વરસાદ ખેંચાતાં ખેતી ઉપર આફત

મહિના કરતાં વધારે સમયથી વરસાદ ખેંચાતાં પાક બળી જવાનો ભય : વરસાદની તાતી જરૂર
 
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 14 અૉગ.
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં વરસાદ મહિના કરતાં વધારે સમયથી ખેંચાયો છે. જમીનમાંથી ભેજ સૂકાઇ જતાં જમીનો સૂકીભઠ્ઠ થઇ ગઇ છે. ખેડૂતોએ મહામહેનતે કરેલું વાવેતર મરવાના વાંકે જીવી રહ્યું હોય તેવી સ્થિતિ છે. હવે વરસાદ ન પડે તો કપાસ, મગફળી અને કઠોળ જેવા પાકો નિષ્ફળ જવાનો ભય વધતો જાય છે. સૌરાષ્ટ્રમાં સિંચાઇ આધારિત ખેતી માંડ 10 ટકા જેવી છે, એ સિવાયના બધા ખેતરોમાં વરસાદી ખેતી થાય છે. 
ઉપલેટા, ધોરાજી, જેતપુર, જસદણ જેવા રાજકોટ જિલ્લાના અનેક ગામો, જામનગર, પોરબંદરમાં ક્યાંય મહિનાથી વરસાદ નથી. પિયતના પાણી પણ ફક્ત 20-25 ટકા પાકને આપીને જીવાડી શકાય તેમ છે. હવે જો આઠ-દસ દિવસ પણ વરસાદનો વિરામ રહે તો ખેડૂતો માટે ખેતરમાં જવા જેવું રહેશે નહીં, કારણ કે મોટાભાગનો પાક નિષ્ફળ જઇ ચૂક્યો હશે. કપાસ, મગફળી, કઠોળ, તેલિબિયાં અને હવે તો ઘાસચારો અને શાકભાજી જેવાં પાકોમાં પણ સમસ્યા છે. 
ગુજરાત સરકારના કૃષિ વિભાગે 72.28 લાખ હેક્ટરમાં વાવેતર નોંધ્યું છે. ગયા વર્ષના 77.90 લાખ હેક્ટર કરતાં વિસ્તાર ઓછો છે. જોકે, વાવેતર છે તેમાં નુક્સાની કેટલી અને કેટલો પાક બળી ગયો છે તેનો કોઇ આંકડો સરકારી ચોપડે નથી. રાજકોટ નજીક ખેતી કરનારા ખેડૂત રમેશભાઇ ભોરણિયા કહે છે, નદી કાંઠા અને ડેમ વિસ્તારના ખેડૂતોને પાક ફૂલ્યોફાલ્યો છે, પણ બાકીના વિસ્તારોમાં હાલત ખૂબ જ કપરી છે. ખેડૂતો પાસે નિંદામણ કાપવાનું ય કામ નથી. વરસાદ ન આવે તો પાક ઉત્પાદન અને ઉતારામાં ગાબડાં પડશે એ નક્કી છે. 
બે પાંચ ઇંચ વરસાદમાં વાવણી કરી ચૂકેલા ખેડૂતો ફસાઇ ગયા છે. ખેતરમાં પાણીની સગવડ નથી અને વરસાદ પણ નથી. ખેડૂતો પાસે વરસાદની રાહ જોયા વિના છૂટકો નથી. ખેડૂતો કહે છે, એક મહિનાથી આકરો તાપ પડયો નથી એટલો કુદરતે સાથ આપ્યો છે. વાદળિયાં વાતાવરણને લીધે જમીનમાં ભેજ જળવાઇ રહ્યો છે એટલે હજુ પાકમાં થોડો જીવ છે. તડકો શરૂ થઇ જાય તો પાક બે દિવસ પણ ઊભો રહી શકે તેમ નથી.
હવામાન ખાતાએ16મી અૉગસ્ટથી ભારે વરસાદની આગાહી કરી છે. ચારેક દિવસમાં જો સારો વરસાદ પડી જાય તો પાક હાથમાંથી સરકી નહીં જાય, પરંતુ ઉતારાની ભારે સમસ્યા આ વર્ષે રહેવાની તે નક્કી છે.
વાવેતરની સ્થિતિ
પાક               2017           2018
ડાંગર             7.69            7.32
બાજરી           1.47            1.53
જુવાર            0.40            0.43
મકાઇ             3.02            3.10
તુવેર              2.62            2.35
મગ               1.22            0.53
મઠ                0.25            0.08
અડદ             1.23            1.03
મગફળી         16.20          14.65
તલ               1.01            0.71
એરંડા             2.29            1.50
સોયાબીન       1.24            1.32
કપાસ             26.51          26.74
(લાખ હેક્ટરમાં)

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer