કૌભાંડગ્રસ્ત પીએનબી સહિત પાંચ પીએસયુ બૅન્કોને રૂા. 11,336 કરોડની મૂડી સહાય

કૌભાંડગ્રસ્ત પીએનબી સહિત પાંચ પીએસયુ બૅન્કોને રૂા. 11,336 કરોડની મૂડી સહાય

ક્રૂડતેલના ભાવ તૂટતાં શૅર માર્કેટમાં ખુશીનો માહોલ
 
પીટીઆઈ
નવી દિલ્હી, તા. 17 જુલાઈ
નાણામંત્રાલયે આજે રૂા. 11336 કરોડનું ભંડોળ સરકાર હસ્તક પાંચ બૅન્કોને ફાળવવાની મંજૂરી આપી હતી. તેમાં નીરવ મોદી કૌભાંડથી ગ્રસ્ત પીએનબી, કૉર્પોરેશન બૅન્ક અને આંધ્રા બૅન્કનો સમાવેશ થતો હોવાનું સત્તાવાર સૂત્રોએ આજે જણાવ્યું હતું.
વર્તમાન નાણાં વર્ષમાં આ સૌપ્રથમ ભંડોળ ફાળવણી થઈ છે અને બાકીની રૂા. 53664 કરોડની ફાળવણી નાણાં વર્ષના બાકીના સમયગાળામાં થશે.
યોજના અનુસાર પીએનબીને સૌથી વધુ રૂા. 2816 કરોડ, જ્યારે અલાહાબાદ બૅન્કને રૂા. 1790 કરોડ ફાળવવામાં આવશે. આ સાથે આંધ્ર બૅન્કને રૂા. 2019 કરોડ, ઈન્ડિયન ઓવરસીસ બૅન્કને રૂા. 2157 કરોડ અને કૉર્પોરેશન બૅન્કને રૂા. 2555 કરોડ ફાળવવામાં આવશે.
પીએસયુ બૅન્કના શૅર્સ વધ્યા
સરકાર પંજાબ નેશનલ બૅન્ક (પીએનબી) સહિતની છ સરકારી બૅન્કોમાં રૂા. 80 અબજનો મૂડી ઉમેરો કરશે, એવા અહેવાલો આવતાં નિફ્ટી પીએસયુ બૅન્ક ઈન્ડેક્સ બે ટકા જેટલો વધ્યો હતો. 
યુનિયન બૅન્ક ઓફ ઈન્ડિયા, બૅન્ક ઓફ બરોડા, ઓરિયેન્ટલ બૅન્ક ઓફ કોમર્સ, બૅન્ક ઓફ ઈન્ડિયા, અલાહાબાદ બૅન્ક, કેનેરા બૅન્ક, પંજાબ નેશનલ બૅન્ક (પીએનબી), આંધ્ર બૅન્ક અને સિન્ડિકેટ બૅન્કના શૅર્સ નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)માં ચારથી છ ટકા જેટલા વધ્યા હતા. જ્યારે સ્ટેટ બૅન્ક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ) અને આઈડીબીઆઈ બૅન્કના શૅર્સ એક ટકા વધ્યા હતા. 
બપોરે 1 વાગ્યાની આસપાસ નિફ્ટી પીએસયુ બૅન્ક ઈન્ડેક્સ ક્ષેત્રવાર સૂચકાંકની દૃષ્ટિએ સૌથી વધુ 1.8 ટકા વધ્યા હતા, જ્યારે સરખામણીમાં નિફ્ટી 50 ઈન્ડેક્સ તે સમયે 0.28 ટકા વધ્યા હતા. નિફ્ટી બૅન્ક અને નિફ્ટી પ્રાઈવેટ બૅન્ક સૂચકાંકો બંને 0.5 ટકા વધ્યા હતા. 
નીરવ મોદી કૌભાંડથી પીડિત પીએનબી સહિત  સરકાર હસ્તક છ બૅન્કોમાં રૂા. 80 અબજ જેટલો મૂડી ઉમેરો થશે એવી માહિતી નાણાં મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. 
નિષ્ણાતોના મતે વેવ થિયરી નિફ્ટીનો દૈનિક ચાર્ટ ઉપર જશે એમ દર્શાવે છે. આનો મતલબ આખલો તેજીમાં રહેશે. નિફ્ટી માટે 11,100-11,171નું સ્તર મહત્ત્વનું ગણાશે.
જ્યારે પ્રભુદાસ લીલાધરના રિસર્ચ એનાલિસ્ટ-ટેક્નિકલ રિસર્ચના વૈશાલી પરીખે જણાવ્યું હતું કે, નિફ્ટી અને બૅન્ક નિફ્ટીનો દૈનિક ટ્રેન્ડ 8 દિવસ પછી નીચો ગયો હોવાથી નબળો થયો છે. 10980નું નજીકનું સપોર્ટ નિફ્ટીને તોડશે, તેમ જ બૅન્ક નિફ્ટીમાં પણ કામકાજ નબળું રહેશે. દિવસ માટેનો સપોર્ટ 10870 હતો જ્યારે રેસિસટન્સ 10980 હતું. 
નબળા આર્થિક આંકડા અને ક્રૂડના વધતા ભાવથી ઉત્સાહ ગુમાવી રહેલા બજારને બૅન્ક્સને મૂડી સહાય ઉપરાંત સારાં કંપની પરિણામોના આશાવાદે મંગળવારે તેજીતરફી બનાવ્યું હતું. એફએમસીજી અને આઈટી સિવાયનાં તમામ ક્ષેત્રોમાં નવી લેવાલી જોવા મળી હતી. 
સેન્સેક્ષ 196 પોઈન્ટ વધીને 36,520 અને નિફ્ટી 71 પોઈન્ટ વધીને 11,008એ બંધ નોંધાયો હતો. અૉઈલ અને ઍરલાઈન્સ કંપનીઓના શૅર્સમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો. તેલના નીચા ભાવને પગલે નિફ્ટી એનર્જી ઈન્ડેક્સ 1.6 ટકા વધ્યો હતો. 
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈસીઆઈસીઆઈ બૅન્ક, એસબીઆઈ, એક્સિસ બૅન્ક અને મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર જેવા સૂચકાંકોમાં વધુ ભારણ ધરાવતા શૅર્સમાં ભારે લેવાલીને પગલે સૂચકાંકોને વેગ મળ્યો હતો.
દૂધના ભાવ બાબતે આંદોલન થતા સરકારે ડેરી નિકાસમાં 10 ટકા ઈનસેન્ટિવ જાહેર કરવાના અહેવાલો વહેતા થતાં પ્રભાત ડેરીનો શૅર 13 ટકા અને પરાગ મિલ્કનો શૅર પાંચ ટકા જેટલો વધ્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer