લઘુ ઉદ્યોગોની નવી વ્યાખ્યા રદ ન થાય તો અસ્તિત્વ જોખમાશે

લઘુ ઉદ્યોગો સાથે ટ્રેડરો-આયાતકારો હરીફાઇ કરે તેવી સ્થિતિ : રાજકોટ એન્જિ. ઍસો.
 
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 14 અૉગ.
મંદીના દોરમાંથી પસાર થઇ રહેલા લઘુ ઉદ્યોગો મુશ્કેલીમાં મૂકાઇ જાય અને અસ્તિત્વના પ્રશ્નો સર્જાય તેવો ફેરફાર સરકારે નવા એમએસએમઇ બિલ 2018માં કરતા ચોમેરથી વિરોધ ઉઠયો છે. લઘુ ઉદ્યોગોની વ્યાખ્યામાં ધરમૂળથી બદલાવ કરવામાં આવતા રાજકોટ એન્જિનિયરિંગ ઍસોસિયેશને વડા પ્રધાન અને લઘુ ઉદ્યોગ મંત્રાલયને લેખિતમાં રજૂઆત કરી નવા બિલને રોકવા માટે કહેવામાં આવ્યું છે.
રાજકોટ એન્જિનિયરિંગ ઍસોસિયેશનના પ્રમુખ પરેશભાઇ વસાણી કહે છે, અત્યાર સુધી લઘુ ઉદ્યોગોને પ્લાન્ટ અને મશીનરીની કિંમત કે મૂડીરોકાણને આધારે વર્ગીકૃત કરાતા હતા. 25 લાખનું રોકાણ પ્લાન્ટ મશીનરીમાં હોય તેવા એકમો માઇક્રો, 5 કરોડ સુધીનું હોય તે લઘુ અને 10 કરોડ સુધીનું રોકાણ હોય તો તે મધ્યમ ગણાતો. હવે નવા એમએસએમઇ બિલ 2018 પ્રમાણે ટર્નઓવર ગણવામાં આવશે. પાંચ કરોડનું ટર્નઓવર ધરાવનાર એકમ માઇક્રો, 75 કરોડનું હોય તે મધ્યમ અને અઢીસો કરોડનું ટર્નઓવર હોય તે મધ્યમ એકમ ગણાશે.
પરેશભાઇ કહે છે, નવી વ્યાખ્યાની તરફેણ કરનારો બહુ મોટો વર્ગ ધીરાણ ક્ષેત્રે સંકળાયેલો છે. સીડબી સાથે સંકળાયેલો છે. આરબીઆઇના નક્કી કરાયેલા ધોરણો પ્રમાણે પ્રાયોરિટી ક્ષેત્રને કરવાના થતા ધીરાણના 20 ટકા લક્ષ્યાંકને સંસ્થાઓ પહોંચી શકતી નથી. માઇક્રો એકમો વ્યાજખોરોની ચૂંગાલમાં ન ફસાય તે માટે આરબીઆઇએ આવો નિયમ લાગુ કર્યો હતો પણ ધીરાણ સંસ્થાઓ કે બૅન્કો માઇક્રો એકમો સુધી જતી નથી. આમ લઘુ ઉદ્યોગોની વ્યાખ્યા જ સમૂળગી બદલીને ફાઈનાન્સ આપનારાઓએ લાખો લઘુ ઉદ્યોગોનું હિત જોખમમાં મૂકી દીધું છે.
નવી વ્યાખ્યામાં ટ્રેડરો અને આયાતકારો પણ આવી જશે. મેઈક ઇન ઇન્ડિયાનું કોઇ મહત્ત્વ રહેશે નહીં. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer