આવકવેરાના સર્વે દરમિયાન ખોટાં નિવેદન સામે કોર્ટમાં ફરિયાદ થઇ શકે

સુરત, તા. 14 ઓગ.
આવકવેરા વિભાગ દ્વારા સામાન્ય નાગરિકને કોઇપણ પ્રકારની મુશ્કેલી ન ભોગવવી પડે તે માટે પારદર્શિતા અને ટેકનૉલૉજીના માધ્યમથી સર્ચ અને સર્વે કરી કામગીરી કરી રહ્યું હોવાનું દક્ષિણ ગુજરાતના આવકવેરા ડિપાર્ટમેન્ટની મુલાકાતે આવેલા સ્ટેટ ઇન્કમ ટૅક્સ ઇન્વેસ્ટિગેશનના ડી જી અમિત જૈનએ જણાવ્યું હતું.  
સુરત આવકવેરા વિભાગની ઓફિસ પર રાજ્યના ઇન્કમ ટૅક્સ ઇન્વેસ્ટિગેશનના ડી જી અમિત જૈને વાતચીત કરતાં જણાવ્યું હતું કે, આવકવેરા વિભાગ દ્વારા પારદર્શિતા અને ટેકનૉલૉજીનો ઉપયોગ કરી સર્ચ અને સર્વેની  કામગીરી કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારની નીતિ સામાન્ય નાગરિકને કોઇપણ પ્રકારની મુશ્કેલી ન પડે તેવી છે. આવકવેરા વિભાગ નક્કર પુરાવા એકત્ર કરી જરૂરી ડેટા મેળવીને  બ્લેક મની એકટ, બેનામી આવક, તેમજ ફરિયાદ માંડવા પર `ધ્યાન કેન્દ્રીત કર્યું છે.
આવકવેરા વિભાગ ઉપરાંત રેવન્યુ ઇન્ટેલિજન્સ, એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ, સહિત મલ્ટિ એજન્સીઓના ગ્રુપ સાથે સંકલન કરીને નવા પ્રવાહમાં ઇન્કમ ટૅક્સ વિભાગ કાર્યરત થઇ રહ્યું છે. આ પહેલા આવકવેરા વિભાગને સર્ચ અને સર્વે કરતી વેળા મિલકત એટચમેન્ટની સત્તા ન હતી. મિલકત ટાંચમાં લેવા માટે 90 દિવસ એટલે કે ત્રણ મહિના ઉપરાંતનો સમય નીકળી જતો  હતો. પરંતુ, કલમ 132(9)બીનો ઉમેરો થતાં આવકવેરા વિભાગ  ટૅક્સ ચોરી કરનારાઓની મિલકતો ટાંચમાં લઇ શકે છે. 
તેમણે ઉમેર્યું હતું કે, ઇન્કમ ટૅક્સ વિભાગ સર્ચ અને સર્વેની કામગીરી દરમિયાન કરદાતાઓએ ખોટું નિવેદન આપ્યું હોવાના પુરાવા નીકળે તો કોર્ટમાં  ફરિયાદ પણ દાખલ કરી શકે છે. સુરત આવકવેરા વિભાગ દ્વારા આવા કરદાતાઓ કે જેમણે ખોટાં નિવેદન લખાવ્યાં હોય તેવા 77 કેસમાં કાયદેસર કાર્યવાહી કરી કરદાતાઓને નોટિસ આપવામાં આવી છે. આ ઉપરાંત 8 કેસમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer