્ટિફાઇડ દસ્તાવેજોની વિશ્વસનીયતા ચકાસવાની સવલત અૉફર કરશે. આ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સૂચિત પોર્ટલ પર રજિસ્ટર્ડ થયેલા હોવા જોઈએ. આથી સીએ સિવાયની ત્રીજી વ્યક્તિ દ્વારા તૈયાર કરાયેલા બનાવટી કે ખોટા દસ્તાવેજોને પકડી પાડવાનું સરળ બની રહેશે.
સીએ ઇન્સ્ટિટયૂટે તેના સભ્યોને તેમના દ્વારા સર્ટિફાઇડ થયેલા દસ્તાવેજો પોર્ટલ પર રજિસ્ટર્ડ કરાવવા અને સલામત રહેવા જણાવ્યું છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer