ખરીફ વાવેતરે વેગ પકડયો, પણ ગયા વર્ષથી ઓછું

નવી દિલ્હી, તા. 14 અૉગ.
કઠોળ અને તેલીબિયાનું વાવેતર સામાન્ય કરતાં સારું થવાથી ખરીફ પાકનો વાવેતર વિસ્તાર વધ્યો છે, છતાં પણ ગયા વર્ષના આ સમયગાળાથી સાધારણ ઓછો રહ્યો છે. શુક્રવાર, તા. 10 અૉગસ્ટ સુધીમાં 924.76 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે જે ગયા વર્ષના આ સમયના 938.66 લાખ હેક્ટરથી 1.48 ટકા ઓછું છે, એમ જણાવ્યું છે.
વરસાદના અભાવે ચોખાનું વાવેતર ગયા વર્ષની તુલનાએ 2.85 ટકા ઓછું રહ્યું છે. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, તેલંગણા, આન્ધ્ર પ્રદેશ, ઓડિશા, હરિયાણા અને પંજાબમાં ચોખાની ફેરરોપણીમાં નોંધપાત્ર વધારો થયો છે જ્યારે પશ્ચિમ બંગાળ, મણિપુર અને આસામમાં ચોખાનો વાવેતર વિસ્તાર ઘટયો છે. ચોખાનું 307.78 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે.
કઠોળનું વાવેતર ગયા વર્ષ કરતાં ઓછું, 124.15 લાખ હેક્ટરમાં થયું છે. પરંતુ ખરીફ સિઝનના સામાન્ય વિસ્તાર કરતાં દસ લાખ હેક્ટર વધુ રહ્યું છે. મગ અને તુવેરનું વાવેતર આશાસ્પદ જણાય છે જ્યારે અડદનું વાવેતર લગભગ 12 ટકા ઘટીને 35 લાખ હેક્ટરથી પણ ઓછું થયું છે. મુખ્યત્વે સોયાબીનના વાવેતરમાં વધારાને લીધે તેલીબિયાંનો અત્યાર સુધીનો વાવેતર વિસ્તાર અગાઉની ખરીફ સિઝન કરતાં 5 ટકા વધુ 162.47 લાખ હેક્ટર રહ્યો છે.
જાડાં ધાન્યોમાં, જુવારનો વાવેતર વિસ્તાર ગયા વર્ષના સમાનગાળાની તુલનાએ 11 ટકા વધુ પરંતુ બાજરાનો વાવેતર વિસ્તાર 11 ટકા ઓછો રહ્યો છે.
કપાસનું વાવેતર ગયા વર્ષના સમાન ગાળાથી હજી પણ 3.85 ટકા ઓછું 112 લાખ હેક્ટર છે. કપાસનો વાવેતર વિસ્તાર તેલંગણા, મહારાષ્ટ્ર, અને રાજસ્થાનમાં વધ્યો છે, જ્યારે પંજાબ અને કર્ણાટકમાં ઘટયો છે.
દેશમાં 535.6 મિ.મી.ના સામાન્ય વરસાદની સામે 481.2 મિ.મી. વરસાદ થયો છે અને વરસાદની ખાધ સમગ્રતયા 10 ટકા રહી છે એમ સત્તાવાર માહિતીમાં જણાવાયું છે. ગુજરાતમાં (20 ટકા), ઝારખંડ (25 ટકા) અને પૂર્વોત્તરનાં કેટલાંક રાજ્યોમાં વરસાદની અછત રહી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer